________________
૧૦
શંકા-સમાધાન
આથી સ્પષ્ટ અજવાળું થયા પછી જ પ્રક્ષાલપૂજા કરવાનો કાયદો સંઘમાં હોવો જોઇએ. અનિવાર્ય કારણે કોઇને વહેલી પૂજા કરવી પડે, તો તે શ્રાવક એક નાના પ્રતિમાજી એક બાજુ પધરાવી પ્રક્ષાલપૂજા વગેરે કરે, એ પણ અપવાદ રૂપ ગણાય.
સવાર-બપોર-સાંજ એમ ત્રિકાળ જિનપૂજા કરવાનો વિધિ છે. તેમાં સવારે વાસક્ષેપ પૂજા કરવી જોઇએ. બપોરે (મધ્યાહ્ન કાળે) પ્રક્ષાલપૂજા વગેરે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઇએ. સાંજે ધૂપ-દીપ પૂજા કરવી જોઇએ. આ વિધાનથી સમજી શકાય છે કે આજે અત્યંત વહેલી સવારે થતી પ્રક્ષાલપૂજા અવિધિવાળી છે.
શંકા— ૨૨. સૂર્યોદય પહેલાં પ્રભુજીનો પ્રક્ષાલ ન થાય એ કયા ગ્રંથમાં છે ? પ્રભુનો જન્માભિષેક ઇન્દ્રો રાત્રે જ કરે છે.
સમાધાન— શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોમાં જણાવેલી શ્રાવકોની દિનચર્યાના આધારે સૂર્યોદય પહેલાં પ્રક્ષાલ ન થાય એમ સમજી શકાય છે તથા પૂજા યતનાપૂર્વક કરવાની છે. પૂજા માટે સ્નાન પણ યતનાપૂર્વક કરવાનું છે. સૂર્યોદય પહેલાં યતના ન થઇ શકે. માટે સૂર્યોદય પહેલાં પ્રભુનો પ્રક્ષાલ ન થાય એમ સમજી શકાય છે. પ્રભુનો જન્માભિષેક મેરુ પર્વત ઉપર થાય છે. ત્યાં અંધકાર હોતો નથી. માટે આ દૃષ્ટાંત ન લેવાય.
શંકા- ૨૩. પ્રક્ષાલપૂજા કરતી વખતે પ્રક્ષાલપૂજાના દુહાઓ મોટેથી બોલી શકાય ?
સમાધાન– ના. પ્રક્ષાલપૂજા કરતી વખતે મોટેથી દુહા બોલવામાં ભગવાનને થુંક લાગવાનો સંભવ હોવાથી શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં પ્રક્ષાલપૂજા કરતી વખતે સ્તુતિ-સ્તોત્રો બોલવાનો નિષેધ કર્યો છે. આ દુહાથી મનમાં ભાવિત બનવાનું છે.
શંકા— ૨૪. ગભારામાં દુહા બહુ મોટેથી બોલી શકાય ? સમાધાન– ગભારામાં પૂજા કરતાં દુહા બોલવાના નથી, કિંતુ ચિંતવવાના છે. જો દુહા બોલવાના જ નથી તો મોટેથી બોલવાની વાત જ ક્યાં રહી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org