________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૧
૨૮૧ શુભભાવવાળા કહે મને વિષય-કષાય ન ખપે. અમારે વિષય-કષાય હોય નહીં. અમારે માટે ભોજન કર્યું છે તે અમે લેતા નથી. તે બધા શુભભાવવાળા છે. છે તો તે વિભાવિક ચંડાલણીનો પુત્ર, માર્ગ આવો છે ભાઈ !
બહેનના પુસ્તકમાં લખ્યું છે- અગ્નિને ઉધઈ નહીં. તેમ ભગવાન ચૈતન્યમૂર્તિમાં પુણ્ય- પાપના ભાવ ઉધઈ જેવા છે. ઉધઈ એક જીવાત છે તે પોચી અને સફેદ હોય છે. અમે ઉપવાસ આદિ કરતા હતા ને ત્યારે ૭૫ની સાલમાં બપોરના બાર વાગ્યે જંગલ જતા ત્યારે જોઈ છે. બપોરે બાર વાગ્યે ધોમ તડકો માથે અને તે ધૂળમાંથી બહાર નીકળ્યા ભેગી તડકામાં મરી ગઈ. બહુ પોચું. -પોચું શરીર હોય. તે સફેદ-સફેદ હોય. તે લાકડાં અને ધૂળમાં થાય છે.
તેમ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ છે. એ જ્ઞાયક સ્વભાવમાં પુણ્ય-પાપના ભાવનો અભાવ છે. આત્માના સ્વભાવમાં તો વીતરાગતા અને પવિત્રતા ભરી છે. આવો વીતરાગતાનો નાથ પરમાત્મા પોતે છે. તેનો આશ્રય લેવાથી જે વીતરાગતા ઉત્પન્ન થાય છે તે મોક્ષનો માર્ગ છે. શુભભાવ એ બંધનો માર્ગ છે હવે એ વાતની તકરાર ચાલે.
અરે... ભાઈ ! શુભભાવ તો બંધ છે ને! તેને તારે મોક્ષનો માર્ગ કહેવડાવવો છે. ભાઈ ! સાધારણ પ્રાણીને એ વાત ઠીક લાગશે પણ. એ માર્ગ નથી. વીતરાગી ત્રણ લોકના નાથ જિનેન્દ્ર દેવનો માર્ગ તો રાગ રહિત વીતરાગ પર્યાયથી ઉત્પન્ન થાય છે. શુદ્ધોપયોગ તે જ ધર્મ છે. શુભ અને અશુભ બન્ને અશુદ્ધ ઉપયોગ છે. બન્ને અધર્મ છે. આહાહા ! પાંચ મહાવ્રતના પરિણામ પણ અધર્મ છે. તે ધર્મ નહીં.
સંવત ૧૯૮૫ની સાલમાં સંપ્રદાયમાં હતા ત્યારે સભામાં કહ્યું હતું ને કે- સાંભળો! જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તે ભાવથી ધર્મ નહીં. ધર્મથી બંધ નહીં અને બંધના કારણથી ધર્મ નહીં. આજથી ૪૮ વર્ષ પહેલાંની વાત છે. બોટાદમાં વ્યાખ્યાનમાં મોટી સભા થાય... પંદરસો માણસ થાય. અમે વ્યાખ્યાન કરીએ ત્યારે ઉપાશ્રયમાં લોકો સમાય નહીં, પછી બહાર ગલી (શેરી) માં બેસતા. લોકોને અમારા ઉપર પ્રેમ હતો તેથી અમારું સાંભળતા ત્યારે અમારા સાધુ-ગુરુભાઈ હતા તે આ વાત સાંભળી ધ્રુજી ઉઠયા. તેઓ વો રે. વીસરે કહીને ઉભા થઈને ચાલ્યા ગયા. એમકે- આ શ્રદ્ધા માન્ય નથી. અરે! ભગવાન! તમારું કોણ માનતું હતું!! અમારી સમાજમાં પ્રતિષ્ઠા બહુ હતી ને તેથી અમારી સામું કોઈ બોલી શકે નહીં. અને અમારી વાત ઉપર કોઈને શંકા પણ ન પડે. કારણકે અમારી પ્રતિષ્ઠા એવી હતી ને! મે કહ્યું ( સાધુ ભાઈને) તમારે બેસવું હતું ને! તમારી વાત કોણ સાંભળે છે? કે તમે શું કહો છો. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહીં– એ વાત તમને રુચિ નહીં કેમ કે એને તમારે ધર્મ મનાવવો છે. તમારી મેળે તમે માનો.. પણ બહારમાં આવું શું કામ બોલો છો !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com