Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
192
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો પ્રાચીન કાળના મહાપુરુષો પોતે જે મંત્રની આરાધના/સાધના કરતા હશે તે મંત્રોનું આકૃતિ સ્વરૂપ અર્થાત્ યંત્ર સ્વરૂપ તેઓએ પોતાની દિવ્ય દૃષ્ટિથી જોયું હશે અથવા તે મંત્રના અધિષ્ઠાયક દેવોએ પ્રસન્ન થઈ તે મંત્રોનું યંત્ર સ્વરૂપ તે તે સાધકોને બતાવ્યું હશે. ત્યારબાદ તે સાધકોએ તે સ્વરૂપને ભોજપત્ર, તાડપત્ર વગેરે ઉપર લેખન સામગ્રી દ્વારા રેખાંકિત કર્યું હશે, અને તે પરંપરાએ આપણી પાસે આવ્યું છે.
વસ્તુતઃ યંત્ર એ એક પ્રકારનું વિવિધ ભૌમિતિક આકૃતિઓનું સંયોજન છે. જે રીતે જુદા જુદા વ્યંજનો તથા સ્વરોના સંયોજન દ્વારા મંત્રો બને છે. તે જ રીતે વિવિધ પ્રકારના ભૌમિતિક આકૃતિઓના સંયોજન દ્વારા વિવિધ પ્રકારનાં યંત્રો બને છે. પ્રત્યેક યંત્રના અધિષ્ઠાયક દેવ અથવા દેવી હોય છે. દેવ, દેવીનું સ્વરૂપ અથવા નામ બદલાતાં તેના મંત્ર તથા યંત્ર પણ બદલાય છે. સામાન્ય સંયોગોમાં આ બધાં જ મંત્રો તથા યંત્રો માત્ર પૌદ્ગલિક સ્વરૂપમાં અર્થાત્ જડ, ચૈતન્યરહિત હોય છે. તેમને ચેતનવંતા બનાવવાની વિશિષ્ટ પ્રક્રિયાઓ હોય છે. યંત્રોને તેના મૂળ મંત્રો દ્વારા ચેતનવંતાં બનાવી શકાય છે. તો મંત્રોને ચેતનવંતા બનાવવા માટે વર્ણમાતૃકા દ્વારા સંપુટ કરવામાં આવે છે અને તે રીતે સંપુટકરણ મંત્ર 108 વખત ગણ્યા બાદ મંત્ર ચેતનવંત બની જાય છે. તે સિવાય મંત્રોને ચૈતન્યયુક્ત કરવા માટેની બીજી પદ્ધતિઓ/પ્રક્રિયાઓ પણ મંત્ર, તંત્રનાં પુસ્તકોમાં આપવામાં આવી છે.
યંત્રોને સિદ્ધ કરવામાં આવે છે અને પ્રભુ પ્રતિમા અથવા દેવ-દેવીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ વિધિ ઉત્તમ પ્રકારના મંત્રોથી તેના અધિકારી આચાર્ય જ કરી શકે છે. મંત્ર-ધ્વનિથી ઉત્પન્ન થયેલા વિશિષ્ટ તરંગો દ્વારા આચાર્ય પોતાનો પ્રાણ પ્રતિમામાં ક્ષણાર્ધ માટે પણ આરોપિત કરી દે છે. ત્યારપછી એ પ્રતિમા માત્ર નિર્જીવ પત્થરનો ટૂકડો ન રહેતાં સાક્ષાત્ પ્રભુ તુલ્ય બની જાય છે કારણ કે તેમાં રહેલ મૂલાકૃતીય આકાશ ધ્વનિ તરંગોથી અખૂટ ઊર્જાનો ભંડાર બની જાય છે. તેની સાધના/આરાધના કરનારને પરમાત્મા-પરમતત્ત્વ સાથે સંબંધ થઈ શકે છે.
જૈન પરંપરામાં 100 વર્ષ કરતાં વધુ પ્રાચીન કોઈપણ પ્રતિમાને અચિંત્ય પ્રભાવશાળી માનવામાં આવે છે. કારણ કે 100 વર્ષ કરતાં પણ વધુ સમય દરમ્યાન ઘણા ઘણા સાધક આત્માઓ દ્વારા વિભિન્ન મંત્રો અને સદ્ભાવના દ્વારા તેની પૂજા થઈ હોવાથી, એ મંત્રોના ધ્વનિ તરંગોએ એ પ્રતિમામાં અખૂટ-અખૂટ ઊર્જાનો ભંડાર ભરી દીધો હોય છે અને તેનાથી સાધકના આત્માની ઉન્નતિ થાય છે. તેમજ તેનાં મનોવાંછિત કાર્યો સિદ્ધ થાય છે. આવું જ યંત્રોમાં પણ બને છે. સામાન્ય યંત્ર કરતાં વિધિપૂર્વક ઉત્તમ દિવસે, સદ્ભાવપૂર્વક બનાવેલ હોય અને યંત્ર, મંત્ર-તંત્ર, વિદ્યાના નિષ્ણાત મહાપુરુષે મંત્રો દ્વારા એ સિદ્ધ કર્યું હોય તો તુરતમાં જ મહાન ફળ આપનાર બને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org