________________
૧૦૮. હું ગોચરી માંડલીમાં ગોચરી સંબંધી અગત્યની વાત સિવાય કંઈપણ બોલીશ નહિ.
આખા દિવસમાં બધા ય સંયમીઓ મુખ્યત્વે બપોરની ગોચરી માંડલીમાં ભેગા થતા હોય છે. સાંજના પ્રતિક્રમણમાં ભેગા થાય ખરા, પણ ત્યારે શ્રાવકો વિગેરેની હાજરી પણ હોય છે. એટલે ત્યારે પરસ્પર વાતચીત ઓછી થાય. જ્યારે ગોચરી માંડલીમાં બીજું કોઈ ન હોવાથી જાત-જાતની વાતો ચાલે. એમાં ૪૮ મિનિટ થઈ જાય તો સંમૂચ્છિમની વિરાધના પણ થાય અને ગોચરી માંડલીમાં બોલીએ એટલે કેટલીકવાર એંઠા મોઢે પણ બોલાઈ જાય. મુહપત્તીના ઉપયોગ પૂર્વક ગોચરીમાંડલીમાં બોલવું લગભગ શક્ય નથી.
આમાં વિકથા વિગેરે ઘણા દોષો લાગે છે. માટે ગોચરીમાંડલીમાં સદંતર મૌન ધારણ કરવું. હા ! કોઈક વસ્તુ મંગાવવી હોય, વધી પડેલી કોઈક વસ્તુ બીજાને આપવી હોય. માંડલીમાં જ પડેલી કોઈક વસ્તુ જોઈતી હોય... વિગેરે માટે બોલી શકાય. પણ એ સિવાયની કોઈપણ વાત ન કરવાની પ્રતિજ્ઞા લેવી.
(૧) આજે આ શાક ખૂબ જ તીખું આવ્યું છે. મારવાડીને ત્યાં ગોચરી ગયેલા કે ? (૨) આ મીષ્ટાન્ન તો ફલાણા ભાઈને ત્યાંથી જ લાવ્યા હશો ને ? (૩) આજે ગોચરીમાં અમુક દ્રવ્ય મળતું હતું. પણ હું ન લાવ્યો. કોઈ ન વાપરે તો ? (૪) અમુક સાધુને ગોચરી લાવતા જ નથી આવડતી. ગમે તેમ લઈ આવે છે..... આવી અનેક પ્રકારની ગોચરી સંબંધી કહેવાતી વાતો પણ ભક્તકથાના સ્વરૂપને ધારણ કરતી હોવાથી સંયમીએ એનાથી છેટા રહેવું.
ખરેખર તો સંયમીના માથે સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિનો એટલો બધો ભાર હોય કે નકામી વાતોમાં અડધી મિનિટ કાઢવી પણ એને ભારે પડતી હોય એને બદલે અડધો-એક કલાક વાતોમાં જ પસાર થાય એ ઉચિત નથી.
અનુભવીઓ તો ગોચરી માંડલીને કતલખાનું પણ કહે છે. કેમકે એમાં આસક્તિ વિગેરેને લીધે આત્માના ગુણોની કતલ થાય છે. સંયમીએ કતલખાનામાંથી વહેલામાં વહેલા બહાર નીકળી જવું જોઈએ. એને બદલે ત્યાં જ બેસીને મસ્તીથી વાતો કરનારને તો આ કતલ પ્રત્યે - ગુણનાશ પ્રત્યે કોઈ સુગ નથી એમ જ માનવું પડે.
૧૦૯. હું ચાહ-કોફી વિગેરે વ્યસનકારક દ્રવ્યો નહિ વાપરું.
જેઓને ચાહનું વ્યસન જ થઈ ગયું છે અને માટે જ ચાહ ન પીએ તો જેને સખત માથું ચડી જાય છે તેવાઓને ચાહનો ત્યાગ લગભગ શક્ય નથી.
અલબત્ત જો અતિભયંકર વ્યસન ન હોય તો ધીમે ધીમે ચાહ ઘટાડતા-ઘટાડતા સંપૂર્ણપણે ચાહ છોડી શકાય છે. શરુઆતમાં થોડીક તકલીફ પડે પણ વધુમાં વધુ એક મહિનો જો ચાહ વિના ખેંચી કાઢીએ તો પછી બધી તકલીફ દૂર થઈ જાય. માથું દુઃખવાનું પણ બંધ થઈ જાય. પણ એ માટે એક મહિના માટે થોડુંક સહન કરવાની તૈયારી રાખવી પડે.
જેઓને આવું વ્યસન નથી છતાં ક્યારેક મળે તો સ્વાદ ખાતર વાપરી લે છે. તેઓએ આ બધા દ્વારા એનો સદંતર ત્યાગ કરવા જેવો છે. શરીરને ખૂબ જ નુકશાન કરનારા આ બે તત્ત્વો છે. ૬ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૭ (૧૨૬)