Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
22
આ ભરતક્ષેત્રની અંદર ગુજરાત દેશમાં “ભરૂચ” નામની નગરી છે. ત્યાં જૈનશાસનના વિદ્વાન આચાર્ય શ્રી જિનાનંદસૂરિજી હતા. તે જ ગામમાં બૌદ્ધવિદ્વાન્ શ્રી વૃદ્ધાનંદ નામના બૌદ્ધભિક્ષુક હતા. રાજ્યસભામાં બન્નેનો વાદ ગોઠવાયો. એવી શરત નક્કી કરવામાં આવી કે જે જીતે તે જ આ ભરૂચમાં રહી શકે, જે હારે તેણે આ ગામ છોડી દેવું. દૈવવશાત્ બૌદ્ધભિક્ષુકનો વિજય થયો. તેથી સંધસહિત જિનાનંદસૂરિજી ત્યાંથી નીકળી વલ્લભીપુરમાં આવ્યા. આ માઠા પ્રસંગથી સૂરિજી મનમાં દુભાયેલા હતા. વલ્લભીપુરમાં આચાર્યશ્રીની નાનીબહેન દુર્લભદેવી રહેતાં હતાં, તેમને ત્રણ પુત્રો હતા (૧) અજિતયશ, (૨) યક્ષ અને (૩) મલ્લ એવાં તેઓનાં નામો હતાં. આ ત્રણે પુત્રો સાથે દુર્લભદેવીએ દીક્ષા સ્વીકારી. સાધ્વીજીશ્રી બહુ બુદ્ધિશાળી હતાં. વિનયપૂર્વક વિદ્યાભ્યાસ કરતાં કરતાં શાસ્ત્રોનાં સારાં જ્ઞાતા થયાં. સંઘે ગુરુજીની સમ્મતિ લઈ પુસ્તકોના ભંડારનું સંરક્ષણ કામકાજ સાધ્વીજીને સોંપ્યું. આચાર્યશ્રીના ત્રણે ભાણેજો પણ ગુરુજી પાસે જૈનશાસ્ત્રોના સારા પારગામી બન્યા. સઘળી વિદ્યાઓ પણ ગુરુજીએ ભણાવી. માત્ર એક ‘“નયચક્ર” નામના પ્રમાણવિષયક ગ્રંથ વિના ઘણું જ્ઞાન આપ્યું. નયચક્ર ગ્રંથ દેવાધિષ્ઠિત હોવાથી શાસ્ત્રોક્ત વિધિ વિના ભણવાની શાસ્ત્રનીતિ ન હોવાથી આ ગ્રંથ ભંડારમાંથી કોઈને ન આપવો એવી ભલામણ દુર્લભદેવીને કરી. ત્યારબાદ લોકોના પ્રતિબોધ નિમિત્તે સૂરિજીએ વિહાર કર્યો. આ ત્રણે ભાણેજ મુનિઓ ત્યાંજ રહીને આગમશાસ્ત્રોનો વિશિષ્ઠ અભ્યાસ કરે છે. તે ત્રણમાંના છેલ્લા મલ્લમુનિ વિચારે છે કે ગુરુજીએ અમને નયચક્ર'' કેમ ન ભણાવ્યો ! તેમાં અવશ્ય કંઇક અપૂર્વ ખજાનો હશે. તેથી અવસર આવ્યો ત્યારે સાધ્વીજીની દૃષ્ટિ ચૂકવીને ભંડારમાંથી મલ્લમુનિએ તે ગ્રંથ લીધો અને વાંચવાનો પ્રારંભ કર્યો કે તુરત જ શાસનદેવીએ તે ગ્રંથ સંહરી લીધો. જેથી મલ્લમુનિને મનમાં ઘણો ખેદ થયો. ગુરુજીની આજ્ઞા વિરાધ્યાનું પણ ઘણું દુઃખ થયું. મુનિને ઉદાસ દેખી સાધ્વીજીને તથા સંઘને પણ દુ:ખ થયું. ભંડારમાંથી અલભ્ય ગ્રંથ ચાલ્યો જવાથી પશ્ચાત્તાપ પરાયણ મલ્લમુનિએ અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ ગ્રંથ પાછો ન મેળવું ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org