________________
શંકા-સમાધાન
૨૭
સમાધાન માત્ર અષ્ટપ્રકારી જ પૂજા છે એવું નથી. શાસ્ત્રોમાં પૂજાના પાંચ પ્રકારી, અષ્ટપ્રકારી, સત્તરપ્રકારી એમ અનેક ભેદો જણાવ્યા છે. શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં અષ્ટપ્રકારી પૂજા ઉપરાંત વિલેપન પૂજા પણ કહી છે. આથી બરાસપૂજા દ્વારા વિલેપન પૂજા કરવામાં આવે છે. આથી બરાસપૂજા અશાસ્ત્રીય નથી.
શંકા- ૭૦. અષ્ટપ્રકારી પૂજામાં જલપૂજા આવે છે, દૂધપૂજા આવતી નથી, તો પહેલાં દૂધથી પ્રક્ષાલ કેમ કરવામાં આવે છે ?
સમાધાન– ભગવાનના જન્માભિષેક વખતે દેવો ક્ષીરસમુદ્રમાંથી લાવેલા પાણીથી પ્રક્ષાલ-અભિષેક કરે છે. એ પાણી દૂધ જેવું સફેદ અને અતિશય મધુર હોય છે. મનુષ્યો એ પાણી લાવી શકે નહિ. આથી દેવોની ભક્તિના અનુકરણરૂપે જલપૂજામાં પ્રથમ દૂધથી પ્રક્ષાલ કરવામાં આવે છે.
શંકા- ૭૧. કોઈ એક ભગવાનને ગભારામાંથી લઈને અલગ એક સ્થળે પધરાવીને તે ભગવાનની જાતે અષ્ટપ્રકારી પૂજા કરી હોય. પછી ચૈત્યવંદન તે જ પ્રતિમાજી સમક્ષ કરવું કે તે પ્રતિમાજીને ગભારામાં પધરાવીને મૂળનાયક સમક્ષ કરવું ?
સમાધાન– જે પ્રતિમાજીની અષ્ટપ્રકારી પૂજા કરી હોય તે પ્રતિમાજી કે મૂળનાયક એ બંનેમાંથી કોઈ પણ એક પ્રતિમાજીની સમક્ષ ચૈત્યવંદન કરી શકાય. જે પ્રતિમાજીની અષ્ટપ્રકારી પૂજા કરી હોય, તે પ્રતિમાજીની સમક્ષ ચૈત્યવંદન કરવામાં ભાવોલ્લાસ વધારે આવતો હોય, તો તેની સમક્ષ ચૈત્યવંદન કરવું. જો મૂળનાયકની સમક્ષ ચૈત્યવંદન કરવામાં ભાવ વધારે આવતો હોય, તો મૂળનાયક સમક્ષ ચૈત્યવંદન કરવું. જો બંને સ્થળે ભાવ સરખો આવતો હોય, તો કોઈ એકની સમક્ષ ચૈત્યવંદન કરવું. જે પ્રતિમાજીની અષ્ટપ્રકારી પૂજા કરી હોય, તે પ્રતિમાજીની સમક્ષ ચૈત્યવંદન કર્યું હોય, તો પછી મૂળનાયકની સમક્ષ ચૈત્યવંદન કરવું જ પડે એવો નિયમ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org