Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દસમા સ્તવનમાં કવિ પરમાત્માની ભાવપૂજારૂપે પરમાત્માના બહુપરિમાણી ગુણોની ઓળખાણ આપી સ્તવના કરે છે. એક અર્થમાં આ સ્તવન જૈનદર્શનની સ્યાદ્વાદ શૈલીએ ૫રમાત્માના ગુણોને ઓળખાવે છે. પરમાત્મામાં સર્વજનોનું કલ્યાણ કરવા રૂપ કરુણા છે, તો કર્મસમૂહને નષ્ટ કરવાની તીક્ષ્ણતા છે અને સમગ્ર સંસારથી અલિપ્તતાનો ભાવ ધારણ કરતી ઉદાસીનતા છે.
કવિ આ ગુણો વર્ણવતાં કહે છે;
શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે. કરુણા કોમળતા તીક્ષ્ણતા, ઉદાસીનતા સોહે રે.’
કવિએ ‘લલિત ત્રિભંગી’ શબ્દ પ્રયોજી અને તેનો વિવિધ ભંગી' સાથે મનોહર યમક અલંકાર દ્વારા આ ચિંતનપ્રધાન કાવ્યનો ભાવસભર-મનમોહક પ્રારંભ કર્યો છે. કવિએ ૫રમાત્માની યોગી, ભોગી, ન યોગીન ભોગી, નિગ્રંથતા, ત્રિભુવનપ્રભુતા, ન નિગ્રંથતા – ન ત્રિભુવનપ્રભુતા જેવી ગુણોની ત્રિભંગીઓ આલેખી છે. આ સર્વને સમજવા જૈન દર્શનના વિશેષ પરિચયની આવશ્યકતા રહે છે. સમજાતાં આ ચિંતનપ્રધાન કાવ્યનું મનોહ૨ અર્થગાંભીર્ય અનુભવાય છે. બ. ક. ઠાકોરે જેને ‘નારિકેલ પાક’ જેવી સમજવામાં અઘરી પણ સમજાયા બાદ અનેક અર્થો વડે મનોહર એવી વિચારપ્રધાન કવિતા કહેલ તેનું આ ઉદાહરણ ગણી
શકાય.
અગિયારમા સ્તવનમાં કવિ અધ્યાત્મના વિવિધ રૂપો (નિક્ષેપ)નો પરિચય આપે છે. કવિ નામધારી અધ્યાત્મસાધકો, દેખાવ કરનારા દ્રવ્ય સાધકો અને ‘અધ્યાત્મ’ એવી કેવળ સ્થાપના કરનાર સર્વને છોડી . ‘ભાવ-અધ્યાત્મ’નો મહિમા કરે છે.
બારમા વાસુપૂજ્યસ્વામી સ્તવનમાં શુદ્ધ ચેતનને બરાબર ઓળખી પુદ્દગલો સાથેના ક્ષણિક સંબંધો છોડવાનું જણાવે છે. આત્માના વાસ્તવિક સ્વરૂપને યથાર્થપણે વળગી રહેવાથી જ આત્માનંદ માણી શકાય છે. જે યથાર્થપણે આત્મજ્ઞાની છે, તે જ ભાવ-શ્રમણ છે, બીજા શ્રમણ વેશને ધારણ કરનારા દ્રવ્યલિંગી છે. આમ કહેવા દ્વારા કવિ આત્મજ્ઞાનની મહત્તા કરે છે. કવિએ સૂત્રાત્મક રીતે શ્રમણની વ્યાખ્યા કરી છે; આતમજ્ઞાની તે શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે.’
આવાં ટંકશાળી વચનોને કારણે જ જ્ઞાનસારજી આનંદઘનજીના સ્તવનોને નગદ સુવર્ણ જેવાં ગણાવે છે. ૧૩મા સ્તવનમાં હૃદયના ભક્તિભાવની ઉત્ક્રુત સરવાણીઓ વહે છે. જ્ઞાનસારજીએ બાલાવબોધના પ્રસ્તાવનાના દુહાઓમાં આ સ્તવનોને ‘રસકૂપ’ તરીકે ઓળખાવ્યા છે, પરંતુ આ ૧૩મું સ્તવન વાંચતાં તો આ સ્તવન જાણે રસનો અપૂર્વ ધોધ હોય તેવો અનુભવ થાય છે.
કાવ્યનો પ્રારંભ જ હૃદયના ભક્તિરસની અપૂર્વ અભિવ્યક્તિ સાથે થાય છે.
દર્શન માટે તડપતો સાધક પરમાત્માનાં દર્શન થતાં જ આનંદથી ગદ્ગદ વાણીએ ઉચ્ચારે છે;
દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ.
ધીંગ ધણી માથે કીયા રે, કુણ નરગંજે ખેટ.
વિમલ જિન, દીઠા લોયણ આજ, મારા સિદ્ધયા વાંછિત કાજ.
(૧૩, ૧)
૧૯૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org