________________
૨ ૨
વંદનીય હૃદયસ્પર્શ જૈન સાહિત્યમાં પણ નાહટાજીના રસના વિષયો વિવિધ પ્રકારના રહ્યા હતા. મધ્યકાલીન રાસાસાહિત્ય અને ફાગુસાહિત્યના સંશોધનના ક્ષેત્રે એમનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. એમણે સંશોધન કરીને સંપાદિત કરેલા એવા સંખ્યાબંધ ગ્રંથો છે, જેમાં પ્રાચીન ગુર્જર રાસ-સંચય', “સીતારામ ચોપાઈ',
ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ' વગેરે મહત્ત્વના ગ્રંથો છે. સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈએ “જૈન ગુર્જર કવિઓ' નામનો ગ્રંથ તૈયાર કરવા જેવું ભગીરથ કાર્ય કર્યું હતું એવું જ ભગીરથ કાર્ય નાહટાજીએ પણ કર્યું છે. ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો નાહટાજીએ પોતે જોઈ-તપાસી છે! એમાંની અજ્ઞાત હસ્તપ્રતોને આધારે એમણે “મરુગુર્જર કવિઓ અને એમની રચનાઓ' નામનો એક ગ્રંથ પ્રકાશિત કર્યો છે. એના વધુ ત્રણ ભાગ જેટલી લેખનસામગ્રી એમની પાસે છાપવા માટે તૈયાર હતી. પરંતુ આવા પ્રકારના સંશોધનાત્મક ગ્રંથોનું પ્રકાશન આર્થિક પ્રોત્સાહન વગર અટકી જતું હોય છે. એ પ્રકાશિત થયું હોત તો નાહટાને બહુ આનંદ થાત. સોનગઢ જૈન સાહિત્ય સમારોહમાં એમણે એ વિશે નિર્દેશ પણ કર્યો હતો.
જૈન સાહિત્યના સંશોધનક્ષેત્રે, ખાસ કરીને હસ્તલિખિત પ્રતિઓની દૃષ્ટિએ નાહટાજી જેટલું જ મોટું કાર્ય કરનાર અત્યારે બીજી કોઈ વ્યક્તિ નથી. હવેના સમયમાં પ્રાચીન સાહિત્યના સંશોધનકાર્યમાં એકંદરે રસ ઓછો થતો જાય છે ત્યારે નાહટાજીએ કરેલી સાડા પાંચ દાયકાની સેવાનું મૂલ્ય ઘણું મોટું લાગે છે. એ ક્ષેત્રમાં કામ કરનારાઓને એમની ખોટ વર્ષો સુધી લાગ્યા કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org