________________
વાપરવાની ના પાડી હોવાથી આમાં જિનાજ્ઞાભંગનો દોષ પણ લાગે. અને એકવાર ગુરુને બતાવ્યા વિના વાપરવાના સંસ્કાર પડી જાય એટલે પછી એ દોષ આગળ વધતા આવતી કાલે આધાકર્મી વસ્તુઓ, સૂરુએ ના પાડેલી વસ્તુઓ પણ લાવી લાવીને, ગુરુથી છુપાવીને વાપરીને સંયમી અતિઘોર પાપ બાંધશે.
આહાર સંજ્ઞાને પરવશ થયેલો સંયમી શું ન કરી બેસે ? એ સવાલ છે. ભયંકર વૈરાગ્ય સાથે દીક્ષા લેનાર સંયમી પછી આહારાદિમાં લંપટ બની મોટી ભુલો કરી બેસે છે. એક સંયમી કોઈક એપાર્ટમેન્ટમાં શ્રાવકને ત્યાં પેંડા વહોરી તરત ત્યાં ઉપર અગાસીમાં જઈને પેંડા ખાઈ ગયો. શ્રાવકે નજરોનજર જોયું.
કો'ક સંયમી ઓળીમાં આંબિલની રોટલીઓની નીચે શીરો છુપાવીને લાવતો અને વાપરતો ગુરુની નજરમાં આવ્યો.
ગુરુને બતાવીને જ વાપરવાની ટેક-પ્રવૃત્તિ હોય તો ઘણા દોષોથી અટકી જવાય. એક ગુરુ તો પાતરામાં રહેલી પચ્ચીસ-ત્રીસ રોટલીઓ ઉંચી-નીચી કરીને પણ જોઈ લેતા કે એમાં ક્યાંક થી વિગેરે નંખાવ્યું નથી ને ? .
એક સ્વર્ગસ્થ આચાર્યશ્રી તો શિષ્યે લાવેલી ગોચરી જ નહિ, પાણી પણ ખાસ જોતા. આજે કદાચ પાણી ન બતાવીએ પણ ગોચરી તો અવશ્ય બતાવવી જ જોઈએ. ગીતાર્થ-ગંભીર ગુરુ ગોચરીની વસ્તુ જોઈને એ કોને વપરાવવી ? કેટલી વપરાવવી ? વિગેરેનો નિર્ણય કરી શકે અને એટલે એ વસ્તુઓનો સદુપયોગ થાય.
દેખાડતી વખતે માત્ર પાતરું કાઢીને દેખાડીએ એ ન ચાલે. પાતરામાં નાનામાં નાની પણ જે વસ્તુઓ હોય એ નામ સાથે ગુરુને દેખાડવી પડે. દૂધ દેખાડીએ ત્યારે જો દૂધમાં ખાંડ નંખાવી હોય તો એ પણ જણાવવું પડે કે “દૂધમાં ખાંડ નાંખી છે.”
ટુંકમાં ગોચરીમાં આવેલી એકપણ વસ્તુથી ગુરુ અજાણ ન રહે એ રીતે ગોચરી બતાવવી.
આ રીતે બતાવવામાં બીજો ફાયદો એ થાય કે વહોરનાર સાધુથી અજાણપણામાં કે પ્રમાદથી કોઈક સચિત્ત કે અભક્ષ્ય વસ્તુ વહોરાઈ ગઈ હોય તો ગુરુ એને જાણી લઈ પારિઠાવણી કરાવે. વાપરવા ન દે. દા.ત, પતેવડી ઉપર ઓસાવેલા વિનાના તલ ઉપરથી ભભરાવ્યા હોય. ખમણ ઉપર શિયાળામાં કોથમી૨ નાંખી હોય, ગુરુ એના રંગ વિગેરે ઉપરથી પકડી પાડે કે આ કોથમીર ગ્યાસ ઉપર ચડી નથી. સચિત્ત છે અને એટલે સચિત્ત ભક્ષણાદિના મોટા પાપોથી બચી જવાય.
મીઠાઈમાં ઘણા દિવસોનો માવો નાંખ્યો હોય, લાડવા વિગેરેમાં ખસખસ નાંખી હોય, તડકો આપ્યા વિનાના અજૈનના ઘરના અથાણા વિગેરે હોય, ગ્યાસ પર ચડ્યા વિનાના તલના કચરિયામાં તલના આખા દાણા હોય વિગેરે અનેક બાબતોમાં શિષ્યની વહોરતી વખતે થયેલી ભુલો ગુરુને સમ્યક્ રીતે ગોચરી દેખાડવાથી દૂર થાય અને મોટા પાપમાંથી બચાય.
ગુરુની ગેરહાજરીમાં મુખ્ય વડીલને ગોચરી બતાવવી.
ગુરુ જ ગોચરી જોવાને બદલે લઈ જવાનું કહે તો સંયમી નિર્દોષ છે. પણ ખરેખર તો ગુરુએ બરાબર બધી ગોચરી જોવી જ જોઈએ.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૨૫)