________________
મંગલાચરણ
ઉચ્ચ ગુણસ્થાનની શ્રેણીએ આત્મા જેમજેમ ચડતો જાય તેમ તેમ યોગ ધારામાં શુદ્ધતા આવતી જાય છે.
"पमत्त संजयाते सुहंजोगं पड़च्च अणारंभा" .
આ વિધાન ભગવતી સૂત્રનું છે. પ્રમત્ત સંવત પણ શુભ યોગની અપેક્ષાએ અનારી છે. યોગોને નિરંતર સમિતિગુણિરૂપ સંવરમાં પ્રવર્તાવવામાં આવે તો યોગધારા પણ શુદ્ધ થતી જાય છે. યોગો જેના અશુભમાં નહીં પણ શુભમાં પ્રવર્તતા હોય તેવા સંયતને ભગવતીમાં નિરારંભી કહ્યો છે. આ ઉપરથી જેઓ શુભમાં ધર્મ ન માનતા હોય તેઓ કેટલાબધા માર્ગથી દૂર છે, તે સ્પષ્ટ સમજી શકાય તેવું છે,
ચોથા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધી સમકિતિની જ્ઞાનધારા વિશુદ્ધ હોય છે, છતાં બાહ્ય ક્રિયાની વિવિધતાને લીધે તેમાં તરતમતા જરૂર હોઈ શકે. ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર ઉપર ઉપરના ગુણઠાણે જ્ઞાનધારા વિશુદ્ધ વિશુદ્ધતર થતી જાય છે. જ્યારે બન્ને ધારાની સંપૂર્ણ શુદ્ધિ થાય છે, ત્યારે આત્મામાં અપૂર્વ ધૈર્ય આવી જાય છે. અને ઉપર આપણે વર્ણવી ગયા તેમ શૈલેશીકરણમાં સર્વ સંવરની પ્રાપ્તિ થાય છે, ત્યાં તો યોગનો નિરોધ થઈ જતાં યોગધારાનું સંપૂર્ણ વિલીનીકરણ થાય છે. યોગાત્મા સંસાર પર્યાયમાંજ હોય છે.