________________
તો બરાબર જોઈને પછી માત્રુ કરી શકાય. પણ રાત્રે (કે દિવસે પણ અંધારાવાળા સ્થાનમાં જો એ પ્યાલામાં જીવનું દર્શન સ્પષ્ટ ન થતું હોય તો પછી ત્યાં) પુંજ્યા વિના એ પ્યાલાનો વપરાશ ન થાય.
પ્યાલો પુંજવા માટે જો પુંજણી વાપરો તો એ પંજણી પાતરાદિનું પ્રતિલેખન કરવામાં વપરાતી પુંજણી ન જ હોવી જોઈએ. પ્યાલો પુંજવાની પૂંજણી સ્વતંત્ર જ રાખવી પડે. મારા ગુરુદેવશ્રીને પ્યાલા પાસે પુંજણી અવશ્ય જોઈએ. પુંજણીથી પુંજ્યા વિના માત્રુ ન કરે.
પણ પુંજણીને બદલે દંડાસનથી બરાબર પુંજી લો તો પણ ચાલી શકે. ખ્યાલ રાખવો કે પ્યાલો સીધો જ રાખીને દંડાસન ફેરવો તો એનો ઝાઝો અર્થ ન સરે. કેમકે જીવ બહાર તો નીકળશે જ નહિ. પ્યાલો આડો / ઉંધો કરીને પુંજો તો જ એ જીવો બહાર પડી જતા પછી એમની વિરાધના ન થાય.
એક મહાત્માએ પ્રમાદના કા૨ણે એકવાર પુંજ્યા વિના જ પ્યાલામાં માત્રુ કરવાની શરુઆત કરી અને એ વખતે પ્યાલામાં ભરાયેલા વીંછીએ ડંખ મારી દીધો. મહામુશ્કેલીએ એનું ઝેર ઉતાર્યું.
૬૩. હું દાંડો લેતી વખતે જે ભાગથી દાંડો લેવાનો હોય એ ભાગને જોઈને, પુંજ્યા પછી જ દાંડો લઈશ. એમ દાંડો મુકતી વખતે પણ ભીંત વગેરેને પૂંજ્યા પછી જ દાંડો મૂકીશ.
“દાંડો લેતી વખતે ન પુંજીએ કે મૂકતી વખતે ન પુંજીએ તો એમાં કયુ મોટું પાપ લાગી જવાનું છે ?” આવી શંકા જિનવચનને નહિ સમજેલા મુગ્ધ આત્માઓને થાય એ સ્વાભાવિક છે. એનો ઉત્તર આપતા પહેલા શાસ્ત્રકારો આ દોષને કેટલો ભયંકર ગણે છે એ જોઈ લઈએ.
(૪૫)કોઈક સાધુ બીજા ગચ્છમાં ભણવા વગેરે માટે ગયો. એ ગચ્છના સાધુઓ દાંડો લેતી-મૂકતી વખતે પુંજવાદિ ક્રિયા કરતા ન હતા, એ આ સાધુએ જોયું. શાસ્ત્રકારો કહે છે કે આ સાધુએ તે ગચ્છના આચાર્યને ટકોર કરવી કે “આપના સાધુઓ આવું અસંયમ પાળે છે એ ન ચાલે.” એમ કહ્યા બાદ થોડા દિવસ પછી પણ એ જ અસંયમ જોવા મળે તો બીજીવાર આચાર્યશ્રીને કહેવું. એમ ત્રીજીવાર કહેવું. છતાં જો પછી પણ એ અસંયમ જોવા મળે તો આ સાધુએ તે ગચ્છનો ત્યાગ કરવો. કેમકે ત્યાં એનું સંયમ જોખમમાં મૂકાવાની શક્યતા છે.
જો ગચ્છના આચાર્ય આ સાધુને કહે કે “તારે શું વાંધો છે ? તું તારું સંયમજીવન જીવ ને ? બીજાઓની શું પંચાત કરે છે ?” તો એ પણ અત્યંત અનુચિત ગણ્યું છે. કેમકે આજુબાજુના નિમિત્તો અસર કર્યા વિના રહેતા નથી.
દાંડો લેતી-મૂકતી વખતે ન પુંજવામાં આવે તો જીવવિરાધનાની શક્યતા છે. આ વાત જાણ્યા પછી પણ જો સંયમી આ આચાર ન પાળે તો ગર્ભિત અર્થ એ જ નીકળે કે એ જીવો મરે તો ય આ સંયમીને ઝાઝો વાંધો નથી. હવે શરુઆતમાં પ્રમાદાદિને કારણે આ આચાર ન પાળે તો અતિચારાદિ જ લાગે. પણ આવું વારંવાર કરે તો પછી નિષ્ઠુરતા જ આવેલી ગણાય. અને એટલે એ સાધુ વિરતિ ગુણસ્થાન ગુમાવે. કદાચ મિથ્યાત્વ પામે.
એટલે આ નાનો દોષ કહી શકાય નહિ. માત્ર આ જ દોષ માટે નહિ, કોઈપણ દોષ માટે આ વાત સમજવી.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮૫)