Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જંબુદ્વીપ(લઘુ) સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન
127 અનેકાનેક સૂર્ય અને તે દરેકની સ્વતંત્ર ગ્રહમાળાનો સ્વીકાર તો જૈનદર્શન પણ કરે છે. જૈનદાર્શનિક માન્યતા પ્રમાણે પ્રત્યેક સૂર્ય-ચંદ્ર દીઠ 88-88 ગ્રહો અને 66975 કોડાકોડી તારાઓ હોય છે.
પરંતુ અત્યાર સુધીનાં સંશોધનોએ આ વાતમાં કોઈ પુરાવો રજૂ કર્યો નથી અને જે સંશોધનો થાય છે તે માત્ર સૈદ્ધાત્તિક (theoretical) હોય છે અને પૂર્વનાં કોઈ કોઈ અનુમાનો પર આધારિત હોય છે. માટે જૈનધર્મગ્રંથોમાં આવતાં વર્ણનોનો આધાર લઈ કોઈક પ્રાયોગિક સંશોધન કરવું જરૂરી જણાય છે.
જૈનદર્શન અતિપ્રાચીન છે તેમ હવે લગભગ સૌ કોઈ સ્વીકારે છે. જૈનદર્શનના પ્રાચીનગ્રંથોમાં આવતા સિદ્ધાંતો ખૂબ જ પદ્ધતિસરના, વ્યવસ્થિત અને યુક્તિસંગત છે તેમ ઘણાં લોકો માને છે. તે વિષે “તીર્થ'ના સંપાદક શ્રી નેમીચંદજી જૈન લખે છેઃ
જૈનધર્મનું દાર્શનિક પાસું યુક્તિયુક્ત છેતેથી તેનું ખંડન કોઈ પણ કરી શકે તેમ નથી. તેના વિષે કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પરંતુ જ્યાં ભૂગોળ, ખગોળ અને ખાદ્ય-અખાદ્ય પદાર્થોનો પ્રશ્ન આવે છે ત્યાં અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, કારણ કે આ બાબતોમાં જૈનદર્શન ઉપર સમયે સમયે અનેક પ્રકારનાં દબાણો આવ્યાં છે.
અને તેથી જ આજના સંદર્ભમાં આવા પ્રશ્નોની યથાયોગ્ય ચર્ચા કરવી આવશ્યક જણાય છે. વર્તમાન દૃશ્યમાન પૃથ્વી શું ખરેખર દડા જેવી ગોળ છે ? અને તે ફરે છે ખરી ? જૈન ભૂગોળ સામે આ બે પ્રશ્નો ખરેખર મહત્ત્વના છે. જૈન સિદ્ધાંત પ્રમાણે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે અવકાશમાં મેરુ પર્વતની આસપાસ, સમભૂલા પૃથ્વીથી લગભગ 790 યોજન થી 900 યોજનની ઊંચાઈના પટ્ટામાં ફર્યા કરે છે. સૂર્ય અને ચંદ્રની ગતિ તથા સ્થાનાંતર વગેરેની ખૂબ ઝીણવટભરી ગણતરી જૈનગ્રંથોમાં બતાવેલી છે અને આ ગ્રંથોમાં ભૂગોળ-ખગોળના પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવતાં ચિત્રો બનાવવાની પરંપરા જૈન હસ્તલખિત પ્રતોમાં ઓછામાં ઓછી 1000 વર્ષ જૂની છે અને હજુ પણ તે પરંપરા ચાલુ છે.*
જ્યારે પશ્ચિમમાં વિજ્ઞાનનો જરાય વિકાસ થયો નહોતો અને તેઓને ખગોળ વિશેનું જરાય જ્ઞાન પણ નહોતું તે સમયે ભારતીય સંસ્કૃતિમાં અને ખાસ કરીને જૈનદાર્શનિક પરંપરામાં, આચાર્યોએ ખગોળ અને ભૂગોળ વિશેની વિસ્તૃત તથા ઝીણવટભરી માહિતી આપી હતી અને તે જ માહિતી પછીના જૈનાચાર્યોએ પ્રકરણગ્રંથો તથા અન્ય ટીકાગ્રંથોમાં સંગૃહીત કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org