Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૮
वन्दणसंवरणाई किरियानिउणत्तणं तु कोसल्लं I અકૌશલ્ય નામના ભૂષણ ઉપર ઉદાયિ રાજાની કથા આ પ્રમાણે છે
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ‘‘રાજગૃહી’'નામની નગરી છે ત્યાં કોણિક છે બીજું નામ જેનું એવો (શ્રેણિકરાજાનો પુત્ર) અશોકચંદ્ર રાજા રાજ્ય કરે છે. તેને “પદ્માવતી” નામની સ્ત્રી છે સંસારસુખ વિલસતાં તે દંપતીના સુખે સુખે દિવસો જાય છે. એક વખત દેવલોકમાંથી ચ્યવીને કોઇ ઉત્તમ જીવ તે પદ્માવતીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવે રાણીને ઉત્તમ દોહલા થયા. પૂર્ણ કાળે પ્રસવ થયો. પુત્રનું મુખારવિંદ જોઇને સર્વે આનંદ પામ્યા. સર્વે સખીવૃંદ આનંદ કલ્લોલ કરતું તે બાળકને રમાડે છે. રાજા પણ અત્યન્ત પ્રસન્ન થયો છતો “ઉદાયી” એવું તેનું નામ સ્થાપિત કરે છે. સાધુ જેમ રજોહરણને ક્યાંય ત્યજે નહીં તેમ આ રાજા સ્નાન-પાન-ભોજન-નિદ્રાદિ સર્વે કાર્યોમાં આ બાળકને અતિશય સ્નેહપૂર્વક સાથે જ રાખે છે.
એક વખત આ કોણિકરાજા પોતાના બાળકને સાથે લઇને ભોજન કરે છે. અર્ધ ભોજનકાલે આ બાળકે ઘીની ધારાની જેમ ભોજનમાં મૂત્રની ધારા કરી. ધારા રોકવાથી કદાચ બાળકને રોગ થઇ જાય એવા ભયથી કોણિકે મૂત્રધારા અટકાવી નહીં. મૂત્રધારાથી યુક્ત ભોજનને દૂર કરી શેષ ભોજન જાણે રસવતી જ હોય તેમ કોણિકે શેષ ભોજન કર્યું. અહો મોહનો વિલાસ કેવો છે ? ત્યાં આવેલી કોણિકની માતા ચેલ્લણારાણીને કોણિકે કહ્યું કે, હે માતા ! આ બાલ પુત્ર ઉપર જેટલો અને જેવો સ્નેહ મને છે તેટલો અને તેવો સ્નેહ કોઇને પણ થયો નથી અને થશે પણ નહીં. તે સાંભળીને ચેલ્લણારાણી કહે છે કે, આ બાલપુત્ર વિષે તારો સ્નેહ તો શું છે ? અર્થાત્ કંઇ જ નથી. તારા ઉપર તારા પિતા (શ્રેણિક રાજા)નો જે સ્નેહ હતો તેના કરતાં કરોડમા ભાગનો પણ તારો સ્નેહ નથી. આ સાંભળીને કોણિકે માતાને પૂછ્યું કે, તે કેવી રીતે ? ચેલ્લણા રાણી કહે છે કે, તું જ્યારે મારા ગર્ભમાં હતો ત્યારે મને રાજાનાં આંતરડાં ખાવાનું મન થયું. અભયકુમારે મારો તે દોહલો બુદ્ધિધનથી પૂર્યો. પરંતુ મેં જાણ્યું કે, આ મારો પુત્ર તેના પિતાને અનર્થનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org