Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૪
મોટો કાળો નાગ ત્યાં આવીને મનુષ્યભાષા બોલવા દ્વારા તેને કહે છે કે હે બાળા ! હું ભયથી ભ્રાન્ત છું. મારી પાછળ ગારુડિક લોકો આવે છે. મને પકડીને બાંધી જશે. તું મારી પ્રાણરક્ષા કર. તારા વસ્ત્રના ભાગમાં મને લપેટી લે. મારું વચન જલ્દી સ્વીકાર. અન્યથા મારું અકલ્યાણ જ થશે. સર્પનાં આવાં વચનો સાંભળી ભયથી આકુળવ્યાકુળ તથા શરીરથી કંપતી એવી પણ તે બાળાએ દયાળુપણાના કારણે વસ્ત્રના એક ભાગને વિસ્તૃત કર્યો. સર્પ તેમાં લપેટાયો. તેણીએ વસ્ત્રને સંકેલીને તેને ખોળામાં રાખીને જ્યાં બેઠી છે ત્યાં તુરત ગારુડિકો આવ્યા. “અહીં કોઇ સર્પ આવ્યો હતો ! એમ પૂછ્યું. તે બાળાએ કહ્યું કે હું તો સૂતી હતી એટલે મને ખબર નથી. તે સાંભળીને તે ગારુડકો પરસ્પર કહેવા લાગ્યા કે, જો તેણીએ સાપ જોયો હોત તો ભયભીત થયેલી તે બાળા વહેલી ભાગી ગઇ હોત. તેથી નક્કી અહીં સર્પ આવ્યો જ નથી. ત્યારબાદ ચારે બાજુ જોઇને સર્પને નહીં જોતા તેઓ પાછા ફર્યા. એટલે તે બાળાએ વસ્ત્ર ખોલીને સર્પને કહ્યું કે હવે તમે સુખે સુખે જાઓ, તમારા વૈરીઓ આવીને ચાલ્યા ગયા. તેના સત્ત્વથી ખુશ થયેલો તે સર્પ નાગનું રૂપ સંકેલી દૈવિકદેવરૂપ ધારણ કરી બાળાને કહે છે કે તારા સાહસથી હું તારા ઉપર ખુશ થયો છું, તું વરદાન માગ. બાળા કહે છે કે જો તમે પ્રસન્ન થયા હો તો ઉત્તમવૃક્ષોની છાયાવાળો એક સુંદર બગીચો બનાવી આપો. જેથી હું સુખે ગાયોને ચરાવું.
વિદ્યુત્પ્રભાનું આવું વચન સાંભળીને દેવ મનમાં વિચારે છે કે આ બાળા કેટલી ભોળી અને સરળ સ્વભાવવાળી છે ! તેની ઇચ્છા મુજબ ગાઢ વૃક્ષોવાળો બગીચો બનાવી તે બાળાને કહે છે કે, તારી ઇચ્છા મુજબ આ બગીચો બનાવ્યો છે તે તારી સાથે રહેશે. તું ઘરે જઇશ ત્યારે તારા ઘર ઉપર છત્રની જેમ શોભશે. તને કંઇ આપત્તિ આવે તો તું મારું સ્મરણ કરજે. એમ કહીને અંતર્ધાન થયો. તે બાળા આ બગીચાનાં ઉત્તમ ફળોને ખાતી, ગાયોને ચરાવતી, રાત્રે ઘેર જઇને સૂઈ જતી એમ કેટલાક દિવસો ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org