________________
૮૪
શંકા-સમાધાન
ચાતુર્માસમાં શત્રુંજયની યાત્રા કરવા જાય તો રસ્તામાં નિગોદ વગેરે જીવોની અને વરસાદના કારણે જ ઉત્પન્ન થનારા અન્ય ત્રસ જીવોની વિરાધના થાય તથા ઓચિંતો વરસાદ આવી પડે તો અપ્લાયના જીવોની ઘણી વિરાધના થાય. એથી સંયમમાં હાનિ થાય. અહીં એ પ્રશ્ન જરૂર થઈ શકે કે આસો માસથી વરસાદ ન હોય તેથી નવા જીવોની ઉત્પત્તિ ન થાય તથા તડકો પડવાના કારણે નિગોદ વગેરે જીવો પણ ન હોય. તેથી તે વખતે સાધુ-સાધ્વીજીઓ શત્રુંજયની યાત્રા કરે તો સંયમમાં હાનિ ન આવે. આના ઉત્તરમાં જણાવવાનું કે સાધુ-સાધ્વીજીઓના જીવનમાં જેમ સંયમની પ્રધાનતા છે તેમ સ્વાધ્યાયની પણ પ્રધાનતા છે. માટે જ સાધુઓ “સદા સ્વાધ્યાય અને સંયમમાં તત્પર રહેનારા હોય” એમ મહાપુરુષોએ લખ્યું છે. સાધુઓએ સવારના પહેલા પ્રહરમાં સૂત્રનો સ્વાધ્યાય(=સૂત્ર કંઠસ્થ કરવાના) હોય છે. બીજા પ્રહરમાં અર્થનો સ્વાધ્યાય(=સૂત્રોના અર્થો સમજવાના) હોય છે. જો સાધુઓ શત્રુંજયની યાત્રા કરવા જાય તો આ રીતે સ્વાધ્યાય ન થઈ શકે. આમ ચાતુર્માસ સિવાયના કાળમાં પણ સાધુ માટે યાત્રાનું મુખ્ય લક્ષ ન હોવું જોઈએ. સાધુઓ માટે આઠમ વગેરે પર્વતિથિએ ચૈત્યપરિપાટી કરવાનું એટલે ગામનગરના અન્ય જિનમંદિરોમાં દર્શન-વંદન આદિ કરવાનું વિધાન છે. આ દષ્ટિએ સાધુઓ આઠમ વગેરે પર્વતિથિએ (ભાદરવા મહિના પછી) શત્રુંજયની યાત્રા કરવા જઈ શકે.
ધર્મ ભગવાનની આજ્ઞામાં છે. એટલે જો સાધુ-સાધ્વીજીઓ ભગવાનની ઉક્ત આજ્ઞાની ઉપેક્ષા કરીને શત્રુંજયની યાત્રા કરવા જાય તો તે યાત્રા તેમના માટે ધર્મરૂપ ન બને. ચાતુર્માસ સિવાય શેષકાળમાં પણ સાધુ-સાધ્વીજીઓના જીવનમાં સંયમ-સ્વાધ્યાયની પ્રધાનતા છે. આથી જ સાધુ-સાધ્વીજીઓને ચાહીને તીર્થયાત્રા કરવા માટે વિહાર કરવાનો નિષેધ કર્યો છે. વિહાર કરતાં કરતાં વચ્ચે તીર્થ આવી જાય તો યાત્રા કરે પણ ચાહીને તીર્થયાત્રા કરવા વિહાર ન કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org