Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
7
શ્રી અશોકકુમાર દત્તનો રંગીન શક્તિકણોનો અનુભવ/સાક્ષાત્કાર, જૈનદાર્શનિક તત્ત્વજ્ઞાન તથા તેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ
શ્રી અશોકકુમાર દત્તને કોઈ વ્યક્તિ બોલે તો તેના મુખમાંથી નીકળતા વિવિધ પ્રકારના જુદી જુદી ચમકવાળા રંગીનશક્તિકણોનો સમૂહ દેખાતો હતો. એ સિવાય વિશિષ્ટ જડ અથવા ચૈતન્યયુક્ત પદાર્થોમાંથી પણ તેઓને વિવિધ પ્રકારના રંગીનશક્તિકણો નીકળતા નજરે પડતા હતા તથા ક્યારેક સજીવ પદાર્થો વાતાવરણમાં પોતાની આસપાસ રહેલ રંગીનશક્તિકણો ગ્રહણ કરતા પણ નજરે પડતા હતા. ‘ધ્વનિ’ અંગેના પોતાના કેટલાક અનુભવો, તેઓએ, ‘ફાર્બસ ત્રૈમાસિક' ઑક્ટો. ડિસે.1992ના અંકમાંના પોતાના ‘વર્ણમાળા અને મંત્રોચ્ચારણનું રહસ્ય' લેખમાં આપેલા છે. એ સિવાયના કેટલાક અનુભવો અને તે અંગેનો પોતાનો દૃષ્ટિકોણ/વિશ્લેષણ ‘રંગીન શક્તિકણોનો મન ઉપર પડતો પ્રભાવ' લેખમાં આપેલ છે.1 વર્ણમાળા અને મંત્રોચ્ચારણનું રહસ્ય’ નામનો લેખ વાંચી મને ખૂબ જ આનંદ થયો. તેઓના અનુભવો જૈનદાર્શનિક તત્ત્વજ્ઞાન સાથે ખૂબ જ સામ્ય ધરાવે છે. એ અંગે વિશ્લેષણ પછી કરીશું, પરંતુ એ પહેલાં ધ્વનિ વગેરે સંબંધી આજના વિજ્ઞાનીઓની માન્યતા શી છે તેનો ટૂંક પરિચય કરી લઈએ.
સામાન્ય રીતે ધ્વનિ અને પ્રકાશ, બંનેને વિજ્ઞાનીઓ તરંગ સ્વરૂપે માને છે. અલબત્ત, પ્રકાશ અંગેની કેટલીક ઘટના અને તેમાંય ખાસ કરીને ‘ફોટોઈલેક્ટ્રિક ઇફેક્ટ (photoelectric effect) નામની ઘટનાની સમજ આપવા માટે પ્રકાશને કણ સ્વરૂપમાં સ્વીકાર્યા વગર છૂટકો નથી. આ કણોને વિજ્ઞાનીઓ સામાન્ય રીતે ફોટૉન (photon) કહે છે. ક્યાંક ક્યાંક તેને ‘ક્વૉન્ટા’(quanta) પણ કહે છે. તેને સમજાવનારા શાસ્ત્રને ‘ક્વૉન્ટમ મિકેનિક્સ’ (quantum mechanics) કહે છે.
પ્રકાશ બે પ્રકારનો હોય છે. 1. દૃશ્ય પ્રકાશ, 2, અદૃશ્ય પ્રકાશ, અદશ્ય પ્રકાશ અર્થાત્ અદૃશ્ય વીજચુંબકીયતરંગો પણ બે પ્રકારના હોય છેઃ (1) દૃશ્ય પ્રકાશ કરતાં ઓછી કંપસંખ્યા(frequency)વાળો અથવા મોટી તરંગ લંબાઈવાળો, જેને ‘ઇન્ફ્રારેડ’ કિરણો કહે છે. અને (2) દૃશ્ય પ્રકાશ કરતાં વધુ કંપસંખ્યાવાળો અર્થાત્ નાની તરંગલંબાઈ(wavelength)વાળો જેને ‘અલ્ટ્રાવાયોલેટ' કિરણો કહે છે.3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org