________________
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
gulls been
રાજસ્થાનના પાલી જિલ્લાના સેસલી ગામમાં પરમ દર્શનીય શ્રી સેસલી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલ છે. આ તીર્થધામ ફાલના રેલ્વે સ્ટેશનથી ૭ કિ.મી. ના અંતરે, સાદડીથી ૧૨ કિ.મી.ના અંતરે અને બાલી ૩ કિ.મી. ના અંતરે, આવેલું છે. અહીંના પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દર્શનીય છે. અહીં જૈનોની વસ્તી નથી. ધર્મશાળાની સગવડ છે. દર વર્ષે કારતક સુદ પુનમ અને ભાદરવા સુદ ૧૦ના દિવસે અહીં મેળો ભરાય છે. આજુબાજુમાં અન્ય તીર્થો હોવાથી યાત્રિકોની અવરજવર વર્ષ દરમ્યાન રહે છે.
સેસલી (રાજસ્થાન) ખાતે શિખરબંધી જિનાલયમાં કલાત્મક પરિકરથી વિભૂષિત, શ્વેત પાષાણના મનોરમ્ય શ્રી સેસલી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. સપ્તફણાથી અલંકૃત આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૩ ઈંચ અને પહોળાઈ ૧૯.૫ ઈંચની છે.
મહારાજા સંપ્રત્તિના સમયની આ પ્રતિમાજીના દર્શન માત્રથી હૈયામાં ભક્તિ અને શ્રધ્ધાના ભાવ પ્રગટ થયા વિના ન રહે તેવી દિવ્યતા ધરાવતી આ પ્રતિમાજી છે. મીઠડી નદીના તટે સેસલી ગામ છે, પણ ત્યાં આજે જૈનોની વસ્તી નથી. પ્રાચીનકાળમાં આ વૈભવશાળી અને સમૃધ્ધ નગર હોવાનું મનાય છે.
શ્રેષ્ઠી માંડણ સંઘવીએ બારમાં સૈકામાં અઢળક દ્વવ્યનો સર્વ્યય કરીને અહીં ભવ્ય શિખરબંધી જિનાલયનું નિર્માણ કર્યું. બાલી નજીકના નારલાઈ ગામમાંથી શ્રી પાર્શ્વનાથજીની મનોરમ્ય પ્રતિમાજી અહીં લાવવામાં આવી અને ગાદીનસિન કરી. ભટ્ટારક આનંદસૂરિના વરદ હસ્તે આ ભવ્ય જિનાલયમાં મહા મહોત્સવ રચીને વિ.સં. ૧૧૮૭ના અષાઢ સુદ-૭ના દિવસે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાઈ હતી.
સંવત ૧૨૫૨માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો અને પ્રતિમાજીને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી.
જ્યારે આ પ્રતિમાજીને કલાત્મક પરિકરથી સંવત ૧૪૯૩માં પરિવૃત્ત કરવામાં આવી હતી. સંવત ૨૦૨૦માં આ જિનાલયનો પુનઃ જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. અહીં દર વર્ષે અષાઢ સુદ-૧૪નો પ્રતિષ્ઠાદિન ઉજવવામાં આવે છે.
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
૧