Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
54
જેનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો અલબત્ત, આ કલ્પના તેઓએ ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે કરી છે.
સામાન્ય મનુષ્યને માટે શ્યામ ગર્તનું સ્વરૂપ અત્યંત પ્રભાવિત કરનારું છે. આમ છતાં તેઓ માટે શ્યામ ગર્ત કેવલ કાલ્પનિક વિજ્ઞાન કથા, કૉમિક ચિત્રવાર્તા કે ફિચર ફિલ્મોના નિર્માણ માટેનાં એક નવીનતમ વિષય-વસ્તુથી વધુ કાંઈ જ નથી.
શ્યામ ગર્ત (Black holes) એ એવા પદાર્થો છે કે જેનું ગુરુત્વાકર્ષણ અત્યંત પ્રબળ હોય છે અને પ્રકાશ પણ તેના ગુરુત્વાકર્ષણમાંથી છટકી શકતો નથી અને તેથી જ તે જોઈ શકાતા નથી, એવું આજના વિજ્ઞાનીઓ માને છે.
વિજ્ઞાનીઓની આ કલ્પનાનો આધાર વિજ્ઞાનના સિદ્ધાંતો અને તે સંબંધી ગણિત છે. તેઓની કલ્પના અનુસાર આપણી ગ્રહમાળાના સૂર્યના દ્રવ્યમાન કરતાં લગભગ 10 ગણા વધુ દ્રવ્યમાન (mass) ધરાવતા તારાઓ કે જે અફાટ બ્રહ્માંડના ખૂબ દૂરના ઊંડાણના પ્રદેશમાં આવેલા છે, તેઓ તેમનું આયુષ્ય પૂર્ણ થતાં સુપરનોવા (Supernovae) થાય છે અર્થાત્ તેઓ પોતાના જ આંતરિક દબાણ-આકર્ષણ અને અપાકર્ષણને સહન ન કરી શકતાં પ્રચંડ ધડાકા સાથે ફાટી પડે છે અને ત્યારબાદ તે પોતાના જ ગુરુત્વાકર્ષણના પ્રચંડ દબાણના કારણે સંકોચાવા લાગે છે અને સંકોચાતા સંકોચાતા એટલા નાના બની જાય છે કે અબજો અબજ પ્રકાશવર્ષના વિસ્તારવાળા સમગ્ર બ્રહ્માંડની અપેક્ષાએ એનું કદ સાવ નગણ્ય કહી શકાય તેવું થઈ જાય છે. આપણી ગ્રહમાળાના સૂર્ય કરતાં 10 ગણું દ્રવ્ય (mass) ધરાવતા તે તારાનું કદ માત્ર 60 કિલોમીટરના વ્યાસવાળું થઈ જાય છે. અને તે કારણે તેનું ગુરુત્વાકર્ષણ બળ અત્યંત વધી જાય છે, તે સાથે જ તે પોતાની આજુબાજુના બધા દ્રવ્યને પોતાનામાં ખેંચવા માંડે છે અને જે આવે તે બધું જ ગળી જાય છે એટલે સુધી કે તે સુપરનોવામાંથી નીકળતો પ્રકાશ પુનઃ પાછો વળી તેમાં જ સમાઈ જાય છે. જે રીતે પૃથ્વી ઉપરથી ફેંકેલો પદાર્થ – પથ્થર, દડો વગેરે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી પૃથ્વી તરફ / પૃથ્વીના કેન્દ્ર તરફ પાછો વળે છે તે જ રીતે સુપરનોવા થઈ સંકોચાઈ ગયેલ તારામાંથી નીકળતો પ્રકાશ પુનઃ તેના કેન્દ્રમાં જ સમાઈ જાય છે તથા બહારનાં બીજાં પ્રકાશિત દ્રવ્યોમાંથી નીકળતો પ્રકાશ, જે તેના ઉપર પડે છે તેને પણ તે પરાવર્તિત થવા દેતો નથી. પરિણામે, તે તારા જોઈ શકાતા નથી. માત્ર તે દિશામાં કાળા બિંદુ જેવું જ દેખાય છે. તેથી જ તેને શ્યામ ગર્ત (Black hole) કહેવામાં આવે છે.
ગુરુત્વાકર્ષણમુક્તિવેગ (escape velocity)ના ખ્યાલથી આપણે સૌ પરિચિત છીએ. પૃથ્વી ઉપરથી જે બળથી, જે વેગથી નાનકડો પથ્થર અવકાશમાં ફેંકવામાં આવે છે, તેટલા જ બળથી, તેટલા જ વેગથી જો તે પથ્થર, મંગળના ચંદ્ર ફોબોસ (Phobos) ઉપરથી ફેંકવામાં આવે તો તે તેની ભ્રમણ કક્ષામાં પહોંચી જાય છે અથવા તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org