________________
છે. એમાં એમનો ભાવ ખરાબ નથી હોતો, પણ પોતાના કર્તવ્ય તરફ બેધ્યાન રહેવું એ પણ એક પ્રકારનો અતિચાર-મલિનભાવ તો કહેવાય જ. સાથે રહેલા તમામ વડીલ સંયમીઓને વંદન કરવા એ સંયમીની ફરજ છે, કર્તવ્ય છે. વડીલોમાં રહેલા ઉંચીકક્ષાના સંયમની અનુમોદના માટે જ આ વંદન કરાય છે. જો વંદન ન કરાય તો આપણાથી ઉંચા સંયમીઓની અનુમોદના ન કરેલી ગણાય, અને ઊંચા સંયમની અનુમોદના વિના ઊંચુ સંયમ પ્રાપ્ત શી રીતે થાય ? એટલે ઉપેક્ષા છોડીને, આળસ ફગાવી દઈને રોજ તમામ સંયમીઓને યાદ રાખી રાખીને વંદન કરવા.
આમ છતાં મોટા સમુદાયમાં ક્યારેક કોઈક સંયમી યાદ ન આવે અને એને વંદન રહી જાય તો પછી જ્યારે એ વાતની ખબર પડે ત્યારે એ સંયમીને બીજા દિવસે પણ વંદન કરી લેવા અર્થાત્ જે દિવસે જેને વંદન રહી જાય, તેના બીજા દિવસે તેને બે વંદન કરી લેવા. આ સાપેક્ષભાવને લીધે ઉપેક્ષા-પ્રમાદ
અટકશે.
ક્યારેક એવું બને કે સાંજના સમયે વંદન ક૨વા નીકળ્યા અને કોઈક સંયમી સ્થંડિલાદિ ગયા હોવાથી ન મળ્યા. અને તરત પ્રતિક્રમણ શરૂ થતું હોવાથી માંડલા કરી લેવા જરૂરી બન્યા. તો એ વખતે સ્થાપનાજી સામે એ સંયમીને વંદન કરીને માંડલા કરી શકાય.
ક્યારેક સાંજે જ પાંચ-સાત સંયમીઓ વિહાર કરી ગયા. અમુક સંયમીઓને આ ખ્યાલ ન રહેવાથી એ વિહાર કરી ગયેલા સંયમીઓને વંદન કરવાના રહી ગયા. તો પછી તે સંયમીઓને સ્થાપનાજી સામે વંદન કરી લેવા.
આમ કરવાનું કારણ એ કે વંદનાદિ કરવામાં ઉપેક્ષા, આળસ વધતી ન જાય. જો સ્થાપનાજી સામે પણ વંદન કરવામાં ન આવે તો સંસ્કાર એ પડશે કે “સંયમીઓને વંદન રહી જાય તો પણ વાંધો નહિ. જેટલાને વંદન થાય એટલા ખરા.' જ્યારે સ્થાપનાજી સામે વંદન ફરજિયાત કરવાથી સંસ્કાર એ જ પડશે કે કોઈપણ સંયમીને વંદન રહી જાય એ ન જ ચાલે. છેવટે સ્થાપનાજી સામે પણ વંદન તો કરવા જ પડે. (દિવસ દરમ્યાન જે સંયમીઓ આપણને ભેગા થયા હોય એ જ સંયમીઓએ વંદન કરવાનો આ નિયમ છે. આપણાથી દૂર રહેલા સંયમીઓને વંદન કરવાનો આ નિયમ નથી.)
.આમાં વંદન બાબતમાં જુદી જુદી સામાચા૨ીઓ જોવા મળે છે. (૧) કેટલાંક ગ્રુપોમાં સંયમીઓ તમામ વડીલ સંયમીંઓને દિવસમાં બે વાર વંદન કરે છે. (૨) કેટલાંક ગ્રુપોમાં માત્ર પદવીધર વડીલોને બે વાર વંદન કરાય છે, બાકીના વડીલોને દિવસમાં એક જ વાર વંદન કરાય છે. (૩) કેટલાંક ગ્રુપોમાં વિહાર કરીને આવેલા વડીલોને બે વંદન કરાય છે, એ સિવાય એક વંદન કરાય છે.
આવી જે કોઈપણ તે તે ગચ્છની સામાચારી હોય તે ગચ્છના સંયમીઓએ તે જ સામાચારી પ્રમાણે વર્તવું.
૧૬૧. હું મારી પ્રશંસા નહિ કરું, થઈ જાય તો બે દ્રવ્યનું એક ટંક કરીશ :
આધ્યાત્મિક જગતનું અધમકક્ષાનું એક પાપ છે - સ્વપ્રશંસા. અંદર અહંકાર દોષ સળવળતો હોય તો એ અહંકારરૂપી સાપના મોઢામાંથી નીકળતી ઝેરની પિચકારી જેવો આ સ્વપ્રશંસા દોષ છે. પુણ્યબળે વિદ્વત્તા, લેખનશક્તિ, શિષ્યસંપત્તિ, વિશિષ્ટ તપ-આરાધના, જોરદાર શાસન પ્રભાવકતાદિ
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૬૭)
·