Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૮ અપમાન કરનારાઓને બાંધી લે ? આવું વચન સાંભળી બુદ્ધિજીવી લોકો હસવા લાગ્યા. પરંતુ યક્ષના પ્રભાવથી સભામંડપના થાંભલામાં કોતરેલા લાકડાના સુભટો સજીવન થઈને (તેમાં યક્ષે પ્રવેશ કરીને) રાજાની અવજ્ઞા કરનારા સર્વેને દોરડેથી મજબૂત બાંધી લીધા. સભામાં હાહાકાર મચી ગયો. અત્યન્ત ભય પામેલા તેઓ રાજાને પ્રણામ કરી, ક્ષમા માગી આ પ્રમાણે કહેવા લાગ્યા. હે રાજન્ ! ક્ષમા કરો, અમે તમારા શરણે આવ્યા છીએ. આ દુષ્ટ લાકડાના દ્વારપાલોથી અમારું રક્ષણ કરો. તેથી રાજાની આજ્ઞા માનવાથી રાજાએ મુક્ત કરાવ્યા.
એક વખત આ સિંહરાજાએ પોતે જેની ગાયો ચારતો હતો. તે સુબંધુ શ્રેષ્ઠીને રાજસભામાં બોલાવ્યો. સુબંધુએ મનમાં વિચાર્યું કે જેણે મારે ત્યાં નોકરી કરી તેને મારે નમસ્કાર કરવા પડે, આ કેમ યોગ્ય કહેવાય? તેથી ગાયોને પાછી વાળવાની લાકડી ઉપર કંબલ અને પગમાં પહેરવાનાં બે જોડાં લટકાવી. સિંહરાજાના રાજકારે ધ્વજાની જેમ લટકાવી કોઈ ન જાણે તે રીતે પોતાને ઘેર આવ્યો. સિંહરાજાને પોતાનું અપમાન લાગ્યું. તથા બીજા પણ કેટલાક લોકો “આ તો ગાયો ચારનાર ગોવાલ છે” એમ માની રાજાનું વારંવાર અપમાન કરતા. તેથી સિંહરાજાએ યક્ષનું સ્મરણ કર્યું. રાત્રિમાં યક્ષે આવીને કહ્યું કે, સવારે તમે માટીના બનાવેલા મોટા હાથી ઉપર સવારી કરી રાજમાર્ગો ઉપર ફરજો. સિંહરાજાએ કુંભારો પાસે માટીનો મોટો હાથી બનાવી. તેના ઉપર સવારી કરી રાજમાર્ગો ઉપર ફરવા નીકળ્યો. આવા પ્રકારનું લોકોને હાંસી ઉપજે એવું કૃત્ય જોઈ નગરના સર્વે લોકોની સિંહ રાજાને જોવા રાજમાર્ગો ઉપર મોટી મેદની જામી. યક્ષના પ્રભાવે નિર્જીવ એવો પણ માટીનો હાથી રાજમાર્ગો ઉપર ચાલવા લાગ્યો. અને જે જે લોકો આ સિંહરાજાની મશ્કરી કરતા હતા. અપમાન કરતા હતા. રાજાજ્ઞા માનતા ન હતા. તે સર્વેને સુંઢથી પકડી પકડીને વૃક્ષોની જેમ ભૂમિતલ ઉપર આ હાથી પછાડવા લાગ્યો. તેના મદની સુગંધથી ગામમાં રહેલા હાથી-ઘોડા ભાગવા લાગ્યા. આવું તોફાન જોઈ સર્વે લોકો સિંહરાજાને પગે પડ્યા. કાલાવાલા કરવા લાગ્યા. માટીના હાથીનો ગુસ્સો જોઈ બધા જ ભયભીત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org