________________
મારે કંઇક કહેવું છે
પંચમકાળની વિષમતાને લીધે વિરોધનો વંટોળ તો સર્વ ફૂંકાતો જ હોય છે. એવો જ કંઈક વંટોળ અમારી ઉપર પણ ફૂંકાયો. થોડી ઘણી અસરો થઈ પણ દેવગુરુની કૃપાએથી એ વંટોળના વાવાઝોડામાંથી હેમખેમ પાર ઊતરી ગયા. જગજાહેર છે કે કેવો વંટોળિયો આવ્યો...
પૂ. આચાર્ય ભગવંતોએ અમને સ્વસ્થ કર્યા. અને વારંવાર શ્રુતસ્વાધ્યાયની પ્રેરણા કરતા રહ્યા. એમાં પંડિતવર્ય પૂ. વીરવિજયજી મહારાજના બનાવેલા રાસાઓ મધ્યે “મહાસતી સુરસુંદરીનો રાસ' મળી ગયો. પૂ.આ.ભગવંત શીલચંદ્રસૂરશ્વરજી મ.સા. ની પ્રેરણાથી આ રાસનો અનુવાદ તૈયાર કર્યો. આજથી પાંચ વર્ષ પહેલાં પૂ.આ.ભ.મ. દેવસૂરીશ્વરજી મ.સા. આદિ ૭ આચાર્ય ભગવંતની નિશ્રામાં શ્રી સંઘ વચ્ચે (વિમોચન રૂપે પ્રગટ કર્યો) મૂકયો છે.
તે ગ્રંથમાં કોઈક અનુભવીનો છંદ મૂકાયો હતો. જેનો અર્થ તે વેળાએ નહોતો થયો. બુધ્ધિથી ઘણું વિચારતાં, અનુભવીઓને પૂછતાં પણ અર્થ નહોતો આવડ્યો. તે તો પુસ્તક પ્રગટ પણ થઈ ગયું. ત્યારપછી કલિકુંડવાળા પૂ.આ.ભ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયના પૂ. સાધ્વીશ્રી શીલપૂર્ણાશ્રીજી મ.સા. ના શિષ્યા પૂ. સાધ્વીશ્રી વિરાગરસાશ્રીજી તથા પૂ. સાધ્વીશ્રી ધૈર્યયશાશ્રીજીનો પરિચય થયો. તેઓનો અભ્યાસ ઘણો ઉડો છે. સંશોધનમાં સહાયક છે. તેમણે આ છંદની વાત પૂછતાં તરત જ અર્થ બતાવ્યો. તો તે “મહાસતી સુરસુંદરીનો રાસ’’ પાના નં. ૨૭૫ ઉપર આ છંદ છે જેનો અર્થ અહીં રજુ કરૂ છું.
-ઃ છંદ :
રતિ તિહાં સિધ્ધ, રતિ તિહાં બુધ્ધ, રતિ તિહાં ભોગ, સંયોગ રતિકો, અંક ભવિક ત લેખ લખ્યો હરિ, પરાક્રમ તો હનુમાત જતિ કો; માંગ ગયો મહી બ્રહ્મ મહીતુલ, રાજ્ય ગયો સબ લંકપતિ કો,
બ્રહ્મ ભણે સુણ શાહ અકબર, એક રતિ વિણ એક-રતિકો. ////
અર્થ :
પુણ્યની રતિ (ઉદય) જયાં હોય, ત્યાં સિધ્ધિ, ત્યાં બુધ્ધિ, પુણ્યની રતિ ત્યાં ભોગ, ત્યાં સંયોગ, હોય છે. હરિ=લક્ષ્મણે કોઈપણ જાતનો લેખ લખ્યો ન હતો, પરંતુ હનુમાનના પરાક્રમથી જીત્યા. રાવણ બ્રહ્માંડ સુધી પૃથ્વી માંગવા ગયો તો, તેનું રાજ્ય પણ ગયું. (ન માંગ્યુ મળે, મળેલું ચાલ્યું જાય, તેવી પુણ્ય પાપની લીલા બતાવેલી લાગે છે) તેથી બ્રહ્મ કવિ કહે છે કે, સાંભળો, અકબર ! એક પુણ્યનાં અંશ (રતિ) વિના તેની કિંમત એક તિભાર (ફૂટી કોડીની) હોય છે.
૧૯૯