Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અર્થાત્ જગતમાં સાચું પુરુષત્વ કેવળ આપનું જ છે. કવિએ અંતિમ પંક્તિમાં મનોહર વર્ણાનુપ્રાસ અલંકાર દ્વારા પોતાની આશા અભિવ્યક્ત કરી છે.
“તે જન જીવે રે જિનજી જાણજો, આનંદઘન મત અંબ.' ત્રીજા સ્તવનમાં કવિ પરમાત્માની સેવાનું રહસ્ય દર્શાવે છે. કવિએ સેવાની પ્રથમ ભૂમિકા માટે ત્રણ ગુણો આવશ્યક ગણ્યા છે. ‘અભય, અદ્વેષ, અખેદ' કારણ કે, ભય, દ્વેષ અને ખેદ સાધકને સેવામાં આગળ વધવા દેતા નથી. કવિ ભયની વ્યાખ્યા કરતાં તેને ચિત્તની ચંચળતા, વિચારોની અસ્થિરતા તરીકે ઓળખાવે છે. પરમાત્માની સેવા-ઉપાસના કરનારનું મન અસ્થિર હોય તો યોગ્ય ફળની પ્રાપ્તિ થતી નથી. એ જ રીતે દ્વેષ એટલે “અરોચક ભાવ. સેવામાં રુચિ ન હોય તો પણ સેવા સફળ થતી નથી. પરમાત્મા અને તેની ઉપાસનામાં ઉત્કટ રુચિ હોવી જોઈએ. કેટલાક ઉપાસકો રુચિવાળા હોય છે, પરંતુ થોડો સમય ઉપાસના કર્યા બાદ કંટાળતા હોય છે આવો ખેદ નામનો દોષ પણ ન હોવો જોઈએ. આમ, અભય, અદ્વેષ અને અખેદ ગુણો વડે પ્રથમ ભૂમિકા સ્થિર થયા બાદ જ સાધક સાધનામાર્ગમાં આગળ વધી શકે છે. આ ગુણોની પ્રાપ્તિના સાધનોનો નિર્દેશ કરતાં કવિ ચરમ પુદ્ગલ પરાવર્તન અને વ્યવસ્થિતિપરિપાકનો ઉલ્લેખ કરે છે, તેમ જ પાપનો નાશ કરનારા સાધુ ભગવંતોનો પરિચય અને ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથોના શ્રવણ, મનનનો મહિમા કરે છે. - કવિએ પ્રથમ કડીમાં “અભય, અદ્વેષ, અખેદ એમ કહી વર્ણાનુપ્રાસ અલંકાર તો સાચવ્યો જ છે, સાથે જ ક્રમશઃ ચઢતા ક્રમની વર્ણસંકલનાના આયોજન દ્વારા સાધનાની ઉન્નત ગતિનું પણ સૂચન કર્યું છે. કવિ પરમાત્મા માટે એક વિશેષણ પ્રયોજે છે “આનંદઘન રસરૂપ’ એમાં પરમાત્મા પ્રત્યે કવિના હૃદયમાં રહેલું અપૂર્વ આકર્ષણ અને ભાવની ભીનાશ અભિવ્યક્ત થાય છે.
ચોથા સ્તવનમાં પરમાત્મદર્શનની દુર્લભતા વર્ણવી છે. ત્રીજા સ્તવનમાં કવિએ સેવાની દુર્લભતા વર્ણવી હતી, આ સ્તવનમાં એ પરમાત્માનું દર્શન પણ કેવું દુર્લભ છે, તે વર્ણવે છે. કવિએ દર્શન શબ્દ દ્વારા સમ્યગુદર્શનનો મહિમા કર્યો છે. જૈનધર્મને ઉપાસનારા વિવિધ ગચ્છો, સંપ્રદાયો આદિ પણ પોતાનો જ મત સાચો છે એવો દઢાગ્રહ સેવે છે. પરંતુ સામાન્ય મનુષ્યો માટે પરમાત્માનું દર્શન દુર્લભ છે. જેની આંતરદૃષ્ટિ ઊઘડી નથી અને વધારામાં મતાગ્રહોથી કુંઠિત થયેલા છે તે લોકો પરમાત્માનું દર્શન પામતા નથી. કવિ આ માટે એક સુંદર ઉપમા પ્રયોજે છે; મદમેં ઘેર્યો અંધો કિમ કરે, રવિ શશિ રૂપ વિલેખ.
(૪, ૨) પરમાત્મદર્શન પામવા માટે નયવાદની સમજણ જોઈએ, પરંતુ તે અતિશય કઠિન છે. આગમો દ્વારા પણ સમ્યગુદર્શનની સમજણ પ્રાપ્ત થઈ શકે, પરંતુ આગમનને સમજાવનાર કોઈ ગુરુ નથી. પરમાત્મા અને સાધકની વચ્ચે ઘાતિકર્મરૂપ પર્વતો આડા આવે છે. જગતના સામાન્ય મનુષ્યો આ દિવ્ય તૃષાને સમજી શકતા નથી અને સાધકની દશા રણમાં તરસ્યા ભટકતા રોઝ જેવી થાય છે. સાધકને ઇચ્છા તો છે સમ્યગુદર્શનરૂપ અમૃત પાનની, પરંતુ તેને ભાગ્યે એકાંતદર્શનરૂપ વિષપાન જ તેની સમક્ષ આવે છે. એટલે
-
- જ્ઞાનપ્રધાન ચોવીશી ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org