________________
21
આત્મસાક્ષાત્કારનો અગમ પિયાલો
- પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જ્ઞાનજ્યોતિ, આત્મજ્યોતિ અને અનુભવજ્યોતિના પ્રકાશથી શોભતી યોગી આનંદઘનજી મહારાજની પદરચના મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એમનાં પદોમાં ભાવની ગહનતા, વ્યાપકતા, ઊર્મિનો તીવ્ર ઉછાળ, તત્વજ્ઞાનનાં રહસ્યોનું સાહજિક આલેખન અને અલખનાં રહસ્યો પામવાની ઝંખના પ્રગટ થાય છે. આત્મામાં સમકિતનો રવિ ઝળહળે, યમરૂપી તિમિર નાસી જાય અને અંતરમાં અનુભવલાલીનો ઉજાશ પથરાય એવાં મહાયોગી આનંદઘનજીનાં પદો છે.
આવા પદોમાં આધ્યાત્મિકતાનો ગહન અનુભવ એક રૂપક દ્વારા પ્રગટ થયો છે. સુમતિ અર્થાત્ શુદ્ધ ચેતના પોતાના પ્રિય આતમરામને કુમતિ અર્થાત્ અશુદ્ધ ચેતનાને એનું ઘર છોડીને પોતાના સ્વ-ઘરે આવવા વિનંતી કરે છે. આ સુમતિની વિરહસભર વિપ્રલંભ શૃંગારમાં અભિવ્યકત થતી વેદનામાં કવિ આત્મતત્ત્વ પામવાની ઉત્કટ તાલાવેલી પ્રગટ કરે છે. સુમતિ પોતાના પ્રિયતમને
સ્વ-સ્વભાવ સાથે જોડવા ઈચ્છે છે, ત્યારે કુમતિ આ પરિસ્થિતિમાં જાતજાતનાં વિઘ્નો સર્જીને એના પ્રિયતમ (આત્મા)ને સુદ્ર, સ્થળ, સાંસારિક ભાવોમાં નિમગ્ન રાખે છે. સુમતિ આત્માને જાગ્રત કરવાનો પ્રયત્ન કરે છે, પણ આત્માનું શુદ્ધ ચૈતન્ય સાથેનું અનુસંધાન માત્ર શાસ્ત્રજ્ઞાનથી જ સધાતું નથી, શાસ્ત્રજ્ઞાનના દીપકનો પ્રકાશ માર્ગદર્શક બને ખરો, પરંતુ આત્મજ્ઞાન તો શુદ્ધ આત્મતત્વના સાક્ષાત અનુભવમાંથી જ સાંપડે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ થયા બાદ એ આત્માનુભવ વધુ ને વધુ ઘૂંટાય, તેમ સ્વ-સ્વભાવની પ્રાપ્તિ કરી શકે છે.
અધ્યાત્મયોગી આનંદઘન અશુદ્ધ ચેતનાની માયાસૃષ્ટિ સમાન કામનાની ચંચળતા, દેહની ક્ષણભંગુરતા અને સાંસારિક સ્નેહની સ્વાર્થમયતા દર્શાવે છે. એ મોહમલિનતાનો નાશ કરીને ચૈતન્યશકિત પ્રગટ કરવાના પુરષાર્થની વાતો કરે છે. સુમતિ પોતાના પ્રિયતમને મળવા માટે વિરહની વેદના અનુભવે છે. કુમતિની માયામાં લપેટાયેલા આત્માને એમાંથી મુકત થયા બાદ આત્મસ્વરૂપના