________________
શંકા-સમાધાન
શંકા- ૧૭૫. જે બિંબોની ભારત દેશમાં પંચકલ્યાણકની ઉજવણીપૂર્વક આચાર્ય આદિના વરદહસ્તે વિધિપૂર્વક અંજનપ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ હોય, તે બિબોને વિદેશમાં લઈ જઈને ગાદીનશીન કરવાના અવસરે તે બિબોની પ્રતિષ્ઠા કરતાં પહેલાં વિદેશવાસીઓને પંચકલ્યાણકની જાણકારી આપવા ત્યાં ફરીથી પાંચે કલ્યાણકોની ઉજવણી તે તે પાત્રોની ઉછામણી બોલવાપૂર્વક કરવામાં આવેલ છે એવું જાણવામાં આવ્યું છે. તો તે ઉચિત છે ?
સમાધાન- આ જરાય ઉચિત નથી. આમાં મૃષાવાદ, આજ્ઞાભંગ અને અનવસ્થા વગેરે અનેક દોષો લાગે છે. વિદેશીઓને પંચકલ્યાણકની જાણકારી મેળવવી હોય તો ભારતમાં જયારે જે સ્થળે પંચકલ્યાણકની ઉજવણી થતી હોય ત્યારે તે સ્થળે આવીને મેળવી શકે છે. પંચકલ્યાણકનું વર્ણન સાંભળીને કે તીર્થકરોનું ચરિત્ર વાંચીને પણ મેળવી શકે છે. વિદેશીઓને પંચકલ્યાણકની જાણકારી આપવાની ઇચ્છાવાળાએ એ યાદ રાખવાની જરૂર છે કે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને મેળવેલું જ્ઞાન સફળ બનતું નથી.
શંકા- ૧૭૬. બૃહત્ક્રાંતિ આદિ મહાપૂજનમાં તેમજ માણિભદ્ર વીરની પ્રતિષ્ઠા કે સાલગિરિ આદિ નિમિત્તે વર્તમાનમાં થતા હવનાદિ અંગે કોઈ શાસ્ત્રીય વિધાન ખરું ? હવન બાદ તેની રાખ સાધુઓ ગૃહસ્થને આપી શકે ? રાખની આપ-લે કરનારને શું પ્રાયશ્ચિત્ત આવે ? રાખ લેવાથી સમકિત ટકે ?
સમાધાન- વિધિ-વિધાનના ગ્રંથોમાં હોમ-હવનનો અને હવનની રાખ આપવાનો ઉલ્લેખ જોવામાં આવે છે. આમ છતાં અહિંસાની પ્રધાનતાવાળા અને અરિહંતભક્તિની પ્રધાનતાવાળા જૈનધર્મમાં આ કેટલું યોગ્ય છે તે વિચારણીય છે. પૂ. બપ્પભટ્ટ સૂરિ મહારાજની પહેલાના વિધિ-વિધાનના ગ્રંથોમાં હોમ-હવનના વિધાનો જોવામાં આવતા નથી. વિશેષ અનુભવી અને શુદ્ધ વિધિ-વિધાન કરાવનારા એક વિધિકાર સાથે આ અંગે વિચારણા થતાં તેમનું કહેવું છે કે અહિંસાપ્રધાન જૈન ધર્મમાં હોમ-હવન યોગ્ય ગણાય નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org