________________
૧૪૩
જ સમભાવમાં મૃત્યુ પામ્યો. મરણોત્તર કાર્ય કર્યા પછી સાગરચંદ્ર પોતાની અપરમાતા પ્રિયદર્શનાને કહ્યું કે, હે માતે ! તમારા પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કરો. હું પ્રવ્રજ્યા સ્વીકારી આત્મહિત સાધીશ. પ્રિયદર્શનાએ કહ્યું કે, તે સાગરચંદ્ર ! તારામાં અને મારા પુત્રમાં મારે કંઈ વિશેષતા નથી. તું પણ મારી બહેનનો પુત્ર તે મારો જ પુત્ર છે. માટે તું રાજ્ય કર. અને મારો પુત્ર તારો સેવક થશે. આવા ઉત્તરથી સાગરચંદ્ર રાજ્ય સ્વીકાર્યું. મંત્રીમંડલ આદિએ સાગરચંદ્રનો રાજ્યાભિષેક કર્યો.
સાગરચંદ્રરાજાની રાજ્યઋદ્ધિ અને માનસન્માન જોઈ તેની અપર માતા પ્રિયદર્શના મનમાં બળવા લાગી. મારા પુત્રને અપાતું એવું રાજ્ય મેં લીધું નહીં. પરંતુ આવી સુખસંપત્તિ શોક્યપુત્રની મારાથી જોઈ શકાતી નથી. તેથી સાગરચંદ્રને કોઈ પણ ઉપાયે મારીને મારા પુત્રને રાજ્ય મળે તેમ કરું. એક વખત સર્વ પરિવાર અને નગરજનો સાથે રાજા ઉદ્યાનમાં ગયે છતે પ્રિયદર્શનાએ ઝેરથી મિશ્રિત લાડુ બનાવી સાગરચંદ્રને પારણાર્થે ઉદ્યાનમાં એક દાસી દ્વારા મોકલ્યા. ધર્મની રુચિવાળા સાગરચંદ્ર વિચાર્યું કે મારા લઘુબંધુઓને આપ્યા વિના આવું મિષ્ટાન્નનું ઉત્તમ ભોજન મારાથી કેમ ખવાય ! એમ સમજી નાના બન્ને ભાઈઓને અર્ધા અર્ધા લાડુ આપ્યા. લાડુના સ્વાદમાં આસક્ત એવા લઘુબંધુઓએ ઉતાવળે ઉતાવળે તે લાડુ ખાવા માંડ્યા. સાગરચંદ્ર તો હજુ આ લાડુનું ભોજન શરૂ પણ કર્યું નથી. તેટલામાં લઘુબંધુઓ વિષના પ્રભાવથી ભૂમિ ઉપર પડ્યા અને મૂર્ણિત થયા. સાગરચંદ્ર તુરત મંત્ર-તંત્રના ઉપાયોથી તેઓને વિષરહિત કર્યા. પરંતુ મનમાં વિચાર્યું કે, આ અવશ્ય અપરમાતાનું જ કર્તવ્ય છે. તે કાળે હું રાજ્ય આપતો હતો છતાં ન લીધું. અને હવે આવા ઉપાય કરે છે. જો મેં આ લાડુ ખાધા હોત તો અવશ્ય હું મૃત્યુ પામી નરકમાં જ ગયો હોત. તેથી આવા દુઃખદાયી અને અનેકના શત્રુ બનવા યોગ્ય રાજય વડે મારે સર્યું. તે સાગરચંદ્ર પોતાની અપરમાતાના પુત્ર શ્રી બાલચંદ્રને રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ઘણા જ શાસ્ત્રાભ્યાસ અને તપ સહિત વિહાર કરતા ઉણીનગરીમાં આવ્યા. કે જ્યાં પોતાના નાના ભાઈ મુનિચંદ્રરાજા રાજ્ય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org