Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સમ્યક્ત્વરત્ન ભેટ આપ્યું.
અરજ સુણી કરી રે, સુપ્રસન્ન થઈ હવે સ્વામી એક ગુણ આપીઓ રે, નિર્મલ તત્ત્વશ્રદ્ધાન.'
(૯, ૧૪, ૫)
અને આ નિર્મળ તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યક્ત્વરત્ન પ્રાપ્ત થતાં જ સાધકનું ભવોભવનું દારિત્ર્ય દૂર થયું. શક્તિ સ્વભાવથી રે, નાઠા દુશ્મન દૂર વાંછિત નીપજ્યા રે, ઈમ કહે જ્ઞાનવિમલસૂરિ.’
(૬, ૧૪, ૫)
એટલું જ નહિ, સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં આત્માનો શુદ્ધ-શક્તિયુક્ત સ્વભાવ પ્રગટ થયો અને એ શક્તિમય સ્વભાવને લીધે સૌ આંતરશત્રુઓ હાર પામ્યા અને પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિરૂપ વાંછિત પૂર્ણ થયા.
જ્ઞાનવિમલસૂરિ ઉત્તમ ભક્ત અને કવિ તરીકે સુપ્રસિદ્ધ છે, તે જ રીતે તેઓ એક જ્ઞાનીપુરુષ અને ધ્યાનયોગી સાધક પણ છે, તેની પ્રતીતિ પણ આ સ્તવનોમાં અનુભવાયા વિના રહેતી નથી. પરમાત્માને પામવાના ઉપાય તરીકે ધ્યાન-યોગને દર્શાવતાં કહે છે,
જીહો ! અકળ સ્વરૂપ છે તાહરું, હો કીમહિ ન કહ્યું જાય. હો ! ધ્યાયક ભેદ થકી લહે, તુમો સહજ સ્વભાવ. હો ! ધ્યાનાદિક હેતે કરી, હો પ્રગટે એકી ભાવ.'
(૬, ૧૭, ૮-૯)
પરમાત્માનું અકળ સ્વરૂપ બુદ્ધિ દ્વારા કોઈ રીતે કળી શકાતું નથી, પરંતુ તમારું ધ્યાન કરનાર સાધક હોઈ અપૂર્વ રહસ્ય વડે તમારા સહજ સ્વભાવને પામે છે. પરમાત્મધ્યાનમાં સાધકના ૨સ-ઉત્સાહથી ૫૨માત્મા સાથે એકીકરણ ભાવ પ્રગટે છે.
તેમજ પરમાત્માના ધ્યાન વડે કેવી આત્મતત્ત્વમાં નિર્મળતા-એકાકારતા પ્રગટી છે તે વર્ણવતાં કહે છે,
શુદ્ધ અનિદાન તુઝ ધ્યાન ગુણ જ્ઞાનથી, મુજ ઉપાદાન પ્રભુતા પ્રકાશી. વિકટ મિથ્યાત્વની ભાંતિ નિકટે નહિ,
દૂર રહી લૌલ્યતા દીન-દાસી..
(૬, ૨૩, ૨)
તારા ગુણોના શુદ્ધ સાંસારિક ઇચ્છા વિનાના ધ્યાનથી મારા ઉપાદાન (આત્મતત્ત્વ)ની પ્રભુતા પ્રગટ થઈ. ભયાનક એવું મિથ્યાત્વ સંપૂર્ણ દૂર થયું. લોભભાવ અને દીનતા આદિ સૌ દોષો ચાલ્યા ગયા.
આમ, જ્ઞાનવિમલસૂરિમાં જ્ઞાન-ભક્તિ અને કાવ્યત્વ ત્રણેનો અપૂર્વ સુમેળ જોવા મળે છે. આ બંને ચોવીશીમાંનાં કેટલાંક સ્તવનો સ્વતંત્ર કાવ્યરૂપે પણ મહત્ત્વની સિદ્ધિઓ દર્શાવે છે. આમ, આ બંને ચોવીશીઓ ચોવીશીની સ્વરૂપમાં ધ્યાનપાત્ર બની રહે છે.
Jain Education International
૧૨૬ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org