Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
335
અભ્યાસ કરીને જૈનદર્શનને વૈજ્ઞાનિક દૃષ્ટિએ મૂલવવાનો શાસ્ત્રીય અભિગમ રાખ્યો છે. પરિણામે અધ્યાત્મનું સ્તર અને વિજ્ઞાનનું તર્ક, બંનેનું જતન થયું છે.
પુસ્તકના પ્રથમ પ્રકરણમાં જ લેખકે આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતની જૈનદર્શનની દૃષ્ટિએ મર્યાદાઓ વર્ણવતા લખ્યું છે, ‘ભારતીય દર્શનોમાં જૈનદર્શન મહત્ત્વનું સ્થાન ધરાવે છે, અને જૈનદર્શનના ગ્રંથોમાં, આ સમગ્ર બ્રહ્માંડનું અને એના એક એક ૫૨માણુઓના સમૂહથી બનતા પદાર્થો વિશે વિસ્તૃત વિચારણા કરેલ છે. આ સંદર્ભમાં જ લેખકે વિધાન કર્યું છેઃ આજે આઇન્સ્ટાઇને સ્થાપેલા ‘વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત’ અને ‘સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત' વિશે ફરીવાર વિચારણા કરવાનો સમય પાકી ગયો છે.
અઢાર પ્રકરણોમાં વહેંચાયેલું આ પુસ્તક લેખકની ઊંડી વિદ્વત્તા, વિશદ અને વિશાળ અભ્યાસનિષ્ઠા, શાસ્ત્રીય મુલવણી તરફનો અભિગમ અને જૈનદર્શનની વૈજ્ઞાનિકતાનો અનુભવ કરાવે છે. પૂર્વ અને પશ્ચિમના મહાન ચિંતકો, વિજ્ઞાનીઓ, ગ્રંથો, વિદ્વાનો અને જૈનાચાર્યોના મતો, અને મતભેદોનો આધાર લઈને લેખકે શુદ્ધ નિષ્કર્ષ પર પહોંચવાનો સઘન પ્રયાસ કર્યો છે તો ક્યાંક નમ્રપણે જણાવ્યું પણ છે કે ‘આ કાર્ય ખૂબ મહાન અને ભગીરથ છે અને તે કોઈક એક વિજ્ઞાની દ્વારા થઈ શકે તેમ નથી અને આ કાર્ય અત્યંત ધીરજવાળા, ખંતીલા અને વિજ્ઞાન તથા દર્શન પ્રત્યે જેણે જીવન સમર્પિત કર્યું છે એવા વિજ્ઞાનીઓ દ્વારા જ થઈ શકે તેમ છે.' ‘પ્રકાશ તરંગો કે કણો?' જેવા લેખમાં તો વૈજ્ઞાનિક હકીકતો અને ભૌતિકશાસ્ત્રની ચર્ચાનો આધાર લઈને સૂક્ષ્મ વિવરણ કર્યું છે તો ‘શું પ્રકાશ સજીવ છે?’ જેવા લેખના પ્રારંભે જ કહી દીધું છે, ‘આજે પણ ભગવાન મહાવીરે પ્રરૂપેલા સિદ્ધાંતો વિજ્ઞાનની કસોટીમાંથી પાર પડી રહ્યા છે.’ આ ઉપરાંત આ પુસ્તકના અન્ય લેખોમાં ‘જૈન કાળચક્ર અને કૉસ્મિક કેલેન્ડર', ‘જૈન આગમોમાં દિશાશાસ્ત્ર’, ‘શું બ્રહ્મચર્યપાલન કઠિન છે?: એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ' ‘જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય’, ‘આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું વૈજ્ઞાનિક મહત્ત્વ’, ‘પર્વતિથિઓમાં લીલોતરીનો ત્યાગ શા માટે’? વગેરે લેખો પણ વિજ્ઞાન અને અધ્યાત્મની કસોટીએ ચડીને વાચકને યથાર્થ જાણકારી આપે છે. આ લેખોમાંની કેટલીક વિચારકણિકાઓ આત્મસાત કરવા જેવી છે જેમ કે: જૈન ધર્મના સિદ્ધાંત કાળની ભઠ્ઠીમાં હજારો વર્ષથી શેકાઈને પરિપક્વ બનેલા છે.
‘ભારતીય સંસ્કૃતિના પાયામાં જ આધ્યાત્મિકતા રહેલી હોવાથી ભારતની કોઈ પણ પ્રાચીન પરંપરામાં બ્રહ્માંડના રહસ્યને સમજવા જાણવા માટે પ્રાચીન મહર્ષિઓએ અધ્યાત્મનો જ માર્ગ અપનાવ્યો છે.’
‘ઉપવાસ એ જેમ આત્મિક શુદ્ધિનું અને આત્મનિયંત્રણનું સાધન છે તેમ દેહશુદ્ધિનું અને દૈહિક આંતરિક ક્રિયાઓને નિયંત્રિત-નિયમિત કરવાનું પણ સાધન છે.'
આ પુસ્તકમાં એક લેખ છેઃ જૈનદર્શન - બે ભિન્ન વિચારો. એમાં પણ લેખકે અત્યંત તાટસ્થ્ય જાળવીને બંને પ્રવાહોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યું છે.
આમ સમગ્રતયા જોતા આ પુસ્તક જૈન ચિંતનધારાને આલેખતાં પુસ્તકો કે ગ્રંથોમાં એક અનોખી ભાત પાડતું હોય તેવું લાગે છે.
(ગુજરાત સમાચાર, મુંબઈ આવૃત્તિ તા. ૧૯ ઑગષ્ટ, શનિવાર, ૧૯૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org