Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભક્તિપ્રધાન ચોવીશી (૨)
(સં. ૧૮૫૦થી સં. ૧૯૨૫) સમગ્ર મધ્યકાળમાં ભારતવર્ષમાં પ્રસરેલા ભક્તિના વ્યાપક આંદોલનના પ્રભાવ હેઠળ અનેક સંત સર્જકો ભક્તિસભર પદોની રચના કરવા પ્રેરાયા. સગુણ ભક્તિધારામાં શ્રીકૃષ્ણ, રામ જેવાં સ્વરૂપોનાં ભક્તિગાન વિશેષ મહત્ત્વનાં બન્યાં, તો નિર્ગુણ ભક્તિધારામાં અખાજી, પ્રીતમ, ધીરા ભગત જેવા કવિઓ દ્વારા બ્રહ્મની ઉપાસના કેન્દ્રમાં રહી.
જૈન પરંપરાના સંદર્ભે સગુણ-નિર્ગુણ જેવા સ્પષ્ટ ભેદો કરવા મુશ્કેલ છે. એમ છતાં યશોવિજયજી, આનંદવર્ધનજી, સમયસુંદરજી જેવા ભક્તિયોગને પ્રધાન ગણનારા કવિઓ પોતાની રચનામાં તીર્થકરોના ગુણવૈભવ પ્રત્યેનો આદર અને એમાંથી જન્મેલી ભક્તિને સવિશેષપણે આલેખે છે. આનંદઘનજી, દેવચંદ્રજી જેવા સર્જકો પોતાની રચનામાં પરમાત્મસ્વરૂપ નિમિત્તે આત્મામાં રહેલા પરમબ્રહ્મ સ્વરૂપની ઓળખાણ-પિછાન કરાવે છે, એ અર્થમાં તેમનું નિર્ગુણ પરંપરા સાથે અનુસંધાન રહ્યું છે. તેમને નિર્ગુણ-પરંપરાના કુળ-ગોત્રના ગણી શકાય.
યશોવિજયજી, આનંદઘનજી જેવા સમર્થ સર્જકોના પ્રભાવ તેમ જ સમગ્ર મધ્યકાળની ભક્તિપ્રધાન પરિપાટીથી પ્રેરિત થઈ ઉત્તરવર્તી કાળમાં પણ અનેક સર્જકોએ ચોવીશીનું સર્જન કર્યું છે. આમાંની અનેક ચોવીશીઓ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ હશે, કેટલીક ચોવીશીઓ હજી ભંડારોમાં હસ્તપ્રતરૂપે સચવાયેલી હશે, તેમ છતાં આજે અનેક ચોવીશીઓ પ્રકાશિત ઉપલબ્ધ થાય છે. તે ઉપલબ્ધ ચોવીશીઓમાં પોતાના ઉપાલંભસભર વક્તવ્યને કારણે અનોખા વળાંકવાળા લાલિત્યસભર કાવ્યતત્ત્વથી વિશિષ્ટ મુદ્રા ધરાવનાર મોહનવિજયજી લટકાળા)ની ચોવીશી અત્યંત નોંધપાત્ર છે. તે જ રીતે સંસ્કૃત કાવ્ય પરંપરાની વિદ્વત્તા અને કાવ્યરીતિના સંસ્કારથી સભર હંસરત્નજીની ચોવીશીરચના સર્જકતાસભર કાવ્યબાનીના વિનિયોગને કારણે ધ્યાનપાત્ર છે.
ન્યાયાગરજીની ચોવીશીરચના તીર્થકર દેહ પર સુશોભિત લાંછનના રહસ્યને અલંકારમય છટાઓમાં પ્રસ્તુત કરે છે. પ્રસિદ્ધ રાસકવિ ઉદયરત્નજીની ચોવીશીમાં આલેખાયેલું શ્રદ્ધાનું સરળ-મનોહર ચિત્ર આકર્ષક છે એ જ રીતે કનકવિજયજી, રામવિજયજી (પ્રથમ) અને જગજીવનજીની ચોવીશીરચનાઓ લોકોક્તિઓના વિનિયોગ તેમ જ પ્રસન્ન માધુર્યસભર અભિવ્યક્તિને કારણે નોંધપાત્ર બને છે.
ભક્તિપ્રધાન ચોવીશી સર્જનની આ પરંપરા વિક્રમના ૨૦મા અને ૨૧મા શતકમાં પણ વિસ્તરતી રહી છે. વિક્રમના ૨૦માં અને ૨૧મા શતકના ચોવીશી સાહિત્યનો સંક્ષિપ્ત નિર્દેશ પ્રકરણ-રમાં કરવામાં આવ્યો છે.
- ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org