________________
જો રાત્રે અંધારામાં કો'ક ઉપાશ્રયમાં પહોંચીએ તો પછી બારી-બારણાદિમાં કરોળીયાના જાળા વિગેરેનો વિવેક કરવો અશક્ય બને. એ વખતે પુંજીને કે પુંજ્યા વિના બારી-બારણા ખોલવા ઉચિત નથી. જો આ પ્રતિજ્ઞા હોય તો જે નકામી બારી-બારણા ખોલબંધ કરવાની પ્રવૃત્તિ થતી હોય તે એની મેળે જ અટકી જાય. કેમકે દરેકે દરેક બારી-બારણા બરાબર પુંજીને ખોલબંધ કરવાની ક્રિયામાં ઘણો સમય લાગે. એટલે સ્વાભાવિક રીતે વધારાની એ ક્રિયા ઓછી થઈ જ જાય.
કેટલાંક સંયમીઓ એટલા જોરથી બારી-બારણા ખોલે કે એ બારી-બારણા બહારની બાજુ જોરથી અથડાય. ક્યારેક કાચ પણ ફુટે, ક્યારેક પાછળની દિવાલ ઉપરના જીવ પણ મરે.
આવી અનેક અજયણાઓ જાણી લઈ સંયમના ખપી મહાત્માઓએ તેનો ત્યાગ કરવો જોઈએ . ૬૦. ઉપાશ્રયમાંથી વિહાર કરતી વખતે મેં જેટલા બારી-બારણા ખોલ્યા હોય એ બધા જાતે બંધ કરી દઈશ. જે વસ્તુ જ્યાંથી લીધી હોય, તે વસ્તુ ત્યાં પાછી મૂકી દઈશ.
સંયમીઓ ઉપાશ્રયમાં ઉતરે ત્યારે હવા-ઉજાસ માટે બારી-બારણાઓ ખોલે. પણ પછી બે-ચાર દિવસમાં વિહાર કરે ત્યારે એ બધુ બંધ કરવાની તસ્દી જો ન લે તો સંયમીના ગયા બાદ ઉપાશ્રયનો નોકર જ બધા બારી-બારણા બંધ કરે. હવે એ તો તે વખતે પુંજવા વિગેરે રૂપ કોઈ જયણા સાચવવાનો જ નથી. એટલે ત્યાં જે વિરાધના થાય એનો દોષ બારી-બારણા ખોલનારા સંયમીઓને લાગે.
વળી આ રીતે ઉપાશ્રય ગમે તેમ ખુલ્લો મૂકીને જનારા પ્રત્યે ત્યાંના વ્યવસ્થાપકોને પણ અસદ્ભાવ થાય. એક ગામમાં સાંજે ૨૦-૨૫ સાધુઓ રોકાયા. સવારે બધા સાધુઓએ બારી-બારણા બંધ કર્યા વિના વિહાર કરી દીધો. સાધુઓ થોડુંક ચાલ્યા, પણ રસ્તો કાચો અને ભુલા પડાય તેવો હોવાથી રસ્તો દેખાડનારની જરૂર પડી. આગલા દિવસે ત્યાંના વ્યવસ્થાપકે કહેલું જ કે “હું રસ્તો બતાવવા સમયસર આવી જઈશ.' પણ એ આવ્યો ન હતો. ૧૦-૧૫ મિનિટ પછી એ માણસ આવ્યો. સાધુઓ એને ઠપકો આપવા માંગતા હતા કે, “તું કેમ મોડો પડ્યો ?” પણ એને બદલે પેલો માણસ જ ઉકળી પડ્યો, “તમે બધા બારી-બારણા ખુલ્લા મૂકીને નીકળી ગયા ? અંદરથી ચોરી વિગેરે થાય તો? આટલો પણ વિવેક તમારામાં નથી ?’’. સાધુઓએ માફી માંગવી પડી.
એમ પરાતો, ઘડાઓ, ટેબલો, પાટ, ધાબળા વિગેરે ઉપાશ્રયની જે જે વસ્તુઓ જ્યાંથી લીધી હોય, ત્યાં જ ગોઠવી દઈએ તો આપણા ગયા બાદ નોકર દ્વારા એ બધું ગોઠવવામાં થનારી વિરાધનાઓનો દોષ આપણને ન લાગે. અને એ નોકર વિગેરેને સાધુઓ પ્રત્યે અપ્રીતિ થવાને બદલે સદ્ભાવની લાગણી પ્રગટે.
વળી આ તો લોકમાં પણ શિષ્ટાચાર છે કે લીધેલી વસ્તુ પાછી યોગ્યસ્થાને મૂકવી. લોકોત્તર શાસનને વરેલા સંયમીઓ લૌકિક શિષ્ટાચાર પણ ન પાળે તો તો થઈ રહ્યું.
૬૧. હું પાટ-પાટલા-ટેબલ ખસેડતી વખતે એના પાયાના નીચેના ભાગો, જમીન પુંજ્યા પછી જ ખસેડીશ.
પાટ, ટેબલ વિગેરેના ચાર પાયાઓ હોય છે. જ્યારે એને ખસેડીએ ત્યારે એ ચારેય પાયાઓ જે જમીન ઉપર ઘસડાવાના હોય તે જમીન પુંજવી જ પડે. જો ન પુંજીએ તો ત્યાં રહેલા કીડી વિગેરે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮૩)