________________
कर्माण्यत एव भक्त्या । बुधैः समालोककलोकबीजाधानावहत्वादुपबृंहितानि ।
હવે જ્યારે આ વાત નક્કી છે કે નિશ્ચયથી શાસન તો જીવોમાં રહેલા મોક્ષમાર્ગને અનુકૂળ શુભ અધ્યવસાયો જ છે. ત્યારે હવે શાસનરક્ષા કે પ્રભાવના કરનારાઓએ આ ઉપયોગ ખાસ મૂકવો પડશે કે, “આપણા કાર્યો સ્વ-પરના આત્મપરિણામોને શુભ-શુદ્ધ બનાવે છે કે નહિ ?” જો બનાવે તો એ કાર્યો કરવા.
જો કોઈપણ કાર્યો કરવાંથી સ્વ-પરના અધ્યવસાયો ખરાબ થતા હોય, બગડતા હોય તો એ કાર્યો ન કરવા.
આમ “સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામો (અપુનર્બંધકાદિના પણ) એ નિશ્ચયનયને માન્ય જિનશાસન છે” એ આપણે જોયું.
આ પરિણામોને ઉત્પન્ન કરવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવનારા પરમાત્માએ કહેલા આચારો એ વ્યવહારમાન્ય જિનશાસન છે.
જિનપૂજા, તીર્થયાત્રા, સાધર્મિક ભક્તિ, દીક્ષા, સુપાત્રદાન, ધર્મદેશના, વ્યાખ્યાન શ્રવણ વગેરે વગેરે ઘણા આચારો પ્રભુએ બતાવ્યા છે કે જે આચારો આત્મામાં શુભપરિણામોને ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન થઈ ચૂકેલાને વધારે છે અને તેને સ્થિર કરે છે.
એટલે જેઓએ વાસ્તવિક જિનશાસનની રક્ષા-પ્રભાવના કરવી હોય તેઓએ આ તમામ જિનાજ્ઞાઓને વફાદાર રહેવું પડે. એને ખૂબ આદરથી પાળવી પડે. એના માટે શક્ય એટલો ભોગ આપવાની તૈયારી બતાવવી જ પડે.
શાસ્ત્રકારોએ પ્રાવચનિક, વાદી, કવિ, જ્યોતિષી વગેરે આઠ પ્રકારના પ્રભાવકો બતાવ્યા છે. આ બધા પ્રભાવકો પોતાને અને બહુ મોટી સંખ્યામાં અનેક જીવોને ભાવશાસન પમાડતા હોવાથી તેઓ શાસનપ્રભાવક કહેવાય એ સ્વાભાવિક છે.
પણ આગળ વધીને શાસ્ત્રકારો કહે છે કે – જબ નવિ હોવે પ્રભાવક એહવા, તબ વિધિ પૂર્વ અનેક. જાત્રાપૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક – (સમક્તિના સડસઠબોલની સજ્ઝાય)
આ પ્રભાવકોની ગેરહાજરીમાં તીર્થયાત્રા, જિનપૂજાદિ (શ્રાવકો માટે) કરનારા સામાન્ય શ્રાવકો પણ પ્રભાવક તો કહેવાય જ.
હકીકત એ છે કે કો'ક ખૂણામાં બેસીને આત્મમસ્તીમાં લીન બનેલ મહાત્મા પણ એ વખતે પોતાના આત્માને નિર્મળપરિણામની પ્રભાવના કરતા હોવાથી તે પ્રભાવક જ છે. પણ વ્યવહારમાં એ પ્રભાવક કહેવાતા નથી.
વ્યવહારમાં એ જ પ્રભાવક કહેવાય છે કે જેઓ બીજાને પણ પુષ્કળ ધર્મ પમાડે. આ ભૂમિકા બનાવ્યા બાદ હવે મૂળ વાત પર આવું.
ભારતમાં રહેલા આશરે ૧૦ હજાર સંયમીઓની એ અંગત ફરજ છે કે જે જિનશાસનના પ્રતાપે તેઓ મસ્તીથી જીવે છે, એ જિનશાસનની રક્ષા અને પ્રભાવના કોઇપણ ભોગે કરવી જ રહી.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ♦ (૪)