Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
196
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો force of matter) તરીકે ઓળખાવશે. જો કોઈ માનસશાસ્ત્રીને પૂછવામાં આવે તો, એક બાહ્ય પરિબળ/ઉદીપક દ્વારા મગજ ઉપર અસર કરનાર “મન” તરીકે તે શક્તિને ઓળખાવશે, વળી કોઈ આધ્યાત્મિક યોગીને પૂછવામાં આવે તો તે પરમ બ્રહ્મના યૌગિક સાક્ષાત્કારને અર્થાત્ વૈશ્વિક ચેતનાને શક્તિ તરીકે ઓળખાવશે.
આ જ રીતે જેમના આત્મા ઉપરનાં, જ્ઞાનનું આવરણ કરનારા કર્મો સંપૂર્ણપણે દૂર થયાં નથી તેવા અલ્પજ્ઞ આપણે સૌ આપણી મનોભૂમિ - માનસિક અવસ્થા પ્રમાણે, તાંત્રિક અથવા યાંત્રિક ચિહ્નોનું અર્થઘટન કરીએ છીએ. એ ચિહ્નોનું સંપૂર્ણ અથવા વાસ્તવિક રહસ્ય તો માત્ર કેવળજ્ઞાની મહાપુરુષો જ જાણી શકે છે. કેવળજ્ઞાની મહાપુરુષો માટે આ સમગ્ર બ્રહ્માંડના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થના ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાન કાળની પ્રત્યેક અવસ્થાનું જ્ઞાન હાથમાં રહેલ સ્વચ્છ જળ સંબંધી જ્ઞાન જેવું સ્પષ્ટ હોય છે.30 તેઓ માટે ભૂતકાળ કે ભવિષ્યકાળ જેવું હોતું જ નથી. બધું જ વર્તમાનકાળ હોય છે. આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં અંગ્રેજીમાં એક જ વાક્યમાં કેવળજ્ઞાન માટે કહેવું હોય તો એમ કહી શકાય કે “Omniscience is nothing but the hologramic effect/power of the soul regarding to time, space, matter and all souls” તેથી આવા પરમજ્ઞાની, કેવળજ્ઞાની જ આ યંત્રોના સાંકેતિક ચિહ્નોના સંપૂર્ણ રહસ્યને જાણે છે.
વિવિધ પ્રકારનાં યંત્રોમાં સૌથી વધુ ચર્ચા, જન સામાન્ય તથા વિદ્વાનો અથવા મંત્ર-તંત્ર વિદ્યાના નિષ્ણાતોમાં થતી હોય તો તે શ્રીયંત્ર સંબંધી હોય છે.
આ શ્રીયંત્રને ખૂબ જ રહસ્યમય અને ગૂઢવિદ્યાના ખજાના સ્વરૂપ માનવામાં આવે છે. પરદેશના વિજ્ઞાનીઓ આ યંત્રનું રહસ્ય શોધવા ખૂબ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે અને વિજ્ઞાનના તથા અધ્યાત્મના સિદ્ધાંતો સાથે તેઓ શ્રીયંત્રની તુલના કરી રહ્યા છે.
શ્રીયંત્રમાં સૌથી વચ્ચે એક બિંદુ બતાવવામાં આવે છે. જેને મહાબિંદુ કહેવામાં આવે છે. વૈદિક પરંપરા પ્રમાણે તેને બ્રહ્માંડના શૂન્ય સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે.
વૈશ્વિક ઇચ્છાથી બિંદુ વિભાજિત થાય છે. અર્થાત્ શિવની બીજભૂત શક્તિ સુષુપ્તદશામાંથી ક્રિયાશીલ થાય છે.
બિંદુ વિભાજિત થતાં વિસર્ગમંડળનું સર્જન થાય છે. જે શિવ-શક્તિ અથવા અગ્નિ-જળ અથવા પુરુષ-પ્રકૃતિના યુગ્મ સ્વરૂપે ઓળખાય છે. મૂળ ત્રિકોણ-વૈશ્વિક ત્રિપુટીને રજૂ કરે છે. સકળ પદાર્થોના ઉત્પત્તિ સ્થાન તરીકે તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org