________________
250
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
બે ધ્રુવોનું જોડાણ થાય કે તરત શક્તિ વપરાવા માંડે છે અને છેવટે એ ખલાસ થઈ જાય છે, તેમ આ વિશ્વમાં પુરુષ અને સ્ત્રી સ્વરૂપે અખંડ, અક્ષય ઊર્જાનો સંચય થયેલો છે. પુરુષ અને સ્ત્રી, એ બે તેના ધ્રુવો છે. એ ધ્રુવોનું કોઈપણ રીતે જોડાણ થતાં ઊર્જા/ શક્તિનો વ્યય થાય છે. આ જોડાણ પાંચ પ્રકારે થઈ શકે છે : (1) સાક્ષાત્ મૈથુન દ્વારા (2) માત્ર સ્પર્શ દ્વારા (3) રૂપ અર્થાત્ ચક્ષુ દ્વારા (4) શબ્દ એટલે કે વચન/વાણી દ્વારા અને (5) મન દ્વારા. માટે જ બ્રહ્મચર્યનું સંપૂર્ણ નૈષ્ઠિક પાલન કરનાર વ્યક્તિને શાસ્ત્રકારોએ વિરુદ્ધ જાતિનો સહેજ પણ સ્પર્શ કરવાની, તેની સામે સ્થિર દૃષ્ટિથી જોવાની, તેની સાથે ઘણા સમય સુધી વાર્તાલાપ કરવાની કે મન દ્વારા તેનો વિચાર કરવાની પણ મનાઈ ફરમાવી છે.
‘તત્ત્વાર્થ સૂત્ર’ નામના જૈનગ્રંથના ચોથા અધ્યાયમાં આવેલ દેવોના વૈયિક સુખની વાત ઉપર્યુક્ત હકીકતની સાક્ષી પૂરે છે. તત્ત્વાર્થસૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે ઈશાન દેવલોક સુધીના દેવો સાક્ષાત્ મૈથુન સેવન દ્વારા પોતાની વાસનાને સંતોષે છે. તો ત્યારે પછીના અર્થાત્ તેઓ કરતાં, ઉચ્ચ કક્ષાના દેવોમાંથી કેટલાક માત્ર સ્પર્શ દ્વારા જ વૈયિક સુખની પરિતૃપ્તિ મેળવે છે, તો કેટલાક માત્ર ચક્ષુ દ્વારા અર્થાત્ રૂપ જોઈને, કેટલાક શબ્દ એટલે કે વચનો દ્વારા, તો કેટલાક માત્ર મનથી વિચાર કરીને જ વૈયિક સુખથી તૃપ્ત થાય છે.”
હવે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો સામી વ્યક્તિનું પાત્ર માત્ર કાલ્પનિક હોય તો શક્તિનો વ્યય/ડ્રાસ થાય ખરો ? સામાન્ય રીતે શૃંગારિક નવલકથા અથવા કોઈપણ નવલકથાનો શૃંગારિક અંશ વાંચનારની સમક્ષ જીવતી-જાગતી સામી વ્યક્તિ હોતી નથી. એના મનમાં તો નવલકથાના લેખકે કલ્પેલાં માત્ર કાલ્પનિક પાત્રો જ હોય છે. તેનો વિચાર કરનારની શક્તિનો હ્રાસ થાય ખરો ? તો આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન કથાસાહિત્યના આધારે તેનો જવાબ હકારમાં આપી શકાય.
પ્રાચીન કથાઓમાં ક્યાંક ક્યાંક એવા ઉલ્લેખ આવે છે કે પ્રાચીન કાળના વિશિષ્ટ શક્તિવાળા ઋષિઓ, કોઈક વિશિષ્ટ પ્રયોજન માટે, પોતાની વિચારશક્તિ/સંકલ્પશક્તિ દ્વારા જ, વિશિષ્ટ કન્યા વગેરે પાત્રોનું સર્જન કરતા અને પ્રયોજન પૂર્ણ થતાં, તેનું વિસર્જન કરી નાખતા. આવી જ હકીકત અહીં સૂક્ષ્મસ્તરે બને છે. નવલકથાના વાચક દ્વારા કલ્પેલ પાત્રનું, વાચકની પ્રબળ ઇચ્છાશક્તિ દ્વારા, આસપાસના વાતાવરણના સૂક્ષ્મ પુદ્ગલો દ્વારા અદૃશ્ય સ્વરૂપે નિર્માણ થાય છે અને તેની સાથેના માનસિક સંયોગ દ્વારા જૈવિક ચુંબકીયવીજપ્રવાહના બંને ધ્રુવોનું જોડાણ થતાં ચુંબકીયવીજપ્રવાહનું ચક્ર પૂરું થાય છે અને પરિણામે વાચકની શક્તિનો હ્રાસ થાય છે. માટે જ સંયમના સાધક જીવોએ આવી અત્યંત શૃંગારિક નવલકથા કે સાહિત્યના વાંચનનો ત્યાગ કરવો જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org