________________
પાગ્ય ગણાય. સંસારી સ્વજનોની તબિયત ઘણી વધારે ગંભીર હોય ત્યારે એમને સમાધિ-શાતા મળે એ માટે સંયમી પત્ર લખે તો એ ય હજી યોગ્ય ગણાય. કોઈક ગૃહસ્થોએ કે સંયમીએ શાસનનું વિશિષ્ટ કામ કર્યું હોય, માસક્ષપણાદિ ઉગ્ર તપશ્ચર્યા કરી હોય અને એની અનુમોદના માટે પત્ર લખીએ એ પણ બરાબર. ભણતા ભણતા ઉભા થયેલા પ્રશ્નોના સમાધાન મેળવવા માટે દૂર રહેલા વિદ્વાનોને પત્ર દ્વારા પ્રશ્નો લખીને મોકલવા પડે એ પણ બરાબર... આવા અનેક પુષ્ટ કારણોસર ટપાલાદિ લખવામાં અપવાદમાર્ગે શાસ્ત્રકારોની સંમતિ મળે એમ સમજી શકાય છે.
પરંતુ સંયમીઓ ગૃહસ્થોની જેમ બધા સંયમીઓને કે ઓળખાણવાળા સંયમીઓને નૂતન વર્ષાભિનંદનના કાર્ડ મોકલે તો ?
ઘણા ગૃહસ્થો સાંવત્સરિક ક્ષમાપનાના કાર્ડછપાવીને સ્વજનાદિને મોકલતા હોય છે એમ સંયમી “જે સંયમીઓ છેલ્લા વર્ષમાં મળ્યા સુધ્ધાં નથી અને એટલે જેમની સાથે કોઈપણ જાતનો અણબનાવ બન્યો નથી.” એવા સંયમીઓ વગેરેને પણ ક્ષમાપનાના કાગળો દર વર્ષે મોકલે તો ?
એમ સ્વજનોને,‘ભક્તોને પણ કોઈ કારણ વિના ઉપદેશ વગેરેના કાગળો લખે તો ?
“તમે કેમ મને છેલ્લા ચાર મહિનાથી મળવા નથી આવ્યા ? આ પત્ર મળે એટલે મને મળવા આવો.” એવા અને એવી જાતના બીજા પત્રો લખે તો ?
જ્યાં પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર લેશ પણ વૃદ્ધિ ન પામે એવી કોઈપણ પ્રવૃત્તિ શું જિનશાસનનો સુવિહિત અણગાર આદરી શકે ખરો ? અને આવી પ્રવૃત્તિ કરનારો અણગાર શાસનનો શણગાર બની શકે ખરો ?
ગૃહસ્થો પોતાની મેળે ભક્તિભાવથી સંયમીને વંદન કરવા આવે તો એમાં સંયમીને કોઈ દોષ નથી. પણ સંયમી સામે ચાલીને ગૃહસ્થોને પોતાને મળવા માટે બોલાવે, તેઓ આવે એમાં રાજી થાય તો એમના દ્વારા મુસાફરી વગેરેમાં જે કોઈ વિરાધના-હિંસા થઈ, એ બધાની અનુમોદનાનું પાપ સંયમીને લાગે. અને તો પછી રોજ નવ વાર બોલાતા ‘કરેમિ ભંતે’ સૂત્રની શું હાલત ? એમાં કરણકરાવણ-અનુમોદન ત્રણે ય પાપોનો નિષેધ છે. શું સંયમી આ બધું જાણવા છતાં પ્રતિજ્ઞાભંગ કરવા તૈયાર છે ? એમાં રંજ કે પશ્ચાત્તાપ નથી ?
એક વિશાળ સમુદાયના ૧૫૦ ઉપર વર્ધમાન તપની ઓળીના આરાધક આચાર્ય ભગવંતે મને વાત કરેલી કે “તેઓ આખા વર્ષમાં માંડ બે કે ત્રણ પોસ્ટકાર્ડ લખે છે. એ પણ અત્યંત આવશ્યક ગણાય તે જ. એ સિવાય પત્ર લખવાનું પાપ એ કરતા નથી. હા ! કોઈ પ્રશ્નો પુછાવે તો એના જવાબો આપે
છે.’
આચાર્યપદવી પર રહેલા મહાત્માને જો પત્રો લખવાના નહિવત્ હોય તો શું બાકીના સંયમીઓ કમસેકમ એમના જેટલી અંતર્મુખતા ન કેળવી શકે ?
આજે પણ એવા ઘણા મહાત્માઓ છે કે જેઓ પોતાના ચાતુર્માસ પ્રવેશની પત્રિકા તો નથી જ છપાવતા, પણ પોતાંના બા-બાપુજી સુદ્ધાંને પણ પત્ર દ્વારા એટલું જણાવતા નથી કે ‘મારો આ દિવસે આ સ્થળે ચાતુર્માસ પ્રવેશ છે’ પછી બીજા ભક્તો કે શ્રાવકોને જણાવવાની વાત તો સાવ દૂર જ રહી !
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૩૭)