________________
જોઈ લો, આ અનવસ્થાનો હાહાકાર ! સુતરનો સાદો એક ચોલપટ્ટો પણ વધારે ન રાખવાની આજ્ઞામાં છૂટ મૂકી અને આજે એ અનવસ્થા પરાકાષ્ઠાને પામી રહી છે. હવે રત્નોની માળાઓ, મણિની માળાઓ પણ સંયમીઓ વાપરતા થયા છે.
અને છતાં આ સંયમીઓ સમેતશિખરાદિ તીર્થોની રક્ષા કરી શક્યા ખરા ? કતલખાનાઓ બંધ કરાવી શક્યા ? ગર્ભપાતો અટકાવી શક્યા ખરા ?
ઘણી વાત કરવાની હોવા છતાં હવે એ ન કહેતા ટુંકમાં એટલું જ જણાવીશ કે સંયમીઓ નમસ્કારમહામંત્ર કે મહાસંવિગ્ન-મહાગીતાર્થ ગુરુઓ વડે સામેથી સહર્ષ અપાતા મંત્રો સિવાય બીજા કોઈપણ મંત્રજપાદિમાં ખેંચાઈ ન જાય. અને આ જે કંઈ પણ જપ કરે એ રોજીંદા વસ્ત્રો પહેરીને કરે. એ માટે કોઈપણ વસ્ત્રો વધારે ન રાખે. છેવટે સાદા વસ્ત્રો વધારામાં રાખે. સુતરની કે સુખડની માળા સિવાય કોઈપણ ભભકાદાર માળાઓ ભેગી ન કરે, ન વાપરે. ગુરુમહારાજ સામેથી કોઈક યંત્ર આપે, રાખવાનું કહે તો રાખે. બાકી જાતે એકપણ યંત્ર ન રાખે, એની તપાસ સુદ્ધા ન કરે. એમ ગુરુ જે કોઈ ફોટાઓ રાખવાનું કહે તે જ ફોટા રાખે એ સિવાય વધારાના, પોતાની ઈચ્છાથી એક પણ ફોટા ન રાખે.
એ મહાત્માઓ તો ધન્ય છે કે જેઓ પાસે વધારાના કોઈ જ વસ્ત્રો નથી. કોઈ યંત્રો કે ભગવાનના ય ફોટા સુદ્ધાં નથી. રે ! નવકારવાળી પણ નથી. આંગળીના વેઢા ઉપર જ જેઓ ગુરુદત્ત જપ કરે છે. વધુમાં વધુ સુતરની માળા ઉપર જપ કરે છે. અને એ ગુરુદત્ત જપ કરીને સ્વાધ્યાયાદિમાં લીન બને છે.
એટલે બાધાનો સાર આ છે કે રેશમી-રંગીન ચોલપટ્ટો ન રાખવો. માળા રાખીએ તો સુખડસુતર સિવાયની ન રાખવી. અત્તર-ધૂપ-પુષ્પ-દીપકાદિ કોઈપણ વસ્તુનો વપરાશ કરવો નહિ. છતાં આ બાબતમાં પોતાના સદ્ગુરુજનોની રજા લઈને બધું કરી શકાય.
૨૦૩. ઉપાશ્રયમાં જ્યાં સુધી મારા કરતા વડીલ મહાત્માને બેસવાની જગ્યા-ટેબલાદિની જરૂર હોય ત્યાં સુધી હું જગ્યા-ટેબલાદિ લઈશ નહિ :
વિહાર કરીને ઉપાશ્રયમાં પહોંચતાની સાથે જ કેટલાંક સંયમીઓ સારામાં સારી જગ્યાએ પોતાનું સ્થાન જમાવી દે. ટેબલ વગેરે લઈને એના ઉપર પોતાનો થેલો મૂકી એની માલિકી (!) ક૨ી લે. વડીલો મોડા આવે ત્યારે એમને માટે બેસવા લાયક કોઈ જગ્યા ન હોય, પ્રકાશ-પવન વિનાની જગ્યાએ વડીલોએ બેસવું પડે. એમને ટેબલાદિની જરૂર હોય છતાં બધા ટેબલ નાના સંયમીઓએ લઈ લીધા હોવાથી તેઓએ ટેબલ વિના જ ચલાવવું પડે. એ વખતે વડીલોને નાનાઓ પ્રત્યે સંક્લેશ પણ જાગ્રત થાય. વડીલ જો કડક હોય તો તો નાનાઓને સારી જગ્યાએથી હટાવી પોતે ત્યાં બેસી જાય. એના પુસ્તકાદિને બાજુ પર મૂકી એનું ટેબલ પોતે લઈ લે. નાનાએ આ અપમાનાદિ સહન કરવા પડે.
પણ વડીલનું કંઈ વર્ચસ્વ ન હોય, વડીલ ઠંડા સ્વભાવના હોય તો આ બધું વર્તન ન ગમવા છતાં મુંગા રહી બધું સહન કરે.
આ બધું શું નાના સંયમીઓ માટે યોગ્ય ગણાય ? આમાં વડીલો પ્રત્યેનો વિનય જ ક્યાં છે ? સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૦૮)