Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આનંદઘનજી કૃત સ્તવનચોવીશી
આનંદઘનજી એ મધ્યકાલીન જૈનસાહિત્યનું એક અતિશય ગૌરવવંતું નામ છે. તેમના જીવન વિશે વિશેષ પરિચય પ્રાપ્ત થતો નથી. તેમનું મૂળ નામ લાભાનંદ હતું અને મોટે ભાગે તેમણે તપાગચ્છમાં દીક્ષા ધારણ કરી હતી. તેમના વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. તેમાંની એક – સમય થતાં આનંદઘનજીએ વ્યાખ્યાન ચાલુ કર્યું, ગામના શેઠ મોડા આવ્યા, અને આનંદઘનજીને કહેવા લાગ્યા કે, મારા આવવા પૂર્વે વ્યાખ્યાન કેમ ચાલુ કર્યું ? હું તમને નિયમિત અન્ન-વસ્ત્ર આપું છું અને મારી જ રાહ ન જોઈ? ત્યારે આનંદઘનજી કેવળ એક વસ્ત્ર રાખી અન્ય સર્વ વસ્ત્રો, ઉપાધિ આદિનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યા ગયા. આ કથા ખૂબ પ્રચલિત છે, પરંતુ તેને કોઈ આધાર નથી. સંભવ છે કે, આનંદઘનજીની કૃતિઓમાં પ્રગટ થતા પરમ નિઃસ્પૃહ વ્યક્તિત્વથી પ્રેરિત થઈ આ અને આ પ્રકારની અન્ય દંતકથાઓ પ્રચલિત થઈ હોય.
કવિની કૃતિઓનો અભ્યાસ કરતાં, એટલું નિશ્ચિતપણે જાણી શકાય છે કે કવિ જૈન દર્શન અને અન્ય દર્શનોના ઊંડા અભ્યાસી હતા, તેમ જ નિર્ગુણ સંતપરંપરા સાથે તેમનું અનુસંધાન હતું. કવિની બાનીમાં પ્રગટ થતો પરમાત્મપ્રાપ્તિ માટેનો ઉચ્ચતર કક્ષાનો નિશ્ચયનય ગર્ભિત આધ્યાત્મિક વિચાર કેટલાક કેવળ વ્યવહારનયપ્રધાન સાધુઓ – શ્રાવકો સમજી ન શકવાથી આનંદઘનજીમાં દોષોનું પણ દર્શન કરતા હશે. પરંતુ યશોવિજયજી જેવા ગુણરૂપ વિદ્વાન પુરુષોએ આનંદઘનજી સાથેના મિલન સમયે આનંદઘનજીની સ્તુતિરૂપ ‘આનંદઘન – અષ્ટપદી' રચી છે. આ અષ્ટપદીમાં આનંદઘનજીની આધ્યાત્મિક ઊંચાઈનો અને યશોવિજયજીના હૃદયમાં રહેલ આનંદઘનજી પ્રત્યેના ભાવભીના આદરની અભિવ્યક્તિ થઈ છે. યશોવિજયજીએ આનંદઘનજીનાં બાવીસ સ્તવનો પર વિવરણ લખ્યું હતું, જે આપણા દુર્ભાગ્યે આજે ઉપલબ્ધ નથી.
આનંદઘનજીનો વિહાર મુખ્યત્વે મેડતા આસપાસ રહ્યો હતો અને આજે પણ મેડતામાં ‘આનંદઘનજીનો ઉપાશ્રય' નામે એક ઉપાશ્રય પ્રસિદ્ધ છે. કવિનો સ્વર્ગવાસ પણ મેડતામાં થયો હોવાની સંભાવના છે.
કવિની રચનાઓમાં પદો અને સ્તવનો અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કારણ તેમાં આનંદઘનજીએ જૈન તત્ત્વજ્ઞાનનો અર્ક પ્રગટ કર્યો છે. એમની રચનાઓના અપૂર્વ તાત્ત્વિક મૂલ્યથી પ્રેરાઈને તેના રહસ્યમય ૧૨. ભક્તિરસઝરણાં ભાગ-૧ સે. અભયસાગરજી પૃ. ૧થી ૨૭ ૧૯૨૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org