Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તો હૃદયમાં રહેલ પરમનિધાન સમાન આત્માનું પરમાત્મસ્વરૂપ ઓળખાય. સદ્દગુરુનો યોગ અને પરમાત્મા પ્રત્યેનો પ્રબળ પ્રેમ હોય ત્યારે જ આ પરમાત્મસ્વરૂપને ઓળખી 9.કાય, એ બે વસ્તુઓ વિના મન ઘણું દોડે, પણ કશું પ્રાપ્ત થતું નથી. પરમાત્માની જ્યોતિ વડે જ આત્મામાં રહેલ જ્યોતિનો અનુભવ થાય છે અને આવી
જ્યોતિનો અનુભવ કરનાર મહામુનિઓ પોતાની આંતરિક અનુભવ સમૃદ્ધિને લીધે રત્નમય પર્વત જેવા બન્યા છે અને તેમની પાવન ઉપસ્થિતિને કારણે તેમની નગરી, માતા, પિતા, કુળ, વંશ આદિ સર્વ ધન્ય છે.
કવિએ શાંતિનાથ સ્તવનમાં શાંતિ' શબ્દ પર શ્લેષ કરી શાંતિનું સ્વરૂપ સમજાવેલ છે. કવિએ આ કાવ્યમાં સાધક અને પરમાત્મા વચ્ચે સંવાદ યોજી આખા સ્તવનને તાત્ત્વિક ચર્ચાના સ્તવનરૂપે જીવંત બનાવ્યું છે. સાધક પરમાત્માને શાંતિસ્વરૂપ પૂછે છે, ત્યારે પરમાત્મા સાધકને આવા પ્રશ્ન માટે ધન્યવાદ આપે છે. આ જગતમાં સામાન્ય રીતે જીવમાત્ર ભૌતિક સુખની લાલસા અને પ્રવૃત્તિનો વિસ્તાર ઇચ્છે છે, પરંતુ આંતરિક વિકાસ પામેલો સાચો સાધક સર્વ કર્મોથી નિવૃત્તિરૂપ પરમ શાંતિની ઝંખના કરે છે. પરમાત્મા શાંતિના પ્રથમ ઉપાયરૂપે નવ તત્ત્વ, છ દ્રવ્ય આદિ શાસ્ત્રાવચનમાં શ્રદ્ધા ધારણ કરવાનું કહે છે. બીજા ઉપાય રૂપે આ શાસ્ત્રોને યથાર્થરૂપે સમજવા માટે આગમોને જાણનારા, શુદ્ધ પરંપરાવાળા અને ઉજ્વળ અનુભવના આધાર સમા ગુરુને સ્વીકારવાનું કહે છે. સાધક પોતાના જીવનમાં એવા ગુરુનો યોગ પામી, તેમનું આલંબન સ્વીકારે અને પોતાની સર્વ તામસિક વૃત્તિઓ છોડીને સાત્ત્વિક જીવનરીતિઓ ધારણ કરે. તો, સાધનામાર્ગમાં આગળ વધતો સાધક ક્રમશ: વધુ અને વધુ શુદ્ધ ધર્મ સ્વીકારી પરમ સમભાવની સ્થિતિને પામે. શાંતિના ઉપાય તરીકે અહીં શાસ્ત્રોમાં વર્ણવાયેલ સામર્થ્યયોગનું વર્ણન કરેલ છે. માન-અપમાનને સમાન ગણે તેમ જ સોનું કે પથ્થર, વંદન કરનાર કે નિંદા કરનાર સહુ કોઈને સમાન ગણે. એટલું જ નહિ મોક્ષ અને સંસારને પણ આ સાધક સમાન ગણે. કારણ કે સંસારનું કારણ પણ મનુષ્યનું મન છે. મનની ચિત્ર-વિચિત્ર ઇચ્છાઓને કારણે જ સંસાર સંસાર રૂપ છે. જ્યારે સર્વ પ્રકારની ઈચ્છાઓને ત્યાગ કરે, સર્વત્ર સમભાવનો અનુભવ કરે ત્યારે સંસાર અને મોક્ષ વચ્ચે પણ ભેદ જણાતો નથી. આ સ્થિતિ ગીતાના કુટસ્થયોગમાં વર્ણવેલા વિદેહ-જીવનમુક્ત મહાત્માને મળતી આવે એવી છે. આ પરમ-સમભાવ સંસારસાગરમાંથી પાર ઉતારનાર છે. આપણા આત્માના શુદ્ધ ભાવમાં સ્થિર થવું અને અન્ય સહુ પરિવાર, પદાર્થ, દેહ આદિને માત્ર સંયોગથી પ્રાપ્ત થયેલી વસ્તુ માની લે એવી આત્મસ્વભાવમાં સ્થિરતાને તીર્થકરો શાંતિના પરમ ઉપાય તરીકે વર્ણવે છે. આ શાંતિના દિવ્ય સ્વરૂપને પરમાત્મ મુખે સાંભળીને સાધક ધન્યતાનો અનુભવ કરે છે અને પરમાત્મા દ્વારા સંસારસાગર પાર કરવાનો માર્ગ પામી પોતાની ધન્યતા વર્ણવતાં કહે છે;
અહો ! અહો! હું મુજને કહું નમો મુજ નમો મુજ રે.
અમીત ફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.” આવા અપૂર્વ-ઐશ્વર્યવંત ફળના દાનથી સાધક પોતાની અંદર રહેલી પ્રભુતાને ઓળખનાર બન્યો છે. આ પ્રભુતાનાં દર્શનથી ધન્ય થયેલ સાધક પોતાની અંદર રહેલ પરમ તત્ત્વને નમસ્કાર કરે છે.
આ શાસ્ત્રાભ્યાસ, સદ્ગુરુયોગ, ઉત્તમ આચાર અને તેના પરિણામરૂપે સર્વત્ર સમભાવ રૂપ શાંતિનું સ્વરૂપ આ સ્તવનમાં કવિએ સંક્ષેપથી વર્ણવ્યું છે, તેને અન્ય શાસ્ત્રોમાં વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યું છે.
૨૦૨ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org