________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૦
તેની આ ચંચળ સ્ત્રીએ તેને એક રસ્તો બતાવ્યો કે, ગામનો રાજા સવારના પહોરમાં વહેલો જઈ જે તેને આશીર્વાદ આપે તેને બે માસા સોનું આપે છે; તો સવારના વહેલા જઈ પહેલવહેલા આશીર્વાદ રાજાને આપો - તો બે માસા સોનામાંથી થોડો વખત ગુજરાન ચાલી જશે. આથી કપિલે વહેલા ઊઠી રાજા પાસે સૌથી પહેલાં પહોંચવા પ્રયત્નો કર્યા પણ આઠ દિવસ એ રીતે જતાં પણ તેની પહેલાં કોઈ પહોંચી જતું એટલે રાજાના પહેલા આશીર્વાદ ન મળતા, સોનું ના મળ્યું, આથી વિચાર કરી રાજમહેલની બાજુના મેદાનમાં જ સૂઈ જઈ સવારના વહેલા રાજા પાસે પહોંચવા એક રાત્રે તે મેદાનમાં સૂઈ રહ્યા. અડધી રાત્રે ચંદ્રમાનો પ્રકાશ જોતાં વહેલી સવાર થઈ છે એમ સમજતા રાજમહેલ તરફ દોડવા લાગ્યા. એમને દોડતા જોઈ રક્ષપાલે તેમને ચોર સમજી પકડી લીધા અને સવારમાં રાજા સમક્ષ હાજર કર્યો. કપિલે જે વાત હતી તે બધી રજૂ કરી અને રાજાજી આનો ભોળો ભાવ જાણી આ ચોર ન હોય એમ સમજી તેની ઉપર પ્રસન્ન થઈ કંઈ માગવા કહ્યું. શું માગવું તે કપિલ નક્કી ન કરી શક્યા એટલે રાજાજીએ તેમને સામા મેદાનમાં જઈ ત્યાં બેસી વિચાર કરી માગવા ટાઈમ આપ્યો.
ન
કપિલ મેદાનમાં બેસી વિચારવા લાગ્યો - શું માગું કેટલું માગું. બે માસા સોનું તો કેટલા દિવસ ચાલે એના બદલે પાંચ મહોર માગવી - અરે પાંચ મહોરથી કંઈ પૂરું નહીં થાય માટે પચ્ચીસ મહોર માગવી, એમ તૃષ્ણામાં ઘસડાતો ગયો, સો મહોર - હજાર મહોર - દશ હજાર મહોર, એમ ઇચ્છા વધતી ગઈ. કરોડ મહોર માગવા વિચાર્યું પણ એથી શું ? એના કરતાં રાજાનું અર્ધ રાજ્ય જ માગી લેવું. આ વિચારતાં વિચાર્યું કે અડધું રાજ માગું તો પણ રાજા પાસે અડધું તો રહે જ માટે આખું રાજ માગી લેવું.
પણ હલુકર્મી જીવ હોવાથી વિચાર બદલાયા. જે રાજા કંઈ આપવા માગે છે તેનું રાજ્ય લઈ લેવું તે કેમ શોભે - અરરર, આ મેં શો વિચાર કર્યો - મારે અડધા રાજયની પણ શી જરૂર. અરે કરોડ સોનૈયા મારે શું કરવાના. મારે હજારની પણ કર્યાં જરૂર છે. એમ વિચારી છેવટે ૨ માસા જ લેવા એવા વિચારે આવી ગયો.
હું શું કરવા બે માસા પણ લઉં. હું કેમ સંતોષ નથી માનતો. કેમ આવી તૃષ્ણા કરું છું. હે જીવ ! તું વિદ્યાભ્યાસ માટે આવ્યો હતો. વિદ્યા લેતાં વિષયવાસનામાં પડી ગયો. હું ઘણું ભૂલ્યો સંતોષ માની નિરુપાધિક સુખ જેવું કંઈ નથી - એમ વિચારતાં વિચારતાં તેનાં અનેક આવરણ ક્ષય થયાં અને વિવેકપૂર્વક વિચારસમાધિએ પહોંચતાં અપૂર્વ શ્રેણીએ ચડી, તે કેવળ જ્ઞાનને પામ્યા એમ કહેવાય છે.