________________
૫મીઓ ગોચરીમાં કે એ સિવાય પણ પાતીમાં પાણી વાપર્યા બાદ બીજી વાર પાણી લેવા માટે એ પાતરી લુંછ્યા વિના જ એમાં ઘડામાંથી પાણી લેતા હોય છે. હવે ઘણીવાર એવું સ્પષ્ટ જોવા મળે છે કે ઘડામાંથી પાતરીમાં પડતા પાણીમાંથી ટીપાઓ ઉછળીને પાછા ઘડામાં ય પડે છે. ઝીણવટથી જોશો, ધ્યાન આપશો તો આ દેખાશે. એંઠી પાતરીમાં ગયેલા ટીપા ઘડામાં જાય એટલે ઘડાનું બધું પાણી એંઠુ થાય. ૪૮ મિનિટ બાદ એમાં સંમૂચ્છિમની વિરાધના થવાની પૂર્ણ શક્યતા રહે.
માટે જ એંઠી પાતરીમાં જો પાણી લેવું હોય તો એ પાતરી બરાબર લૂંછી લીધા બાદ જ એમાં ઘડામાંથી પાણી લેવું.
હા ! કેટલાંક ગ્રુપોમાં એવું પણ દેખાય છે કે મોટા પાતરામાં પાણી કાઢવામાં આવે છે. અને પછી એ પાતરામાંથી જ બધા નાની નાની પાતરીઓમાં પાણી લે છે. આ મોટા પાતરાનું પાણી વાપરી જ લેવામાં આવે છે. જો વધે તો કાજા કે લુણામાં વાપરી લેવામાં આવે છે. અને જો આવું હોય તો પછી ત્યાં સંમૂચ્છિમની વિરાધનાનો ભય ન રહે. પણ એ અંગે પાકો વિચાર કર્યા બાદ જ પ્રવૃત્તિ કરવી. ૫૮. હું એંઠા થયેલા તપેલામાં કે પરાતમાં ચોખ્ખા તપેલા-પરાતમાંથી પાણી નહિ લઉં :
કાપ કાઢવા બેસીએ ત્યારે તપેલામાં બધું પાણી લઈ રાખીએ. પણ પાછળથી જો એ પાણી ખૂટી પડે તો પછી ચૂનાના તપેલામાંથી કે ચોખ્ખા પાણીના ઘડામાંથી પાણી લેતા હોઈએ છીએ. આ વખતે પણ ૫૭માં નિયમમાં બતાવ્યા પ્રમાણે જ વિરાધનાની શક્યતાઓ છે. જો એંઠા તપેલા-પરાતમાં ચૂનાના તપેલા કે ચોખ્ખા પાણીવાળા ઘડામાંથી પાણી નાંખીએ, તો ટીપાઓ ઉડીને પાછા ચોખ્ખા પાણીવાળા તપેલા-ઘડામાં પણ પડે છે. અને એ રીતે સંમૂચ્છિમની વિરાધનાનો ભય ઉત્પન્ન થાય છે.
હા ! જો ચૂનાના તપેલાનું બધું પાણી લઈ લેવાનું હોય. તપેલું ખાલી જ કરવાનું હોય તો ઠીક છે. એ તપેલું સુકવવા મૂકી દઇએ એટલે પછી કોઈ દોષ ન રહે. હા, એ તપેલું ૪૮ મિનિટમાં સુકાઈ જવું જોઈએ. પણ જો થોડુંક પણ પાણી તપેલામાં રાખી મૂકવાનું હોય તો પછી એ પાણી ચોખ્ખા પાતરા, ટબ, ડોલમાં લઈને જ એનો વપરાશ ક૨વો પડે.
કાપ વગેરે કાઢવાની જગ્યા પણ જો એવી હોય કે કાપ કાઢતાં કાઢતાં ઉડતા છાંટા પરાતમાં ઠારેલા પાણીમાં કે ઘડામાં કે ચૂનાના તપેલાદિમાં પડે તો પાછી ત્યાં પણ વિરાધના ઉભી થવાની જ. સૂક્ષ્મબુદ્ધિથી આ બધી કાળજી કરવાની છે.
૫૯. હું બારી-બારણાઓ બરાબર પૂંજીને જ ખોલ બંધ કરીશ :
મહાસંયમી આત્માઓ તો બારી-બારણા ખોલ-બંધ ક૨વામાં પણ વિરાધના જાણીને એનો ત્યાગ જ કરે છે. ખુલ્લા હોય તો ખુલ્લા રહેવા દે અને બંધ હોય તો બંધ રહેવા દે પણ પોતે ખોલ-બંધ ન કરે. ઓઘનિર્યુક્તિ વગેરેમાં જણાવ્યું છે (૪૪)જો મકાન, રૂમ, હોલ વગેરેના બંધ બારણા-બારીઓ ખોલવામાં આવે તો અંદરનો વાયુ અને બહારનો વાયુ જુદા જુદા પ્રકારનો હોવાથી બે ય વાયુઓ પરસ્પર એકબીજાના શસ્ત્ર બને છે. માટે વાયુકાયની વિરાધના અટકાવવા માટે સંયમીઓને બારીબારણા ખોલ-બંધ ક૨વાનો નિષેધ કર્યો છે. જેઓ ઉનાળામાં પવન ખાવા વગેરે માટે બારી-બારણા ખોલે એમને પ્રાયશ્ચિત્ત આપેલ છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮૧)