Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૮
ઔષધિઓથી તેના ઉપર વિલેપન કરેલું હતું. સિદ્ધસેનસૂરિએ પ્રતિસ્પર્ધી ઔષધીઓ વડે તે ઔષધિઓ દૂર કરી. પ્રભાતે સ્તંભ ચીરાયેલો જોયો. તેમાંથી એક પુસ્તક કાઢી બે પાનાં વાંચ્યાં. તેમાંથી બે વિદ્યાઓ તેઓએ જાણી. તેવામાં તે સ્તંભ પુસ્તક સાથે જ અખંડિત બની ગયો અને આકાશવાણી થઈ કે હે આચાર્ય ! તું આવી વિદ્યાઓ માટે અયોગ્ય છે. ચંચળ સ્વભાવ ત્યજી દે, અન્યથા જીવન રહેશે નહીં. તેથી તેઓ પાસે બે વિદ્યા રહી. અધિકવિદ્યા પ્રાપ્ત ન થઈ. ત્યારબાદ તેઓએ ત્યાંથી કુમારપુર નગર તરફ વિહાર કર્યો. ત્યાંના શ્રીદેવ નામના રાજાને પ્રતિબોધી જૈનધર્મી બનાવ્યો. એક વખત આ રાજાએ એકાન્તમાં સિદ્ધસેનજીને પોતાની આપત્તિ કહી કે, હે ગુરુજી! અમારા રાજ્યનો સીમાડો શત્રુ રાજાઓ લુંટી લે છે તેની ચિંતામાં હું તમારું દર્શન-વંદન-શ્રવણ કરી શક્તો નથી. આચાર્યશ્રીએ કહ્યું કે, ચિંતા ન કરીશ, બધું સારૂં થશે. ત્યારબાદ સિદ્ધસેનજીએ પાણી ભરેલી વાવડીઓમાં વિદ્યાના બળે સરસવો મંત્રીને નાંખ્યા. તેમાંથી તેજસ્વી ઘોડેસવારો નીકળ્યા. શત્રુ રાજાના તમામ સૈન્યને હત-પ્રહત કરી તે ઘોડેસવારો સ્વયં અદશ્ય થયા. તેથી આ રાજાએ તે શત્રુ રાજાઓનું સર્વસ્વ લઈ લીધું. આ રીતે શ્રીદેવ રાજાને અને સિદ્ધસેનજીને ગાઢી મૈત્રી થઈ. રાજદરબારમાં વારંવાર જવાથી, તેના સહવાસથી અને રાજકીય માનસન્માન મળવાથી સિદ્ધસેનજી તથા તેમનો શિષ્ય પરિવાર શિથિલ થયો. તેમના શિથિલાચારથી શ્રાવક-શ્રાવિકાવર્ગ પણ ઉપાશ્રયમાં જતોઆવતો બંધ થઈ ગયો. સિદ્ધસેનજી પણ શિબિકામાં આરૂઢ થઈને બિરૂદાવલી ગવરાવતા ગવરાવતા રાજ્યસભામાં જવા લાગ્યા. આવા પ્રકારની શિથિલાચારની આ વાત વૃદ્ધવાદિજીએ સાંભળી. પોતાનો પરિવાર ગીતાર્થોને ભળાવી એકલા તેઓ સિદ્ધસેનજીને પ્રતિબોધવા કુમારપુર નગર આવ્યા.
ઋદ્ધિગારવમાં આસકત થયેલા સિદ્ધસેનજીએ તેઓને ન ઓળખ્યા. વૃદ્ધવાદિજીએ હું વિદ્યાનો અર્થી છું. એમ જણાવી કંઈક વ્યાખ્યાન આપો એમ હ્યું. સિદ્ધસેનજીએ કહ્યું કે, અત્યારે અમને સમય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org