________________
મેરુ, સમેતશિખર, વૈભારગિરિ, રુચકાદ્રિ, અષ્ટાપદ વગેરે સર્વ તીર્થો આ શત્રુંજયગિરિમાં આવી જાય છે. આથી ત્રણ ભુવનમાં ઇન્દ્રાદિક જેટલા દેવો અને દેવીઓ છે, તે સર્વે સદ્ગતિની ઇચ્છાથી આ તીર્થરાજની સદા સેવા કરે છે.
પોતાના સ્થાનમાં રહેલા પ્રાણીઓ આ તીર્થના સ્મરણમાત્રથી તીર્થયાત્રાનું ફળ મેળવે છે. તેથી સર્વ તીર્થમય આ તીર્થરાજને નમસ્કાર થાઓ.
આ જગતમાં સદ્રવ્ય, સત્કલમાં જન્મ, સિદ્ધક્ષેત્ર, સમાધિ અને ચતુર્વિધ સંઘ એ પાંચ “સ”કાર દુર્લભ છે.
પુંડરીક પર્વત, પાત્ર, પ્રથમ પ્રભુ, પરમેષ્ઠિ અને પર્યુષણ પર્વ - એ પાંચ ઉપકાર દુર્લભ છે.
તે રીતે શત્રુંજય, શિવપુર (મોક્ષ), શત્રુંજયા નદી, શ્રી શાંતિનાથ ભગવાન અને શમવંતને દાન એ પાંચ “શ”કાર પણ દુર્લભ છે.
જે સ્થાને મહાપુરુષો એકવાર આવીને અધિષ્ઠિત થાય છે, તે “તીર્થ' કહેવાય છે. પણ આ સ્થાન પર તો અનંતા તીર્થંકરદેવો આવેલા છે. તેથી આ મહાતીર્થ ગણાય છે. વળી અહીં ઘણા તીર્થંકરો સિદ્ધ થયા છે. અસંખ્ય મુનિવરો પણ સિદ્ધિપદને પામ્યા છે, તેથી આ શત્રુંજય તીર્થ મોટું તીર્થ ગણાય છે.
જે સ્થાવર અને ત્રસજંતુઓ સદા આ તીર્થમાં રહે છે, તેઓને ધન્ય છે અને જેઓએ આ તીર્થ એકવાર પણ જોયું નથી, તેમનાં જીવિતને ધિક્કાર છે.
આ ગિરિરાજ ઉપર મયૂર, સર્પ અને સિંહ વગેરે હિંસક પ્રાણીઓ પણ શ્રી જિનેશ્વરદેવના દર્શનથી ક્રમશઃ સિદ્ધ થયેલા છે, થાય છે ને થશે. પશુ-પક્ષીઓએ બાલ્યાવસ્થામાં, યૌવનમાં કે વૃદ્ધપણે પણ જે પાપ કર્યું હોય, તે આ સિદ્ધગિરિનો સ્પર્શ કરવાથી નાશ પામી જાય છે.
પુંડરીકગિરિની યાત્રા કરવા જવાની ઇચ્છાથી કરોડો ભવોનાં પાપ પગલે પગલે નાશ પામી જાય છે. એ ગિરિરાજ તરફ એક પગલું ભરે ત્યાં જ પ્રાણી કરોડો ભવોના પાપોથી મુક્ત થાય છે. આ તીર્થની ભાવથી સ્પર્શના કરનારા આત્માઓને રોગ, સંતાપ, દુઃખ, વિયોગ, દુર્ગતિ અને શોક થતા નથી.
બુદ્ધિશાળી તથા કલ્યાણકારી આત્માએ આ તીર્થમાં પત્થરને ખોદવા નહીં, વિષ્ટા કે પેશાબ કરવા નહીં. આ ગિરિરાજ પોતે તીર્થકર છે. દર્શન અને સ્પર્શથી ભૌતિક સુખો અને મુક્તિ સુખ પણ આપે છે.
હે ઇન્દ્ર ! સ્વર્ગમાં, મનુષ્યલોકમાં અને પાતાળમાં જેટલાં જિનબિંબો છે, તે સર્વનાં પૂજન કરતાં, આ તીર્થ પર રહેલાં શ્રી જિનબિંબના પૂજનથી વિશેષ ફળ થાય છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૬