Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
જેવું પ્રકાશનું વર્ગીકરણ છે, તેવું જ ધ્વનિનું પણ વર્ગીકરણ છે. સામાન્ય રીતે મનુષ્યના કાન 20 ની કંપસંખ્યાવાળા શબ્દોથી લઈને 20,000 સુધીની કંપસંખ્યાવાળા શબ્દો સાંભળી શકે છે. ધ્વનિના બે પ્રકાર છેઃ 1. શ્રાવ્ય ધ્વનિ, જેની કંપસંખ્યા 20 થી 20,000 સુધીની હોય છે. 2. અશ્રાવ્ય ધ્વનિ, તેના બે પ્રકાર છેઃ (1) 20 કરતાં ઓછી કંપસંખ્યાવાળા ધ્વનિને ઇન્ફ્રાસૉનિક ધ્વનિ તરંગો કહે છે. હાથી ઇન્ફ્રાસૉનિક ધ્વનિ સાંભળી શકે છે. (2) 20,000 કરતાં વધુ કંપસંખ્યાવાળા ધ્વનિને અલ્ટ્રાૉનિક ધ્વનિ કહે છે. આ પ્રકારના ધ્વનિતરંગોના ઉપયોગથી, પેશાબની પથરી(યુરીન સ્ટોન)નો ભૂકો કરી, વગર ઑપરેશને, તેને દૂર કરવામાં આવે છે. ટૂંકમાં ધ્વનિને, અત્યારના વિજ્ઞાનીઓ સંપૂર્ણ રીતે તરંગ ગણાવે છે જ્યારે પ્રકાશ અને ઇલેક્ટ્રૉમૅગ્નેટિક વેવ્ઝ(વીજ ચુંબકીય તરંગો)ને અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે માને છે. જ્યારે અન્ય કેટલાક સંજોગોમાં કણ સ્વરૂપે માને છે. આ રીતે પ્રકાશના દ્વિસ્વભાવ(dual nature)ને અત્યારના વિજ્ઞાનીઓએ માન્યતા આપી છે.
78
જ્યારે બીજી તરફ શ્રી દત્તના અનુભવો પ્રકાશ, વીજચુંબકીય ક્ષેત્ર, જેને પદાર્થનું આભામંડળ (aura) કહેવામાં આવે છે તે, મન, વિચાર અને ધ્વનિ, આ બધાંને પુદ્ગલ સ્વરૂપ અર્થાત્ સૂક્ષ્મ પરમાણુઓના સમૂહ સ્વરૂપે સિદ્ધ કરે છે જે સંપૂર્ણપણે જૈનદાર્શનિક તત્ત્વજ્ઞાનને અનુકૂળ છે.
જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે આ સમગ્ર બ્રહ્માંડ(universe)માં માત્ર છ પ્રકારનાં મૂળભૂત દ્રવ્યો છેઃ 1. જીવ/આત્મા 2. પુદ્ગલ (matter) 3. આકાશ(space) 4. કાળ(time) 5. ધર્માસ્તિકાય અને 6. અધર્માસ્તિકાય. કાળને, કેટલાક જૈનદર્શનિકો દ્રવ્ય સ્વરૂપે માને છે, તો કેટલાક માનતા નથી. આમાંનાં પુદ્ગલ દ્રવ્ય સિવાયનાં પાંચ દ્રવ્યો અરૂપી અર્થાત્ અમૂર્ત છે. માત્ર પુદ્ગલ દ્રવ્ય જ રૂપી અર્થાત્ મૂર્ત છે. જીવ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્યના સંયોગથી રૂપી/મૂર્ત જણાય છે. આ પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ આપતા જૈનદાર્શનિકો કહે છે : વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જેને હોય તે પુદ્ગલ કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યના સૂક્ષ્મતમ અંશને કે જેના કોઈ પણ સાધન વડે ભૂતકાળમાં ક્યારેય બે ભાગ થઈ શક્યા ન હોય, વર્તમાનમાં બે ભાગ કરી શકાતા ન હોય કે ભવિષ્યમાં ક્યારેય બે ભાગ કરી શકવાની કે થઈ શકવાની શક્યતા ન હોય, તેને પરમાણુ કહેવામાં આવે છે. જો કે આધુનિક ભૌતિકશાસ્ત્રમાં દ્રવ્ય તત્ત્વના અવિભાજ્ય સૂક્ષ્મતમ અંશને પરમાણુ (atom) કહેવામાં આવે છે. આમ છતાં તેમાં જેને પરમાણુ કહે છે, તેનું ઇલેક્ટ્રૉન, પ્રોટૉન, ન્યૂટ્રોન, ક્વાર્ક વગેરે સબએટમિક (sub-atomic) કણોમાં વિભાજન શક્ય છે, માટે તેને વાસ્તવિક પરમાણુ કહેવો યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org