Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
ભારતીય શાસ્ત્રીય સંગીત અને તેનું વૈજ્ઞાનિક રહસ્ય
183
પ્રભુભક્તિમાં સંગીતને આટલું બધું મહત્ત્વ આપવાનું કારણ શું ? તે અંગે વિચારતાં એમ લાગે છે કે સંગીતથી મનની સ્વસ્થતા, મનની સ્વસ્થતાથી શરીરની સ્વસ્થતા આવે છે અને તેથી ભક્તિરસમાં તરબોળ મનુષ્ય સંસારની આધિ, વ્યાધિ, ઉપાધિ, શોક, સંતાપને તે સમય દરમિયાન બિલકુલ ભૂલી જાય છે અને તે રીતે તે પ્રભુ સાથે તન્મય થઈ જાય છે. આમ પ્રભુભક્તિનું સંગીત, આધ્યાત્મિક ક્ષેત્રમાં મન, વચન, કાયાની એકાગ્રતા કેળવવામાં અનેરું સહાયક બને છે. અને એટલે જૈન અનુશ્રુતિ પ્રમાણે લંકાપતિ રાવણે અષ્ટાપદ તીર્થની યાત્રા કરતી વખતે જ્યારે તેની પત્ની મંદોદરીએ પ્રભુ સમક્ષ ભક્તિનૃત્ય કર્યું ત્યારે રાવણે પોતે વીણા વગાડી હતી, એટલું જ નહિ તે સમયે વીણાનો તાર તૂટી જતાં તરત જ રાવણે પગની નસ કાઢી, તારના સ્થાને બાંધી અને મંદોદરીના ભક્તિનૃત્યને અસ્ખલિત રાખ્યું. આ ભક્તિ દ્વારા રાવણે ભવિષ્યકાળમાં તીર્થંકર પરમાત્મા થવાની યોગ્યતા મેળવી લીધી.
આ છે ભક્તિસંગીતની અચિન્ત્ય તાકાત. તે ભક્તને પણ ભગવાન બનાવી શકે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતની સાથે ભારતીય નૃત્યકળા પણ જોડાયેલી છે. ભૂતપૂર્વ અભિનેત્રી અને અત્યારે ઓડિસી નૃત્યકળાકાર પ્રતિમા ગૌરી પ્રાચીન નૃત્યકળા અંગે કહે છેઃ
‘‘ભારતનાં દરેક પ્રાચીન નૃત્યો વાસ્તવમાં ઈશ્વરની ભક્તિનો, તેની પ્રાર્થનાનો એક કલાત્મક પ્રકાર છે. અમે ઓડિસી નર્તકો અને નર્તકીઓ ભગવાન જગન્નાથને પ્રસન્ન કરવા નૃત્ય કરીએ છીએ. કથકમાં ભારોભાર કૃષ્ણભક્તિ છે. જ્યારે ભરતનાટ્યમમાં સૃષ્ટિના પ્રથમ નર્તક, પ્રથમ નટ અને પ્રથમ કળાકાર, એવા શિવની આરાધના કરવામાં આવે છે. ભગવાનની પ્રસન્નતા એ જ અમારાં નૃત્યોનો મુખ્ય આશય હોય છે.’93
ટૂંકમાં, પ્રાચીન ભારતીય સંગીતશાસ્ત્રીઓ અને દિવ્યદ્રષ્ટા એવા આધ્યાત્મિક મહાપુરુષોએ સંગીતમાં રહેલી વિવિધ શક્તિઓનું જે વર્ણન કર્યું છે, તેને અત્યારનું વિજ્ઞાન પણ સમર્થન આપી રહ્યું છે. આ ભારતીય શાસ્ત્રીય સંગીત દ્વારા જીવો ઐહિક અને પારલૌકિક સંપત્તિ તથા આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરે એ જ શુભ ભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org