Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૬
(૨) સિદ્ધ : સર્વ કર્મોનો ક્ષય કરી શરીર વિનાના અરૂપી શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર એવા તથા મુક્તિસ્થાનને પામેલા જે આત્માઓ તે સિદ્ધ કહેવાય છે. વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ ઇત્યાદિ કોઇ કોઇ કલામાં પ્રવીણ હોય તેવા સિદ્ધ અનેક પ્રકારના કહેવાય છે. તે અહીં ન સમજવા. પરંતુ જિન-અજિન આદિ પંદર ભેદે સર્વકર્મોના ક્ષયથી થયેલા સિદ્ધ સમજવા.
(૩) ચૈત્ય : ભગવંતની પ્રતિમા, વીતરાગ પરમાત્માની ગેરહાજરીમાં તેઓની પ્રતિકૃતિ એ વીતરાગતા અને શાન્તરસની પ્રાપ્તિનું પરમસાધન હોવાથી ઉપકારી છે. પ્રતિમાના ઉપલક્ષણથી જૈન મંદિરો, જૈન તીર્થો તથા તેના સંબંધી સર્વ હકીકતોને બરાબર સાચવવી, સારસંભાળ કરવી, કાળજીપૂર્વક દેખરેખ રાખવી. તે ચૈત્ય કહેવાય છે. આ પ્રતિમા શાશ્વત-અશાશ્વત એમ બે ભેદે હોય છે. ઊર્ધ્વ-અધો અને તિńલોકમાં શાશ્વત ચૈત્યોમાં બીરાજમાન શાશ્વત પ્રતિમા છે અને શેષ અશાશ્વત પ્રતિમા છે.
(૪) સૂત્ર : પ૨માત્માની વાણી સાંભળીને ભવ્ય જીવોના ઉપકાર માટે ગણધર ભગવંતો જે શાસ્ત્રરચના કરે છે તે સૂત્ર, તથા તેના વિવેચન રૂપે પછીના આચાર્યો જે ગ્રંથ બનાવે છે તે પણ સૂત્ર. જેમ કે, દ્વાદશાંગી, ૪૫ આગમો તથા તેના વિવેચનાત્મક રચાયેલા તત્ત્વાર્થસૂત્ર આદિ અનેક જૈન શાસ્ત્રો.
(૫) ધર્મ : ક્ષમા આદિ દશવિધ યતિધર્મ (દશ લક્ષણ) તે ધર્મ કહેવાય છે. આ ધર્મ જ કષાયો અને વિષયોનો ત્યાગ કરાવનાર છે. (૧) ક્ષમા-ક્રોધનો ત્યાગ, (૨) માર્દવતા=માનનો ત્યાગ, (૩) આર્જવતા=માયાનો ત્યાગ, (૪) મુક્તિ=નિર્લોભતા, (૫) તપ=છ બાહ્ય અને છ અત્યંતર તપ, (૬) સંયમ=સત્તર ભેદે સંયમ, (૭) સત્ય–સાચું, પ્રામાણિક-યથાર્થ જીવન, (૮) શૌચદ્રવ્ય અને ભાવથી નિર્મળતા, (૯) આર્કિચન્ય= અપરિગ્રહતા, (૧૦) બ્રહ્મચર્ય=શીયળાદિ સંસ્કારો-ગુણીયલ જીવન, આ દશ પ્રકારનો ધર્મ આત્માને વિષય-કષાયની વાસનાથી મુકાવનાર છે. શુદ્ધ સ્વરૂપ તરફ લઇ જનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org