Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ચોવીશીના અંતિમ સ્તવનમાં પ્રભુ ગુણ માટેની ઝંખના અને ભક્તહૃદયનું આર્જવ અપૂર્વ રીતે પ્રગટ્યા છે,
તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે! દાસ અવગુણભર્યો જાણી પોતાતણો, ધ્યાનિધિ દીન પર દયા કીજે.”
(૨૪, ૧). પરમ વિદ્વાન કવિ પણ પરમાત્માના ચરણોમાં હૃદયપૂર્વક પોતાના દોષોની માફી માગે છે, અને પરમાત્માની કૃપાયાચના ઇચ્છે છે, જે એમના હૃદયની સરળતા અને પરમાત્મા પ્રત્યેના અપૂર્વ આદરને પ્રગટ કરે છે.
કવિ કહે છે કે, પરમાત્માના અપૂર્વ ગુણોનું નિમિત્ત પામી, મારો આત્મા જો શુદ્ધ નહિ થાય તો ક્યારે થશે ? ભક્ત પરમાત્માના ગુણોની સાચી ઓળખ પામે, તો તેનું દર્શન શુદ્ધ થાય છે, અને શુદ્ધ દર્શન અનુક્રમે જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યમાં ઉલ્લાસ પ્રેરી મુક્તિમાં લઈ જવા સમર્થ છે.
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિસન શુદ્ધતા પામે. જ્ઞાન, ચારિત્ર, તપ, વિર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિધામે. જગતવત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુચરણને સરણ વાસ્યો તારજો બાપજી બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે ન જોશો.
(૨૪, ૬) હે મહાવીર સ્વામી જગત પર વાત્સલ્યભાવ ધરાવનારા જાણી આપના ચરણનું મેં શરણ રહ્યું છે. હવે તમારા તારકના બિરુદને સાચવવા માટે પણ મારી સેવાની ઊણપ જોયા વિના તારજો. અંતે આ વિનંતીનો સ્વીકાર થતાં સેવકની વિમળતાનો પ્રકાશ ફેલાશે એમ સૂચવી ચોવીશી પૂર્ણ થાય છે.
ચોવીશીના પ્રારંભે કવિએ પ્રભુ પ્રત્યેની વિશુદ્ધ પ્રીતિના માર્ગ વિષે જિજ્ઞાસા દર્શાવી હતી, તે ક્રમશ: અનેક સ્તવનોમાં પરમાત્માના વિવિધ ગુણોના વર્ણન દ્વારા વિશુદ્ધ પ્રીતિનો માર્ગ કવિએ દર્શાવ્યો છે. એ સાથે જ આત્મા નિશ્ચયનયની દૃષ્ટિએ નિર્મળ છે, છતાં પરમાત્મારૂપ નિમિત્તને ગ્રહણ કર્યા વિના પોતાની શુદ્ધતા પ્રગટાવી શકતો નથી, સાધકને સંસારસાગરથી પાર ઉતારવાની પરમાત્મામાં તારક શક્તિ રહેલી છે એ દાર્શનિક ચર્ચા અનેક સ્તવનોમાં કરવામાં આવી છે, અને અંતિમ સ્તવનમાં પરમાત્માના તારક ગુણને અનુલક્ષી હૃદયની પ્રાર્થના કરવામાં આવી છે.
કવિએ કળશમાં ઉપસંહારરૂપે ચોવીસ તીર્થંકરોના ૧૪૫ર ગણધરોને નમસ્કાર કર્યા છે, તેમજ ચતુર્વિધ સંઘનું સ્મરણ કર્યું છે. ધર્મ-આરાધના વડે સકળ કર્મોને ક્ષય કરવાનો માર્ગ દર્શાવ્યો છે. આ સાથે પોતાની ગુરુપરંપરા રાજસાગર ઉપાધ્યાયના શિષ્ય જ્ઞાનધર્મ પાઠક અને તેમના શિષ્ય દીપચંદ્રજી પાઠકનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
દેવચંદ્રજીએ ભક્તિતત્ત્વને સ્થાપવા માટે જેમ અનેક દાર્શનિક ચર્ચાઓ કરી છે, તેમ સર્વ દર્શનોના પરમ ધ્યેય એવા આત્મસ્વરૂપનું સુચારુ રીતે વર્ણન કર્યું છે. જે દેવચંદ્રજીની અનુભૂતિના ગહન સ્તરમાંથી પ્રગટ થતું અનુભવાય છે, તેમ જ અનુભૂતિ સભર લેખનને લીધે આ ચોવીશીને આધ્યાત્મિક સ્પર્શ ૨૧૬ ૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org