________________
ત્યારે ઘરે ઘરે તમે અમુક નિયમ લો, તો જ વહોરું' એ રીતે ઉપદેશ આપી-આપીને એમને નિયમો ન આપવા જોઈએ ?
રે ! આગળ વધીને વિદેશમાં વસનારાઓના હિત માટે વિમાનમાં બેસીને પરદેશ પણ ન જવું
જોઈએ ?
ખેર ! આ અંગે ગીતાર્થ-સંવિગ્નો જે નિર્ણય આપે તે પ્રમાણ. બાકી હાલના તબક્કે તો સંયમી સ્વયં પોતાના તપના પારણાની પત્રિકાઓ કરાવે, મહોત્સવો રખાવે એ મને ઉચિત દેખાતું નથી. શ્રાવકો પોતાની મેળે કંઈપણ કરે તો એમાં સંયમીને દોષ નથી. છતાં આ વિષયમાં દરેક સંયમીએ પોતાના સંવિગ્ન-ગીતાર્થ ગુરુભગવંતોને પુછીને તેમના કહ્યા પ્રમાણે જ પ્રવૃત્તિ કરવી.
૧૯૯. હું પ્રતિક્રમણમાં સ્પષ્ટ ઉચ્ચાર સાથે નમોસ્તુ વર્ધમાનાય સ્તુતિ બોલીશ :
નિર્વિઘ્ને પ્રતિક્રમણ નામની શ્રેષ્ઠ ક્રિયા પૂર્ણ થવાના આનંદ બદલ, આ શાસન આપણને આપનારા પરમકૃપાળુ, પરમપિતા પરમાત્મા મહાવીરદેવના અસીમ ઉપકારને યાદ કરીને એ દેવાધિદેવની સ્તુતિ રૂપે આ નમોડસ્તુ કે સંસારદાવા રૂપી ત્રણ સ્તુતિઓ બોલાય છે. શાસ્ત્રકારો લખે છે કે (૧૦)આવશ્યક ક્રિયા ક૨વાથી સંયમીનો આનંદ ખૂબ વધ્યો છે અને વધી રહ્યો છે. એ દર્શાવવા માટે પહેલી ગાથા અલ્પઅક્ષરવાળી અને મંદસ્વરે બોલવાની છે. બીજી ગાથા વધુ અક્ષરવાળી અને મધ્યમસ્વરે બોલવાની છે. અને ત્રીજી ગાથા સૌથી વધારે અક્ષરવાળી અને ઉત્કૃષ્ટ સ્વરે બોલવાની છે.
શ્રમણ ભગવાન મહાવીરદેવ પ્રત્યેની કૃતજ્ઞતા ભાવનાના અતિરેકથી આંખમાંથી હર્ષાશ્રુઓ વહી રહ્યા હોય અને એ સ્તુતિઓ બોલાતી હોય એ સંયમી માટેની ધન્યપળો છે.
પણ આજે એ ભાવનામાં ઓટ આવી છે કે કેમ ? ક્યારેક એવું જોવા મળે છે કે વડીલ નમોડસ્તુ ગાથા બોલી રહે પછી ૨૦-૨૫ સંયમીમાંથી માંડ પાંચ-દસ સંયમી એ બોલે. બાકીનાઓ મૌન બેસી રહે. એ સ્તુતિ બોલવાનો ઉલ્લાસ જ એમનામાં ન દેખાય.
દેવાધિદેવ પ્રત્યેની આપણી સદ્ભાવના ઘટી છે કે પછી આ બાબતનો ઉપયોગ-ખ્યાલ જ નથી?
અલબત્ત, શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે પ્રતિક્રમણાદિ મહાનક્રિયાઓ કરવાથી ખૂબ હર્ષોલ્લાસ પ્રગટ્યો હોય અને આત્માના અધ્યવસાયો ખૂબ ઉછાળા મારતા હોય તેવા આત્માઓ તો આજે વિરલ જ જોવા મળે છે. છતાં આસન્નોપકારી ભગવાન મહાવીર દેવ પ્રત્યેનો સદ્ભાવ પ્રગટ કરવા માટે કમસેકમ આ સ્તુતિઓ તો સ્પષ્ટ ઉચ્ચાર સાથે હાથ જોડી ભગવાનને યાદ કરી ભાવપૂર્વક બોલવાનો પ્રયત્ન કરવો જ જોઈએ .
સાધ્વીજીઓએ આ જ વાત સંસાર દાવાનલ સ્તુતિ માટે સમજવાની છે.
૨૦૦. હું પ્રતિક્રમણ બાદ શ્રાવકો પાસે કોઈપણ પ્રકારની સ્તુતિઓ બોલાવવાનો આગ્રહ રાખીશ નહિ કે વધારાની કોઈપણ ક્રિયાનો ઉમેરો કરીશ નહિ :
સામાન્યથી એવો નિયમ છે કે કોઈપણ કાર્ય જેટલું વધારે લંબાતુ જાય એટલો એમાં ઉત્સાહ, ઉલ્લાસ ઘટતો જાય. એમાં વેઠ પણ ઉતરતી જાય. કલાકમાં એક કાપ કાઢવાનો હોય તો એમાં ઉલ્લાસ રહે. પણ પાંચ-છ ગ્લાન સાધુઓનો પાંચ-છ કલાકમાં કાપ કાઢવાનો આવે ત્યારે ઉલ્લાસ નબળો પડે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૦૧)