Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૭ પરમાત્માનાં દર્શન કરવા જતો હતો. આ પર્વત ઉપરથી જતાં તમને જોઇને અહીં આવ્યો છું. તમારા સત્ત્વથી, જિનેશ્વરદેવની સેવાથી અને તપથી હું ખુશ થયો છું. ગગનગામિની વિદ્યા આપવાપૂર્વક હું મારી પુત્રી તમને પરણાવવા ઇચ્છું છું. વિદ્યાના બલથી તે વિદ્યાધરે જલ્દી પોતાની પુત્રીને વૈતાઢ્ય ઉપરથી લાવી. મનોહર ભક્ષ્ય ભોજન વડે મને પારણું કરાવ્યું અને પોતાની પુત્રી તથા ગગનગામિની વિદ્યા મને આપી. મારા મનમાં એવો વિચાર આવ્યો કે વહાણ દ્વારા કુસુમપુર પહોંચેલા માણસો દ્વારા મારા મૃત્યુના સમાચાર સાંભળી પિતાજી ઘણા શોકાતુર થશે એટલે હું જલ્દી જલ્દી આ વિમાન રચીને આકાશગામિની વિદ્યાથી જીવંત અહીં આવ્યો છું. તે નાગદત્તની ઋદ્ધિ-કન્યા- અને વિદ્યા જોઈને વહાણ દ્વારા આવેલ ગામવાસીઓ મનમાં પસ્તાવો કરવા લાગ્યા કે જો આ વહાણો ચલાવવા ઢંકા વગાડવા સારું અમે પર્વત ઉપર ચડ્યા હોત તો અમને આ સર્વ પ્રાપ્ત થાત. પરંતુ પુણ્ય વિના કંઈ મળતું નથી. ત્યારબાદ પિતાની આજ્ઞાથી શ્રીનાગદત્તે પોતાના ઉપાર્જના કરેલા ધનથી સર્વ મંદિરોમાં ચૈત્યપરિપાટી કરાવી. અને સુંદર અંગરચના કરાવવા પૂર્વક ધાર્મિક મહોત્સવ કર્યો. દાનાદિ વડે લોકોનું દારિત્ર્ય દૂર કર્યું. સાધુસંતોની ઉત્તમ સેવાભક્તિ કરવા દ્વારા અશનાદિ અને વસ્ત્રાદિના દાનવડે તથા શુશ્રુષા કરવા વડે પોતાના આત્માને કૃતાર્થ કર્યો. અંતે સંયમ સ્વીકારી નિર્મળ ચારિત્ર પાલી દેવલોકમાં ગયા. આ પ્રમાણે નાગદત્તશ્રેષ્ઠીની જેમ તીર્થસેવના કરવી જોઇએ. ૩૮.
(૩) ભક્તિ-જિનેશ્વર પરમાત્માની, તેમના શાસનની, તથા સાધુસાધ્વી આદિ મહાત્મા પુરુષોની હૈયાના અતિશય આદરપૂર્વક બહુ જ સેવા-ભક્તિ કરવી. જિનેશ્વર પરમાત્માની નિસાહિ-પ્રદક્ષિણા-પ્રણામ આદિ દશ ત્રિકો વગેરે વિધિ સાચવવા પૂર્વક અષ્ટપ્રકારી પૂજા આદિ કરવી. શાસનની પ્રભાવના કરવી. સાધુ-સાધ્વીજી મ.ને વસ્ત્ર-પાત્ર-આહાર-ઔષધાદિ આપવા વડે અતિશય સેવાભક્તિ કરવી. તેઓ જ આ સંસારથી તારનાર છે. એમ સમજી તેઓ ઉપર અતિશય અનુરાગ કરવો. પોતાના પ્રાણથી પણ વધુ સ્નેહ કરવો એ સમ્યકત્વનું ત્રીજું ભૂષણ છે. તેના ઉપર એક “કામિની”ની કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org