Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૮
મુનિને પૂછ્યું. મુનિએ મનમાં વિચાર્યું કે જો હું ક્રૌંચ પક્ષી જવ ગળી ગયું કહીશ તો તે સુવર્ણકાર ક્રૌંચપક્ષીને મારીને તેના ઉદરમાંથી જવ કાઢશે. તેથી મૌન રહ્યા, મૌન રહેવાથી આ જ ચોર છે. મારા જવ આ મુનિએ જ લીધા છે.” એમ માનતા તે સુવર્ણકારે મેતાર્યમુનિના મસ્તકને ચામડાના વાઘર વડે એવું જોરથી બાંધ્યું કે સૂર્યના તાપથી તપવા દ્વારા મુનિને ઘણી જ વેદના થઈ. આંખો બહાર નીકળી ગઈ. શરીર દાઝવા લાગ્યું. તો પણ મેતાર્ય મુનિ ઉપશમભાવમાં લીન રહી, પોતાના પૂર્વબદ્ધ કર્મોનો ઉદય સમજી સમતાપૂર્વક ઉપસર્ગ સહવા લાગ્યા. “સ્વસ્થ અવસ્થામાં પર જીવો ઉપર દયા કોણ કરતું નથી.! અર્થાત્ બધા જ કરે છે. પરંતુ પોતાના પ્રાણ જાય છતાં જે પર જીવ ઉપર કૃપા કરે તે જ સાચા કૃપાલુ કહેવાય છે.” આવી ભાવના ભાવતાં ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પામી તે જ સમયે મૃત્યુ પામી મોક્ષે ગયા. તે જ સમયે તે સોનીના ઘરમાં કપાતા લાકડાનો એક ટુકડો ઉડીને તે ક્રૌંચ પક્ષીના ગળે વાગ્યો. તેની પીડાથી ક્રૌંચપક્ષીએ કરેલા મલોત્સર્ગમાં જવ જોઈને સુવર્ણકાર ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મુનિના ઘાતનું મનમાં ઘણું દુઃખ થયું. રાજા જાણશે તો મને શિક્ષા કરશે એવા ભયથી દીક્ષા ગ્રહણ કરી રાજાને ઘેર જઈ “ધર્મલાભ” કહી રાજાને આશિષ આપે છે. રાજા બધી વાત જાણીને કહે છે કે, ભયથી ભલે દીક્ષા લીધી. પરંતુ હવે બરાબર પાલજો. આ પ્રમાણે મેતાર્યઋષિએ જેમ આવા ઘોર ઉપસર્ગમાં ઉપશમ-સમતા રાખી. તેવો ઉપશમ એ સમ્યકત્વનું પ્રથમ લક્ષણ છે. ૪૧.
(૨) સંવેગ એટલે મોક્ષ પ્રાપ્તિ માટેની અતિશય ઈચ્છા, અને ભવ ઉપરનો વૈરાગ્ય, સમ્યગ્દષ્ટિ જીવ દેવ અને માનવના સુખને પણ દુઃખયુક્ત હોવાથી વિષમિશ્રિત અન્નની જેમ દુઃખ જ માને છે અને તેથી કેવલ એકલા સિદ્ધિસુખને જ ચાહે છે. સંસારસુખ ક્ષણભંગુર છે અને મોક્ષનું સુખ સદા શાશ્વત છે. આવું યથાર્થ જાણ્યા પછી આ જીવને સંસાર ઉપર વૈરાગ્ય થાય જ છે. આવો વૈરાગ્ય એ જ સંવેગ છે. તે સમ્યકત્વનું બીજું લક્ષણ છે. વૈરાગ્યવાસિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org