Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૩
વિદ્યાની સાધના કરનાર વિદ્યાસાધક જેમ વિદ્યા સાધવામાં અલ્પ પણ આળસ કરતો નથી. તેમ જિનેશ્વર પરમાત્માની પૂજા-સેવા કરવામાં અને સાધુ-મહાત્માઓની સેવાભક્તિ કરવારૂપ વૈયાવચ્ચ કરવામાં થોડો પણ પ્રમાદ-આળસ કરવાં નહીં એ ત્રીજું લિંગ જાણવું. તેના ઉપર “આરામશોભા”ની કથા છે. તે આ પ્રમાણે
આ ભરતક્ષેત્રમાં બલાશય નામનું ગામ છે. તેમાં ચારે વેદોને જાણનારો “અગ્નિશર્મા' નામનો બ્રાહ્મણ વસે છે. તેને શીલગુણોપેત “અગ્નિશિખા” નામની પત્ની છે. તેઓને “વિદ્યુત્પ્રભા” નામની એક પુત્રી છે પુત્રીની ઉંમર આઠ વર્ષની થતાં તેની માતા અસાધ્યરોગના કારણે મૃત્યુ પામી, તેથી ઘરકામ કરવાની તમામ જવાબદારી નાની ઉંમરવાળી તે બાળા ઉપર આવી. ઘરનું તમામ કામકાજ પ્રભાતે કરીને ગાય આદિ ચરાવવા જાય છે. મધ્યાહ્ને ભોજન બનાવીને પોતે જમે છે અને પિતાને જમાડે છે. સાંજે ફરીથી ગાય આદિને ચરાવવા જાય છે. એમ કરતાં પરિશ્રમના કારણે થાકી જતી તે બાળા એક દિવસ પિતાને કહે છે કે હે પિતાજી ! હું ઘરકામથી બહુ જ થાકી જાઉં છું. તમે ફરીથી લગ્ન કરો. આવના૨ી મારી શોક્ય-માતા ઘરકામ કરે, તમારી પણ સારી સારસંભાળ રાખે, અને હું પણ પરિશ્રમિત ન થાઉં. પુત્રીના આગ્રહથી પિતાએ ફરીથી લગ્ન કર્યું. પરંતુ આ શોચ-માતા સુખશીલિતા હતી. ઘરનું કંઇ પણ કામકાજ કરે નહી. કેવળ મોજ શોખ અને વિષયભોગમાં જ મસ્ત હતી. તેથી પુત્રી વિદ્યુત્પ્રભાને મનમાં વધારે ચિંતા થઇ. મેં જે પિતાના સુખ માટે કર્યું તે નરકની જેમ વધુ દુઃખ આપનારું બન્યું. તેથી નક્કી સર્વે જીવો કર્મને વશ છે. પૂર્વકૃત પુણ્ય અને પાપ ભોગવ્યા વિના છુટકારો જ નથી. અન્યવ્યક્તિ તો નિમિત્ત માત્ર જ છે. આવા વિચારોવાળી તે બાળા પ્રભાતે ગાય આદિ પશુને ચારવાનું, મધ્યાહ્ને લુખ્ખું સુકું ભોજન ક૨વાનું અને સાયંકાલે ગાય આદિ ચારવાનું કામકાજ કરે છે. અને ધર્મમય પરિણામપૂર્વક દિવસો પસાર કરે છે એમ કરતાં બાર વર્ષ થયાં, એક વખત ગાયોને ચરાવતી તે બાળા સૂર્યના તાપથી અકળાઇ છતી વૃક્ષો ન હોવાથી ઘાસ ઉપર સૂતી. તે વખતે અતિશય ફુંફાડા મારતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org