________________
299
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો કરે છે. તો ગરોળી, સરડા વગેરે ચઉરિન્દ્રિય છે કે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય છે? અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય હોય તો અંડજ છે કે પોતજ ? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જેનું કોઈ શાસ્ત્રીય સમાધાન મળતું નથી, માટે વિદ્વાનોને વિનંતિ કે આ પ્રશ્નનો કોઈ ઉકેલ શાસ્ત્રીય સમાધાન ધ્યાનમાં આવે તો, જણાવવા કૃપા કરે. પુગલ સ્કંધના ભેદ પુદ્ગલ દ્રવ્યના મુખ્ય ચાર પ્રકાર છે : 1. સ્કંધ, 2. દેશ, 3. પ્રદેશ અને 4. પરમાણુ. તેમાં પુદ્ગલ સ્કંધના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે: 1. બાદર-બાદર, 2. બાદર, 3. બાદર – સૂક્ષ્મ, 4. સૂક્ષ્મ-બાદર. 5. સૂક્ષ્મ 6. સૂક્ષ્મ-સૂક્ષ્મ. આ છ પ્રકાર સૌ કોઈ માને છે. પરંતુ પ્રશ્ન તેના દૃષ્ટાંત/ઉદાહરણ અંગે છે. કેટલાક કહે છે કે જૈન શાસ્ત્રકારોએ વાયુને સૂક્ષ્મ-બાદર વિભાગમાં મૂક્યો છે. જ્યારે પ્રકાશને બાદર-સૂક્ષ્મ વિભાગમાં મૂક્યો છે. અર્થાત્ પ્રકાશ કરતાં વાયુને અધિક સૂક્ષ્મ બતાવવામાં આવ્યો છે. જ્યારે આધુનિક વિજ્ઞાને એ સિદ્ધ કરી બતાવ્યું છે કે વાયુના કણ કરતાં પ્રકાશના કણ ઘણા સૂક્ષ્મ છે, તેથી જૈનદર્શનની માન્યતા બરાબર નથી અને સ્કંધના પ્રકારોની પુનઃ સમીક્ષા કરવી જોઈએ.
અહીં પુદ્ગલ સ્કંધના છ પ્રકારમાંથી : 1. બાદર-બાદર 2. બાદર, 3. સૂક્ષ્મ, 4. સૂક્ષ્મ-સૂક્ષ્મ અંગે બધું બરાબર જણાય છે ફક્ત બાદર-સૂક્ષ્મ અને સૂક્ષ્મ-બાદર અંગે જ આપણે વિગતવાર વિચાર કરવાનો છે. જૈન શાસ્ત્રોનું વિધાન હંમેશા નય સાપેક્ષ જ હોય છે, તેથી અન્ય નયની અપેક્ષાએ એ વિધાન ખોટું હોઈ શકે છે પરંતુ સર્વથા અસત્ય હોતું નથી.
પુદ્ગલ સ્કંધના ઉપર્યુક્ત છ પ્રકારમાંથી વાયુને સૂક્ષ્મ બાદર શ્રેણીમાં અને પ્રકાશને બાદર-સૂક્ષ્મ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. અહીં શાસ્ત્રકારનું વચન સાપેક્ષ જ છે. ઘણો વિચાર કરતાં એવું લાગે છે કે શાસ્ત્રકારે વાયુ અને પ્રકાશને યથાયોગ્ય શ્રેણીમાં મૂકયા છે. અહીં કોઈક પ્રકાશથી, પ્રકાશના કણ | ફોટૉન ગ્રહણ કરે છે અને વાયુ શબ્દથી હાઇડ્રોજન, ઑક્સિજન વગેરે વાયુના કણો (molecule) ગ્રહણ કરે છે. વસ્તુતઃ એવું નથી. અહીં વાયુ શબ્દથી વાયુકાયિક જીવોનું શરીર લેવું જોઈએ. આપણે વાયુના કણ(molecules)ને જ વાયુકાયિક જીવોનું શરીર માની શકીએ પરંતુ પ્રકાશ વિશે એવું નથી. અહીં પ્રકાશ શબ્દથી તેજસ્કાયિક જીવોનું શરીર લેવું જોઈએ કારણ કે તે શરીર ઔદારિક વર્ગણાના સ્કંધોમાંથી બનેલું છે, જેવી રીતે વાયુકાયિક જીવોનું શરીર ઔદારિક વર્ગણાના પુદ્ગલ કંધોમાંથી બનેલ છે. આ રીતે વિચાર કરતાં અગ્નિ સ્વયં ઔદારિક વર્ગણામાં આવી શકે છે અને તેમાંથી નીકળતા કણો | ફોટૉન, તેનાથી અલગ હોઈ શકે છે. તેનો સમાવેશ તૈજસ્ વર્ગણામાં થઈ શકે છે. અહીં એ વાત ધ્યાનમાં રાખવાની કે તૈજસ્કાય (અગ્નિ) અને તૈજસ્ વર્ગણાના પુદ્ગલ સ્કંધોમાં ઘણો તફાવત છે. બંનેમાં તેજસ્કાય જીવોના શરીર કરતાં તેજસ્ વર્ગણાના પુદ્ગલ સ્કંધો ઘણાં સૂક્ષ્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org