Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરમાત્માના ગુણોનું વર્ણન કર્યું છે. ૨૪મું સ્તવન જૈનસંઘમાં સુપ્રસિદ્ધ છે. તેમાં કવિએ પાંચમા આરા (કળિકાળ)ની ફણીધર નાગ સમાન ભયાનકતા વર્ણવી છે. આ પાંચમો આરો ભયાનક હોવા છતાં તેમાં પ્રાપ્ત મણિ સમાન જિનમૂર્તિ અને જિનઆગમરૂપ આલંબનને કારણે સાધકને પાંચમા આરાનું ઝેર કરી શકતું નથી, એમ દર્શાવ્યું છે. કવિએ આ સ્તવનમાં પ્રયોજેલી શૃંગી મત્સ્યની ઉપમા નોંધપાત્ર છે. શૃંગી મત્સ્ય જેમ ખારા સમુદ્રમાંથી મીઠું પાણી પીએ છે તેમ ઘોર એવા કળિકાળમાં જિનશાસનના આલંબનથી પોતે શુદ્ધ તત્ત્વજળ પીએ છે તેના આનંદની અભિવ્યક્તિ કરી છે.
તત્ત્વવિજયજી ગણિ પ્રસિદ્ધ ઉપાધ્યાય યશોવિજયજીના શિષ્ય છે અને તેઓ અઢારમા શતકના મધ્યભાગમાં થયા છે. તેમની ચોવીશી પ્રકાશિત – અનુસંધાન અનિયતકાલિક સં. શિલચંદ્રસૂરિ) સરળ મનોહર કાવ્યતત્ત્વથી શોભે છે. કવિ પપ્રભસ્વામી સ્તવનમાં પ્રભુને લાલન' તરીકે ઓળખાવે છે. તેમાં માધુર્ય છલકાય છે. નવમા સ્તવનમાં કવિ પ્રભુને પ્રશ્ન પૂછે છે કે, તમે જો મારા સાચા સ્વામી હોવ તો આ કર્મો કેવી રીતે પોતાનું બળ દર્શાવી શકે? કવિ ૧૭મા કુંથુનાથ સ્તવનમાં પરમાત્માને અનુપમ બ્રહ્મરૂપે ઓળખાવી પરમાત્માની ઋદ્ધિનું વર્ણન કરે છે. ધર્મનાથ સ્તવનની પદાવલી પર તેમના ગુરુ યશોવિજયજીનો પ્રભાવ જોઈ શકાય છે. કવિએ મહાવીરસ્વામી સ્તવનમાં પ્રભુના જીવનસંદર્ભ ગૂંથી સરળ અભિવ્યક્તિવાળું મનોહર કાવ્ય રચ્યું છે. સમગ્ર ચોવીશીમાં પરમાત્મા પ્રત્યેના પ્રેમની નિર્મળ અને નિર્વાજ અભિવ્યક્તિ જોવા મળે છે.
અઢારમા શતકના મધ્યભાગમાં (૧૭૪૬માં) વિજયપ્રભસૂરિના ગચ્છાધિપતિકાળમાં રચાયેલી નયવિજયજીની ચોવીશી (ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૩૧૫થી ૩૩૯) ૧૮મા શતકની એક નોંધપાત્ર રચના છે. કવિ ઉલ્લાસસભર વર્ણન કરે છે:
નીલકમળ પરિ ભલો રે, દીપે તનું પરકાશ હરખે નયણે નીરખતાં રે, ઉપજે અધિક ઉલ્લાસ નીરખી નીરખી હરખીયે રે, સાહિબ સહજ સબૂર. તેજ ઝળળ ઝળહળે રે, જાણે ઊગ્યો સૂર.
(૨૩, ૨) નયવિજયજીએ સુમતિનાથ સ્તવનમાં સુમતિ શબ્દ પર શ્લેષ કરી સુમતિને હૃદયમાં ધારણ કરવાની અને કુમતિને દૂર રાખવાની સલાહ આપે છે. પરમાત્મા હૃદયમાં દઢ ભાવે વસ્યા છે. તે અંગે લોઢા પરના ચિત્રની ઉપમા પ્રયોજે છે. શ્રી શીતલનાથ સ્તવનમાં પરમાત્માને કસ્તુરી સાથે સરખાવ્યા છે, તેમ જ પરમાત્માને મોક્ષલક્ષ્મીના પતિ વિષ્ણુરૂપે ઓળખાવ્યા છે. કવિનાં અનેક સ્તવનો પર યશોવિજયજીનો પ્રભાવ જોઈ શકાય. વિશેષરૂપે રૂ. ૧૦ પર યશોવિજયજીના રૂ. ૧૬, રૂ. ૪ તેમજ સ. ૧૧ અને રૂ. ૨૧ પર સીમંધરસ્વામી સ્તવન (વીશી સ્ત. ૧)નો પ્રભાવ જોઈ શકાય. કવિ નયવિજયજી કહે છે, જીભ તમારા ગુણો ગાવા ઉલ્લસિત થઈ છે, મનમાં પ્રભુનું ધ્યાન છે, આંખો તમારા રૂપને જોવા તલસે છે અને કાન તમારા ગુણ સાંભળીને આનંદ પામે છે. આમ, મન, વચન, કાયાની એકાગ્રતા અને તન્મયતાથી પ્રભુની સેવા કરનારા સાધકનું
મા ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org